SURAT

લગ્નપ્રસંગોમાં બોલિવુડ સ્ટાર બની રહ્યા છે સુરતના મહેમાન

એક સમય હતો કે જ્યારે લગ્ન સહિતના પ્રસંગોમાં પરિવારના સભ્યો જ જોવા મળતા હતા પરંતુ સમય જતાં વધેલી સમૃદ્ધિને કારણે હવે સુરતમાં શુભ પ્રસંગોમાં બોલિવુડ સ્ટારથી માંડીને ક્રિકેટર, ગાયકો જોવા મળી રહ્યા છે. સુરતમાં એક સમયે ફુલફ્લેજ એરપોર્ટની સુવિધા નહી હોવાથી સેલિબ્રિટી આવતા ખચકાતા હતા પરંતુ હવે આ દુવિધા દૂર થઈ જતાં સુરતમાં વિવિધ લગ્ન તેમજ અન્ય શુભ પ્રસંગોમાં અનેક સેલિબ્રિટી જોવા મળી રહ્યા છે. થોડા વર્ષો પહેલા બોલિવુડના સ્ટાર સુરત આવતા હતા પરંતુ હવે બોલિવુડના સુપરસ્ટાર પણ સુરતમાં આવી રહ્યા છે. મુંબઈથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા સુરત આવીને આવા પ્રસંગોમાં હાજરી આપી પરત જવું સરળ હોવાથી સુરત આવવાનું સેલિબ્રિટી પસંદ કરી રહ્યા છે. ભૂતકાળમાં અમિતાભ બચ્ચનથી માંડીને શાહરૂખખાન, દિલેર મહેંદીથી માંડીને હાલના સૌથી વ્યસ્ત ગાયક અરિજિતસિંગ સુધીના કલાકારો સુરત આવી રહ્યા છે. સુરતના ઉદ્યોગકારો સાથે દોસ્તી કે પછી પ્રોફેશનલી પણ આવા સ્ટાર કલાકારો સુરતમાં પોતાની કલા દર્શાવી રહ્યા છે. સુરતમાં મોટા ઔદ્યોગિક જુથ કે પછી બિલ્ડર જુથમાં બોલિવુડના કલાકારોને બોલાવવાનો ક્રેઝ ધીરેધીરે વધી રહ્યો છે

રાજહંસ ગ્રુપના લગ્નપ્રસંગમાં સુપરસ્ટાર રણવીરસિંગે માહોલ ઊભો કરી દીધો
તાજેતરમાં સુરતના જાણીતા બિલ્ડર જુથ રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપના જયેશ દેસાઈના લઘુબંધુ વિજય દેસાઈની પુત્રીના લગ્નપ્રસંગમાં બોલિવુડના સુપરસ્ટાર રણવિરસિંગે પોતાના અનોખા અંદાઝમાં આખા પ્રસંગને જીવંત કરી દીધો હતો. આ જ લગ્નપ્રસંગમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા, દીયા મિર્ઝા તેમજ એનાઉન્સર તરીકે ગૌહર ખાને પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો. જયેશ દેસાઈ સાથે અંગત સંબંધો હોવાથી આ લગ્નમાં જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરથી માંડીને રવિના ટંડન, બોનીકપુરે પણ હાજરી આપી હતી. આ લગ્નપ્રસંગની ખાસ વાત તેના સેટની પણ હતી. કરોડો રૂપિયાના ખર્ચે અયોધ્યાની થીમ પર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ચાર મઠ બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પુરી, રામેશ્વરમનો સમાવેશ કરાયો હતો. તો સાથે સાથે મહાકાલનું મંદિર, કેદારનાથ, સોમનાથ તેમજ મલ્લિકાર્જુન મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.

એમ.કાંતિલાલના મુકેશ પટેલને ત્યાં લગ્ન પ્રસંગમાં પણ અરિજિતસિંગ સહિતના જાણીતા કલાકારો હાજર રહ્યા હતા
જાણીતા હીરાના વેપારી અને હાલમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે હિંદવા ગ્રુપ નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કરતાં તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા મુકેશ પટેલના પુત્રના લગ્નમાં પણ અનેક બોલિવુડ કલાકારોએ પોતાની કલાના ઓજસ પાથર્યા હતા. જાણીતા સિંગર અરિજિત સિંગની સાથે સાથે ફિલ્મ સ્ટાર આયુષ્યમાન ખુરાના, જાણીતા ડાન્સર ટેરેન્સ લૂઈસ તેમજ જાણીતા સિંગર દિલેર મહેંદીના ગુરદીપ મહેંદીએ પ્રસંગમાં હાજર સૌને મોહિત કર્યા હતા.

મુકેશ સવાણીને ત્યાં લગ્નપ્રસંગમાં જાણીતા સિંગર બાદશાહે સુરતીઓને ખુશ કરી દીધા હતા
થોડા સમય પહેલા સુરતમાં જાણીતા જમીનના વેપારી મુકેશ સવાણીને ત્યાં તેની દીકરીના લગ્નપ્રસંગમાં પણ બોલિવુડના જાણીતા કલાકારો આવ્યા હતા. જેમાં જાણીતા રેપ સિંગર બાદશાહનો સમાવેશ થતો હતો. બાદશાહે પોતાની ગાયકીથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો તેની સાથે પંજાબી સિંગર સુખબીરસિંગે પંજાબી ગીતો પર લોકોને નચાવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં મનિષ પૌલ તેમજ કરિશ્મા તન્ના પણ મહેમાન બન્યા હતા. મનિષ પૌલ અને કરિશ્મા તન્નાએ પ્રસંગમાં એનાઉન્સરની ભૂમિકા ભજવી હતી.

ટેક્સટાઇલ ગ્રુપ જી-ટેક્સના પરિવારના લગ્નપ્રસંગમાં હેમામાલિની, મીત બ્રધર્સ હાજર રહ્યાં હતા
સુરતના જાણીતા ટેક્સટાઈલ ગ્રુપ જી-ટેક્સમાં મોહન બજાજ (પપ્પુભાઈ)ના પુત્રના લગ્ન પ્રસંગે પણ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની સુરતના મહેમાન બન્યા હતા. હેમા માલિની સાથે પારિવારિક સંબંધ હોવાથી હેમા માલિનીએ હાજરી આપી હતી. જ્યારે સંગીતનો જલસો જાણીતા સિંગર મીત બ્રધર્સે કરાવ્યો હતો. મીત બ્રધર્સે પોતાના અલગ સંગીતમય અંદાજમાં મજા કરાવી દીધી હતી. આ જ પરિવારમાં મુંડનના કાર્યક્રમમાં જાણીતા પંજાબી સિંગર ગુરદાસમાનએ પંજાબી ગીતોથી તમામને ખુશ કરી દીધા હતા.

Most Popular

To Top