બજેટ મહત્ત્વનું નથી ત્યારે તેની ચર્ચા વધારે થાય છે

1991 પહેલાં બજેટ મહત્ત્વનું હતું પણ ત્યારે ચેનલો ન હતી માટે તેની બહુ ચર્ચા ન હતી. 1991 પછી બજેટનું મહત્ત્વ ઘટતું ગયું. ચેનલો વધતી ગઇ અને ચર્ચા વધતી ગઇ.જરા વિચારો, પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર નિયંત્રિત હતા માટે તે છ-બાર મહિને બદલાતા અને તેના પરનો ટેક્ષ વરસે એક વાર સરકારી બાબતોની કિંમત છ-બાર મહિને બદલાતી. હવે પેટ્રોલ-ડિઝલના ભાવ રોજ બદલાય છે. સરકાર ગમે ત્યારે કિંમત બદલે છે. (છેલ્લા મહિનાથી આવનારી વિધાનસભાની ચૂંટણી માંગ પુરવઠાના પરિબળ કરતાં વધારે અસર કરે છે માટે પેટ્રોલના ભાવ સ્થિર છે) પહેલાં રાજય સરકારના વેરા, કેન્દ્રના વેરા બદલાય એટલે ભાવ બદલાતા, પણ હવે લગભગ બાર-તેર વેરા ભેગા થઈ એક જ જી.એસ.ટી. લાગુ કર્યા છે. જેની કાઉન્સિલ વેરા નક્કી કરે છે અને તે ત્રણ મહિને, છ મહિને રીવ્યુ કરે છે. માટે પહેલા વરસે બદલાતા વેરા હવે છ-મહિને બદલાય છે. તો રોજિંદી વસ્તુઓ અને પેટ્રોલ ડિઝલના ભાવ પર જે બજેટ અસર નથી કરતું, તેની સામાન્ય માણસ શું ચિંતા કરે!

જેમ રીઝર્વ બેંકની નાણાંનીતિ હવે માત્ર ધિરાણ નક્કી કરી ‘ક્રેડીટ પોલીસી’ બની ગઇ છે તેમ હવે પછીનાં વર્ષોમાં બજેટ માત્ર સરકારના નાણાં સાધનો ફાળવવાની નીતિ બની જશે! રાજનેતાઓને ભલે બજેટની રાજકીય ચર્ચામાં રસ હોય, પણ અભ્યાસુ લોકોએ તો ગયા બજેટમાં જે કહેવામાં આવ્યું હતું તે થયું કે કેમ! તે તપાસવું જોઇએ. આપણે ગયા પાંચ વર્ષથી જે તજજ્ઞો પાસે સાંભળ્યું હોય કે ‘અર્થતંત્રને વેગવંતુ બનાવતું ફુલ ગુલાબી બજેટ’’- એમને પૂછવું જોઇએ કે તમને ગુલાબીપણું કયાં કયાં દેખાયું? સરકારે કહેલા આવાસો બંધાયા? સરકારે કહેલી રોજગારી સર્જાઇ? સરકારે આપેલો રાજકોષિય ખાધનો લક્ષ્યાંક જળવાયો? ખેર, બજેટની ચર્ચાઓ અર્થશાસ્ત્રીઓ કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધારે કરે છે! તે જ બતાવે છે કે આપણે અર્થશાસ્ત્ર વિષે કેટલા જાગૃત છીએ.

આમ તો શ્રીમતી નિર્મલા સિતારમણ પોતે જ અર્થશાસ્ત્રીનાં વિદ્યાર્થી છે. તેમનું ગ્રેજયુએશન તથા માસ્ટર્સ અર્થશાસ્ત્રમાં જ થયું છે અને અંગ્રેજી પર પ્રભુત્વ સારું છે. આમ છતાં ઉદારીકરણના ત્રીસ વર્ષમાં સૌથી અતાર્કિક આવકવેરા દરનું માળખું તેમના દ્વારા ચલાવાય છે. જયાં 5 ટકા ટેક્ષ પછી સીધા 20 ટકા અને 30 ટકા છે. વળી આવક સ્લેબ પણ છેલ્લાં ચાર વર્ષથી બદલાતા નથી. હા, એમણે એક વૈકલ્પિક માળખું આપ્યું છે પણ તે લોકોએ ઓછું સ્વીકાર્યું છે. જે બતાવે છે કે તે તાર્કિક હોવા સાથે વ્યવહારુ નથી. કારણ કે તે કુલ આવક અને કરપાત્ર આવકના તફાવતને જ સ્વીકારતું નથી. મતલબ કોઇ જ પ્રકારની ટેક્ષ રાહત આપતું નથી.
વર્તમાન બજેટની હવે સંસદમાં ચર્ચા થશે. ઘણી બધી ચેનલો રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોની ચર્ચા કરશે. પણ આપણે ત્યાં ભાગ્યે જ કોઇ ચર્ચા કરશે કે નાણાંમંત્રીએ શું ન કર્યું!

જેમકે ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અબજો રૂપિયાની આવકને વેરાપાત્ર બનાવવાની સ્પષ્ટ જોગવાઇ જ નથી. હમણાં જ એક ન્યાયાલયે આ આવક પર વેરો ન લાગે તેવો ચુકાદો આપ્યો છે કારણ કે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ રમતગમતના વિકાસ-પ્રોત્સાહનના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા છે. સરકારની ફરજ હતી કે ક્રિકેટના નવા વ્યાવસાયિક રૂપને જોતાં કાયદાકીય સુધારા કરે અને આ અદ્‌ભુત આવક વેરાપાત્ર બનાવે! આ બજેટમાં નાણાં મંત્રીએ સ્ક્રિપ્ટો કરન્સી (ડિજીટલ નાણું) પર 30 ટકા દરે આવકવેરો લાદ્યો. પણ રાજનેતાઓએ સંસદમાં પૂછવા જેવો પ્રશ્ન એ છે કે પહેલાં દેશમાં સ્ક્રિપ્ટો કરન્સી કાયદેસર તો કરો! અને આ ડીજીટલ નાણાંને કાયદાનું પીઠબળ આપવાનું કામ સરકારનું છે.

પહેલાં તેનો કાયદો બનાવો પછી ટેક્ષ લો. તમે પરોક્ષ રીતે તેને કાયદેસરતા કેમ આપો છો? (પણ વિપક્ષને આટલું સૂઝવું તો જોઇએ). બજેટમાં એક જોગવાઇ ડીજીટલ યુનિવર્સિટીની છે! અલ્યા ભાઇ, આ કામ શિક્ષણ મંત્રાલયનું છે. નાણાં મંત્રાલયનું કામ માત્ર શિક્ષણની જરૂરિયાતો માટે નાણાં ફાળવવાનું છે. નહીં કે શિક્ષણનું સ્વરૂપ નક્કી કરવાનું! ડીઝીટલ શાળા અને ડીઝીટલ યુનિ. એ સમયની માંગ છે. પણ ખાનગી ક્ષેત્ર પણ તે શરૂ કરી શકે. જો ભારતનું શિક્ષણ મંત્રાલય તેને કાયદેસર માન્યતા આપે. છેલ્લે એક મજાની વાત. ખેડૂતને ડ્રોન કેમેરા માટે નાણાં ફાળવણીની જાહેરાત છે. સિરિયસલી લઇએ તો માત્ર મોટા ખેડૂતો અને બગીચા ધરાવતા ખેડૂતો જ આ સુવિધા લે. બાકી નાના સીમાંત ખેડૂતો? હા, એક શકયતા છે. ખેડૂત ડ્રોન ઉડાડે અને દૂર સુધી તેને પાણી દેખાય જ નહીં1 સૂકા ભઠ ખેતરો આઝાદીનાં 75 વર્ષ પછી પણ નહીં ફળેલી અપેક્ષાઓ જેવા!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top