Columns

SDM જ્યોતિ મૌર્ય જેવા કિસ્સાઓ આજના કાળમાં બહુ સામાન્ય બની ગયા છે

વારાણસીની નિવાસી SDM જ્યોતિ મૌર્ય અને તેના પતિ સફાઈ કામદાર આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ આ દિવસોમાં ચર્ચામાં છે. બંને પતિ-પત્નીએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જ્યોતિએ છૂટાછેડા માટે અરજી કરીને આલોક સામે કેસ દાખલ કર્યો છે, જ્યારે આલોકે હત્યાનાં કાવતરાંનો આરોપ લગાવ્યો છે. જ્યારે તમે તમારા જીવનમાં ફક્ત એક વ્યક્તિને આધાર બનાવીને જીવવા માંગો છો અને તેને સફળ બનાવવા માટે બધું જ બલિદાન આપો છો, પરંતુ સફળતા પછી તે જ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય છે, તો પછી તમારો કિસ્સો સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બને છે.

SDM જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના કિસ્સાની છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચા થઈ રહી છે. પતિએ તેની પત્નીને તેના મુશ્કેલ સમયમાં ભણાવી. તેનો બધો સમય તેને પીસીએસ (પબ્લિક સર્વિસ કમિશન) માટે તૈયાર કરવામાં વિતાવ્યો; પરંતુ જ્યારે તેની પત્ની પીસીએસની પરીક્ષા પાસ કરીને એસડીએમ (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) બની ત્યારે તેણે તેના પતિને તરછોડીને બીજા પુરુષ સાથે સંબંધ શરૂ કર્યો. આ ઘટનાની આપણા સમાજ પર ખરાબ અસર પડી રહી છે.

જ્યોતિનો જન્મ વારાણસીનાં ચેરાઈ ગામમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો, જેને નાનપણથી જ અભ્યાસનો ખૂબ શોખ હતો અને જે તેના જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગતી હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક નાનકડા ગામ ઝાલવામાં જન્મેલા આલોક મૌર્યને વર્ષ ૨૦૦૯ માં ઉત્તર પ્રદેશ પંચાયતી રાજ વિભાગમાં ચોથા વર્ગના સફાઈ કામદાર તરીકે નોકરી મળી હતી. તેના પરિવારના સભ્યો પણ તેમના પુત્રના લગ્ન માટે છોકરીની શોધમાં હતા. તેમની શોધ જ્યોતિ મૌર્ય પર પૂરી થઈ હતી. બંનેના પરિવારજનોએ આ સંબંધને મંજૂરી આપી હતી હતી અને તેઓ બંને તા. ૧૯ નવેમ્બર ૨૦૧૦ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા હતા. લગ્ન પછી તેઓ સાથે રહેવા લાગ્યા હતા અને તેમને ત્યાં જોડિયા પુત્રીઓનો જન્મ પણ થયો હતો.

લગ્નનાં થોડાં વર્ષો બાદ આલોક મૌર્યની પત્ની જ્યોતિ મૌર્ય તેના પતિને કહે છે કે તે ભણવા માંગે છે. આલોક મૌર્ય પત્નીની વાત સાંભળતા જ વિચારે છે કે જો તેનું પોતાનું સપનું પૂરું ન થાય તો તેની પત્નીનું સપનું તો પૂરું કરવું જ જોઈએ. આ વિચાર સાથે આલોક જ્યોતિને ઉત્તર પ્રદેશ પીસીએસની તૈયારી માટે કાઉન્સેલિંગ કોચિંગ કરવા માટે પ્રયાગરાજમાં દાખલ કરાવે છે. જ્યોતિ મૌર્ય ખરેખર ખૂબ નસીબદાર હતી કે તેને આલોક મૌર્ય જેવો પતિ મળ્યો હતો. જ્યોતિએ પીસીએસની તૈયારી માટે ઘણાં વર્ષો સુધી મહેનત કરી.

પતિ આલોક મૌર્ય પ્રતાપગઢ જિલ્લામાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો અને ત્યાંથી જે પૈસા મળતા હતા તે પત્નીના ભણતર પાછળ ખર્ચી નાખતો હતો. પોતાની પરેશાનીઓ ભૂલીને આલોકે પોતાની પત્ની જ્યોતિને પીસીએસ ઓફિસર બનાવવા માટે સખત મહેનત કરી હતી. અહીં જ્યોતિએ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પરીક્ષાની તૈયારી કરી અને વર્ષ ૨૦૧૫માં જ્યારે UPPCSનું પરિણામ આવ્યું તેમાં જ્યોતિ મૌર્યએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ૧૬મો રેન્ક હાંસલ કર્યો હતો. અહીં પતિ વિચારે છે કે તેણે જે વ્રત લીધું હતું તે પૂરું થયું છે અને હવે તેના જીવનમાંથી બધી સમસ્યાઓનો અંત આવશે.

આલોક મૌર્ય દ્વારા મીડિયામાં આપેલા નિવેદન અનુસાર વર્ષ ૨૦૨૦માં જ્યોતિ મનીષ દુબે નામની વ્યક્તિને ફેસબુક ઉપર મળે છે, જે ઉત્તર પ્રદેશ પોલીસમાં હોમગાર્ડ કમાન્ડનો એડિશનલ ઓફિસર છે. આ દરમિયાન આલોકને જ્યોતિના મોબાઈલમાંથી થોડી વિગતો મળે છે, પરંતુ જ્યોતિ કહે છે કે એક સરકારી કર્મચારીને ઘણા લોકો સાથે સંપર્કમાં રહેવું પડે છે. આલોક તેની વાત માની લે છે; પરંતુ તેને ખબર નહોતી કે મનીષ દુબેના કારણે તેની જિંદગીમાં ઉથલપાથલ થવા જઈ રહી છે. આલોક મૌર્ય પ્રયાગરાજમાં કામ કરે છે અને જ્યોતિ બરેલી શહેરમાં એસડીએમ તરીકે કામ કરતી હતી.

એક દિવસ આલોક બરેલી શહેરમાં જાય છે, જ્યાં જ્યોતિ સરકારી આવાસમાં રહે છે. ઘરની રક્ષા કરતા હોમગાર્ડને આલોક કહે છે કે જ્યોતિને કહેતો નહીં કે અમે આવ્યા છીએ. આમ કહીને તે ઘરની અંદર ગયો, જ્યાં તેની પત્ની જ્યોતિ મૌર્ય અને હોમગાર્ડ કમાન્ડના એડિશનલ ઓફિસર મનીષ દુબે શારીરિક સંબંધ બાંધી રહ્યા હતા. આ દરમિયાન જ્યોતિ મૌર્ય આલોકને જુએ છે અને કહે છે કે ‘‘હું તમારા જેવા સફાઈ કામદાર સાથે નહીં રહી શકું, મારે મારા સ્તરનો પતિ જોઈએ છે. હું મનીષ દુબે સાથે લગ્ન કરીને તમારી પાસેથી છૂટાછેડા લેવા ઈચ્છું છું.’’આ સાંભળ્યા પછી આલોક મૌર્યને શું કરવું તે સમજાતું નહોતું અને તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને ત્યાંથી પાછો જાય છે.

આ પછી ફરી એકવાર તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આલોક તેની એસડીએમ પત્નીને લખનૌની મેરીઓટ હોટેલમાં મનીષ દુબે સાથે શારીરિક સંબંધ બાંધતા જુએ છે. આ જોયા પછી આલોકની દુનિયાનો અંત આવે છે. આ ઘટના પછી આલોક તેની પત્ની જ્યોતિની વોટ્સએપ અને ફેસબુક ચેટ જુએ છે, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. છેલ્લાં બે વર્ષથી આ બંને વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધો બંધાયા હતા. જ્યોતિએ ઘણા પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ઓનલાઈન વાતો કરી હતી. તે સેક્સ એડિક્ટ બની ગઈ હતી.

આલોકે આ આખી ચેટની પ્રિન્ટ કાઢીને તે અલગ-અલગ મીડિયા હાઉસને આપી છે. આ રીતે જ્યોતિ મૌર્યના ચેટ વાયરલ થવા લાગ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા જ્યોતિ મૌર્યના કેસની જાણ થતાં જ લોકો ગુસ્સે થઈ ગયા છે અને તેને તેના પદ પરથી હટાવવાની વાત કરવા લાગ્યા છે. આ બધી ઘટનાઓ પછી જ્યોતિએ આલોક પાસેથી છૂટાછેડા માંગવાનું શરૂ કર્યું અને ઊલટું આલોક સામે મોબાઈલ હેકિંગનો કેસ દાખલ કર્યો છે. આલોક મૌર્ય તેની જોડિયા દીકરીઓને મળવા માંગે છે, પરંતુ જ્યોતિ તેને મળવા દેતી નથી.

આ ઘટના દેશમાં એટલી બધી ચર્ચાઈ રહી છે કે તેણે બધાને હચમચાવી દીધા છે. મનીષ દુબેની પત્ની જણાવે છે કે તેના પતિના સંબંધો ભૂતકાળમાં પણ ઘણી મહિલાઓ સાથે બની ચૂક્યા છે. આલોક મૌર્યનું કહેવું છે કે તે પોતાના પરિવારને તૂટતો જોવા નથી માંગતો. તે આ ઘટના બાદ પણ પોતાની પત્ની સાથે રહેવા માંગે છે. જ્યારે મીડિયા આ અંગે જ્યોતિ મૌર્યનો ઈન્ટરવ્યુ લે છે ત્યારે તે આલોક પર દહેજ લેવાનો આરોપ લગાવે છે. જ્યોતિ કહે છે કે તેણે તા. ૭ મે, ૨૦૨૩ના રોજ તેના પતિ આલોક વિરુદ્ધ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આલોક પર દહેજની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ મામલાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેની દેખરેખ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને પોલીસ આ ઘટનાને કેવી રીતે નિહાળે છે અને સરકાર શું નિર્ણય લે છે. આજના કાળમાં પતિ-પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તે બહુ સામાન્ય બાબત છે. પતિ-પત્નીનું પોસ્ટિંગ અલગ જગ્યાએ હોય તો તેઓ લાંબા અરસા સુધી એકબીજાને ન મળતા હોય તેવું પણ બની શકે છે. તેવા સંયોગોમાં પતિ પરસ્ત્રીના કે પત્ની પરપુરૂષના ગાઢ સંપર્કમાં આવે તો તેમનું લગ્નજીવન જોખમમાં મૂકાઈ જાય છે. આવા સંયોગોમાં લગ્નજીવન બચાવવું કે સરકારી નોકરી બચાવવી? તેવો સવાલ પણ પેદા થાય છે, જેનો જવાબ આપવો બહુ મુશ્કેલ હોય છે.

Most Popular

To Top