Comments

ગરીબી અનામતનો આધાર બની શકે?

અન્ય કોઇ રીતે અનામતની યાદીમાં આવરી નહીં શકાયેલાં લોકો માટે શિક્ષણ અને રોજગારીમાં અનામત માટે ગરીબી આધાર બની શકે? સુપ્રીમ કોર્ટ કહે છે: હા. આર્થિક રીતે નબળાં લોકો માટે 10 ટકા અનામત રાખવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટની ખંડિત બેંચે માન્ય ગણ્યો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે આ ચુકાદો આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ ગેલમાં આવી ગયા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગોની અનામત માટે નહીં આવરી લેવાયેલા સમાજમાં તેમજ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મતદારોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં આર્થિક રીતે નબળાં વર્ગનાં લોકોને 10 ટકા અનામતનો લાભ આપવાની જોગવાઇ કરતાં 103મા બંધારણીય સુધારાને તા. 7મી નવેમ્બરના ચુકાદાથી માન્ય રાખવામાં આવ્યો છે.

હકીકતમાં મોદી સરકારના નિર્ણયે દેશભરમાં ભારતીય જનતા પક્ષની તકો ઉજળી કરી હતી કારણ કે ગુજરાતમાં પટેલ, હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા તેમજ કર્ણાટકના લિંગાયત સમાજ જેવા અનામતમાંથી બાકાત રહેલા સમાજોએ સંતોષ વ્યકત કરી પોતાના સમાજ માટે અનામત રાખવાની આક્રમક માંગ ઠંડી પાડી હતી. પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આર્થિક રીતે નબળાં લોકો માટે અનામતની ચર્ચા ખતમ થવાની સંભાવના નથી. આનો વિરોધ કરનારા કહે છે કે નોકરી અને વ્યવસાયોમાં પ્રતિનિધિત્વથી વંચિત અને ઐતિહાસિક અન્યાયના સિદ્ધાંતો પર નક્કી થયેલ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોની આમાંથી એ ભૂમિકા પર બાદબાકી થઇ છે કે તેઓ જ્ઞાતિના આધારે અનામતની જોગવાઇઓનો લાભ મેળવે જ છે.

હકીકતમાં આર્થિક રીતે નબળા વર્ગોની શ્રેણીનો વિરોધ કરનારાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ માત્ર સવર્ણ જ્ઞાતિઓ માટે જ છે જેનો આધાર તેમની નાણાંકીય સ્થિતિ અને જ્ઞાતિ છે. અનામતની જોગવાઇઓ હેઠળ આવરી લેવાયેલાં ગરીબોની આમાંથી બાદબાકી થઇ છે. કાયદાના મુદ્દામાં વધુ ચર્ચા માટે ખુલ્લા જ છે. 3:2થી અપાયેલા આ ચુકાદાના મૂળમાં 2019માં કરાયેલી 40 પીટીશનો છે જેમાં બંધારણની યથાર્થતા વિશે કાનૂની મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને પ્રશ્ન કરાયો હતો કે અનામતથી બંધારણના પાયાના માળખનો ભંગ થાય છે કે કેમ? આર્થિક રીતે નબળા વર્ગો પરત્વે આ ચુકાદો આપનાર બેંચ થોડીક જ બંધારણીય બેંચમાંથી એક છે. હકીકતમાં આ બેંચની રચના વિદાય લેતા ભારતના ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે પદનો અખત્યાર સંભાળ્યો અને તેની સાડા છ દિવસ સુધી ચાલેલી સુનાવણી હાથ ધરી હતી.

જસ્ટિસ દિનેશ મહેશ્વર, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ચુકાદાની તરફેણમાં કામ કરી હતી જયારે ચીફ જસ્ટિસ લલિત લઘુમતીમાં હતા. સદરહુ બંધારણીય સુધારો જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે લખ્યો હતો. જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજય વિશિષ્ટ જોગવાઇઓ કરી શકે છે અને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અન્ય પછાત વર્ગો વગેરેને બાદ રાખવાથી સમાનતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ અનામતની જોગવાઇઓ કાયમ ન ચાલી શકે એવો મત વ્યકત કર્યો હતો.

મોદી સરકારે એવી રજૂઆત કરી હતી કે અનામતની જોગવાઇમાં 50 ટકાની મર્યાદા છે. આ 10 ટકા તેમાં વધારો નથી. આર્થિક રીતે પછાત વર્ગનો મુદ્દો એક સ્વતંત્ર મુદ્દો છે. તા. 7મી ઓગસ્ટ, 1990ના રોજ તે સમયના વડાપ્રધાન વી.પી. સિંહે ઐતિહાસિક દમનના કારણે અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઇ કરવામાં આવી છે અને તેમણે ઇંદિરા ગાંધીના સમયથી ધૂળ ખાતા મોડલ પંચના હેવાલનો અમલ કર્યો હતો. દેશમાં ખાસ કરીને બિનપછાત વર્ગોનો યુવકો અને રાજકીય પક્ષોએ તોફાન મચાવી દીધું હતું. તા. 6 સપ્ટેમ્બર 1990ના રોજ કોંગ્રેસી નેતા રાજીવ ગાંધીએ આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ કરવાની રજૂઆત વી.પી. સિંહનો ઉધડો લીધો હતો.

અન્ય પછાત વર્ગોની જોગવાઇઓએ ગતિ પ્રાપ્ત કરી હતી છતાં આર્થિક રીતે પછાત વર્ગો માટે પણ અનામત રાખવાની માંગ ઉગ્ર બની હતી. નરસિંહરાવની સરકારે આર્થિક રીતે પછાત વર્ગો માટે 10 ટકા અનામત રાખવાની જોગવાઇ કરી ત્યારે 1992માં સુપ્રીમ કોર્ટે આ જોગવાઇઓને ગેરબંધારણીય ગણાવી જણાવ્યું હતું કે નાગરિકોના પછાત વર્ગનું ધોરણ આર્થિક સ્થિતિ નથી. ડો. મનમોહનસિંહની સરકારે આર્થિક રીતે પછાત વર્ગ માટે પંચ રચ્યું હતું. પણ પછાત વર્ગોનો ટેકો ધરાવતા રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. આખરે  પંચે 2010ના જુલાઇમાં પોતાનો હેવાલ આપ્યો હતો. પણ સરકારે તેને અભેરાઇ પર મૂકી દીધો હતો. આખરે જાટ, મરાઠા અને પાટીદારોએ આંદોલન કર્યું ત્યારે મોદી સરકારને લાગ્યું કે કંઇક થવું જોઇએ. આર્થિક રીતે પછાત વર્ગોનો મુદ્દો સરકારો માટે દબાણ હળવું કરવાના સેફટી વાલ્વ જેવો છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top