SURAT

સુરતમાં રહેતા બિલ્ડરે બેંકમાં જપ્ત થયેલી કાર સસ્તામાં મેળવવાના ચક્કરમાં 11.81 લાખ ગુમાવ્યા

સુરતઃ (Surat) શહેરના વેસુ ખાતે રહેતા બિલ્ડરનો (Builder) વડોદરા ખાતે રહેતા અને બેંકમાં જમા થયેલી કાર સસ્તામાં અપાવતા ભરત જોષી સાથે સંપર્ક થયો હતો. આ ભરત જોષીએ બેંકમાંથી રેનોલ્ડ ક્વીડ 3.91 લાખમાં અને ક્રેટા 12.90 લાખમાં આપવાનું નક્કી કરી 11.81 લાખ મેળવી લીધા હતા. અને બાદમાં કાર (Car) પણ નહીં આપી અને પૈસા પણ નહી આપતા ઉમરા પોલીસે ભરત જોષી સામે છેતરપિંડીની ફરિયાદ (Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • વડોદરામાં રહેતા ભરત જોષીએ બેંકમાંથી સસ્તામાં કારનું સેટીંગ હોવાનું કહીને ક્વીડ અને ક્રેટા કારના પૈસા લઈ લીધા
  • ક્વીડ કારની જગ્યાએ સેન્ટ્રો કારની આરસી બુક ઘરે આવી
  • ઇન્સ્યોરન્સ કંપનીનો ફોન આવતા કારનું અકસ્માત થતા શોરૂમમાં હોવાની જાણ થઈ

વેસુ ખાતે આવેલી રીટરીટ હાઈટ્સમાં રહેતા 36 વર્ષીય આગમ દિનેશચંદ્ર શેઠ વ્યવસાયે બિલ્ડર છે. જાન્યુઆરી 2022 માં આગમભાઈના પરિચિત જમીન દલાલ અરવિંદભાઈ કાકડિયાએ વડોદરામાં રહેતા ભરતભાઈ જોષી સસ્તામાં કાર અપાવતા હોવાનું કહીને ભરતભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો. ભરત જોષીએ તે બેંકમાંથી જપ્ત કરેલી કે હરાજીમાં આવતી મિલકતો અને કાર ટેન્ડર ભરીને અપાવતો હોવાનું કહ્યું હતું. હાલ તેની પાસે રેનોલ્ડ ક્વીડ કારનું સેટીંગ છે અને તે 3.91 લાખમાં પડશે તેમ કહ્યું હતું. આ કાર લેવાની હા પાડતા ભરતભાઈએ બાલાજી એન્ટરપ્રાઈઝ પેઢીના એસબીઆઈ બેંકના ખાતામાં આરટીજીએસથી પૈસા જમા કરાવવાનું કહેતા તેમાં પૈસા જમા કરાવી દીધા હતા.

આગમભાઈએ બીજી કોઈ ગાડી બાબતે પુછતા હ્યુન્ડાઈ ક્રેટા ગાડી હોવાનું કહ્યું હતું. આ કાર 12.90 લાખમાં મળશે તેવું કહેતા આગમભાઈએ તેમની પત્નીના ખાતામાંથી 7.90 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને બાકીના 5 લાખ કાર મળે પછી આપવાના નક્કી કરાયું હતું. ઘણો સમય વીતી ગયા પછી કાર આપી નહોતી. થોડા સમય બાદ આગમભાઈના ઘરે કોઈ ન હોવાથી આવેલી આરસી બુક આરટીઓમાં પરત થઈ ગઈ હતી. આરટીઓમાં જઈને આરસી બુક મેળવતા તે સેન્ટ્રો કારની આરસી બુક હતી.

જેથી ભરતભાઈને ફોન કરીને ક્વીડ કારની વાત થઈ તો સેન્ટ્રો ક્યાંથી આવી તેમ પુછતા તેમને બરાબાર જવાબ આપ્યો નહોતો. ક્વીડ કાર કોઈ બીજાને ચલાવવા આપી દીધી હતી. બાદમાં ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ફોન આવ્યો ત્યારે આ ગાડીનું એક્સીડન્ટ થતા શોરૂમમાં હોવાની જાણ થઈ હતી. ભરત જોષીએ આગમભાઈ પાસેથી 11.81 લાખ રૂપિયા પડાવી તેમને બંને કાર નહી આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે

Most Popular

To Top