Dakshin Gujarat

આ રૂટની બસ અનિયમિત હોવાથી નોકરિયાત-મુસાફરોનો ડેપો ખાતે હલ્લાબોલ

માંડવી: માંડવી-કીમ રોડ પર આવેલી ફેક્ટરી પર કામ ધંધા અર્થે જવા માટે રોજિંદા મુસાફરી કરનારા પાસધારકો અવરજવર કરવા માટે સરળતા છે. પરંતુ માંડવી (Mandvi) એસટી બસના (ST Bus) રૂટ અનિયમિત હોવાથી સમયસર નોકરી (Job) પર પહોંચી શકતા ન હોવાથી પગાર ધોરણે નુકસાન થતું હોય છે. અને મુસાફરો મુશ્કેલી વેઠી રહ્યા છે. જે બાબતે અનેકવાર ડેપોમાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા બસના રૂટો નિયમિત ન કરતાં મુસાફરો ગુસ્સે ભરાતાં બસ ડેપો ખાતે હલ્લાબોલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો મોટો તાલુકો છે. ત્યારે માંડવી વિસ્તારમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત, કામધંધા અર્થે જતા મુસાફરો એસટી બસ પર નિર્ભર છે. પરંતુ અનેક બસના રૂટો અનિયમિત હોવાથી પરાવાર મુશ્કેલી પડી રહી છે. જે બંધ પડેલા બસના રૂટો નિયમિત કરવા માટે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ડેપો મેનેજરને જાણ કરતા શરૂ કરવા ખાતરી આપી હતી. તેમજ સાંસદ, ધારાસભ્ય લેટર પેડ પર ભલામણ કરવા છતાં પણ બસના રૂટો અનિયમિત છે. તેમજ થોડા દિવસ પહેલાં પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોરને તાલુકા પંચાયતના એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ માંડવી-કીમ રોડ પર આવેલી ફેક્ટરી પર રોજિંદા કામ ધંધા અર્થે જતાં પાસધારક મુસાફરોની કીમ જતી બસ અનિયમિત થવાથી બસ ડેપો પર મુસાફરોએ હલ્લાબોલ મચાવી રોષે ઠાલવ્યો હતો. કેમ કે, આ બસ અનિયમિત થવાથી નોકરિયાત વર્ગના લોકો સમયસર પહોંચી શકતા નથી. જેથી તેઓના પગારધોરણે નુકસાન થતું હોય છે. જો બસના રૂટો નિયમિત ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી મુસાફરોએ આપી હતી.

તાપી જિલ્લામાં કોરોના કાળમાં બંધ કરાયેલા એસ.ટી.ના રૂટો શરૂ કરવા આવેદન
વ્યારા: તાપી જિલ્લામાં કોરોના કાળમાં બંધ કરાયેલ એસ.ટી.ના તમામ રૂટો શરૂ કરવા સોનગઢ યૂથ કોંગ્રેસના પ્રમુખ ગણેશ વસાવા અને તાપી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વિરલ વસાવા અને ૧૭૨ વિધાનસભાના પ્રમુખ મધુર ગામીત દ્વારા સોનગઢ ડેપો મેનેજરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં હાલ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ બસના રૂટો બંધ હોવાથી શાળા-કોલેજોમાં સમયસર પહોંચી શકતા નથી. જેથી ૭ દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે તો શાળા-કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી તમામ તાલુકામથકે યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇ બસ રોકો આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

Most Popular

To Top