Madhya Gujarat

પોલીસ બેડામાં 130 કર્મચારીઓની સાવચેતીપૂર્વક બદલીઓ કરાઈ

નડિયાદ, તા.3
ખેડા જિલ્લા પોલીસ બેડામાં 130 પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઈ છે. જેમાં એ.એસ.આઈ.થી માંડી હેડ કોન્સ્ટેબલોની બદલી કરાઈ છે. જો કે, ખેડા જિલ્લાના વડામથક નડિયાદની હદ વિસ્તારમાં આવતા પોલીસ મથકો ‘કમાઉ દિકરા’ તરીકે જાણીતા હોય, તેમાં માત્ર આંતરીક બદલીઓ અને માનીતા કર્મચારીઓને મૂકાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને નડિયાદ ટાઉનમાંથી બદલીનો દેખાડો કરવા કેટલાક કર્મીઓને ખેડા હેડક્વાર્ટર્સમાં મૂકી કાગળ પર બદલી કરાઈ હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
નડિયાદ ટાઉનમાં ડી સ્ટાફમાં રહેલા સુભાષ મોહનલાલને ખેડા હેડક્વાર્ટર્સમાં મૂકવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલી 130 બદલીઓ પૈકી સૌથી ચર્ચાસ્પદ બદલી આ રહી છે. કારણ કે, નડિયાદ ટાઉનમાં વિવાદમાં રહેલા આ હેડ કોન્સ્ટેબલની માત્ર કાગળ પર સરકારી રેકર્ડ ઉભો કરવા માટે ખેડા હેડક્વાર્ટર બદલી બતાવાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, સમગ્ર મામલે હકીકતે તો તેઓ નડિયાદ ટાઉનમાં રહીને જ તેમને બંધ બારણે સોંપાયેલી કામગીરી કરશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ખેડા જિલ્લા પોલીસ બેડામાં વાયરલ થયેલ વિડીયો બાદ ખૂબ જ વિવાદાસ્પદ સ્થિતિ જોવા મળી હતી. જેથી સામૂહિક બદલીઓ પણ આ વિડીયોનો બનાવ અસરરૂપ ન બને તેની નોંધ લેવાઇ હતી. આ તરફ નડિયાદ ટાઉનના કેટલાય પોલીસ કર્મચારીઓને નડિયાદ પશ્ચિમમાં ઠાલવી દેવાયા છે. તેમજ પોતાની ફરજ દરમિયાન વિવાદોમાં ઘેરાયેલા કનકસિંહને વડતાલથી પેરોલર્ફ્લો સ્ક્વોર્ડ અને વડતાલના સચિન સીતારામને નડિયાદ ટાઉન તો એ જ રીતે નડિયાદ ટાઉનમાંથી ગણેશ ગોપીનાથને એલ.સી.બી.માં મુકાયા છે. આ પ્રકારે આંતરીક બદલીઓમાં પણ અંદરોઅંદર બદલીઓ કરી માનીતાઓને સાચવ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 130 પોલીસ કર્મચારીઓને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં બદલીઓ કરવામાં આવી છે.

Most Popular

To Top