SURAT

ડાયમંડ સીટીમાં વધી મુવમેન્ટ, યોજાઇ રહી છે સ્પોર્ટસ ટુર્નામેન્ટ

સુરત દુનિયાભરમાં કાપડ અને હીરા માટે જાણીતું છે સાથે જ સુરતીઓ હરવા ફરવામાં અને તહેવારોની ઉજવણી કરવા પ્રખ્યાત છે. પણ હાલની પરિસ્થિતી જોતાં લાગે છે કે છેલ્લા થોડા સમયમાં સ્પોર્ટસ કલ્ચર પણ વિકસી રહ્યું છે. એવું પણ ન હતું કે સુરતમાં સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટીઝ થતી ન હતી. પહેલાના સમયમાં અવેરનેસ ન હોવાથી અને ખાસ કરીને બીજી કોઇ સુવિધા-સગવડ અને પ્રોત્સાહન ન હોવાથી સુરતનું આંગણું મોટી સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા ઇવેન્ટ્સથી બાકાત રહી જતું હતું. જો કે હાલમાં જ સુરતમાં યોજાયેલી કેટલીક સ્પોર્ટ્સ ટુર્નામેંટ્સ જોતાં લાગી રહ્યું છે કે, એ દિવસો હવે દૂર નથી જ્યારે સુરતનું નામ પણ ઉધ્યોગ ઉપરાંત સ્પોર્ટ્સમાં પણ ઝળકતું થાય…..

ખેલો ઇન્ડિયાનો મહત્વનો ભાગ
બાળકોમાં રહેલો ટેલેન્ટ બહાર આવે અને તેમને યોગ્ય પ્રોત્સાહન મળે એ મારે સરકાર દ્વારા વિધ્યાર્થીઓ માટે ‘ખેલો ઈન્ડિયા’ હેઠળ રમત ગમતના વિવિધ આયોજનો કરવામાં આવે છે જેમાં જિલ્લા સ્તરે ખેલ મહાકુંભમાં ભાગ લઈને જીતનાર ખેલાડીને 10 હજારથી લઈને 25 હજાર સુધીના પણ ઇનામો આપવામાં આવે છે જે એક વિધ્યાર્થીને અભ્યાસ માટે કામ આવી શકે છે. આ પ્રકારના પ્રોત્સાહનના કારણે પણ ગામડાઓમાં રહેલી સ્પોર્ટ્સ પ્રતિભાઓ બહાર આવતી થઈ.

સ્પોર્ટ્સમાં ઓપોર્ચ્યુનીટી વધી: ડો. નૈમેષ દેસાઇ
ક્રિકેટ એસો.ના સેક્રેટરી એવા શહેરના જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ડો. નૈમેષભાઈ દેસાઇ કહે છે કે, ‘’હવે સ્પોર્ટ્સમાં પૈસા આવ્યા છે, લોકો સ્પોર્ટ્સ ઇવેંટ સ્પોન્સર કરતાં થયા છે ને સાથે જ ઓપોર્ચ્યુનીટી પણ વધી છે. થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો MTB કોલેજ ખાતે આવેલા મેદાનમાં રણજી ટ્રોફીની મેચ રમાતી હતી. આ સિવાય રાંદેર જીમખાના અને પોલીસ પરેડ ગ્રાઉંડનો ઉપયોગ થતો. જ્યારે આજે પાલિકા તેમજ ખાનગી ધોરણે પણ સ્પોર્ટ્સને લગતી સુવિધાઓમાં વધારો થયો છે. આજે ઠેર ઠેર જીમ જોવા મળે છે, ડાયેટિશ્યંસ પણ વધ્યા છે એટલે સ્પોર્ટ્સ પર્સન માટે સુવિધાઓ વધી છે જે આજે આ ક્ષેત્રમાં આગળ આવવા માટે સારું પરિબળ કહી શકાય.’’

સ્પોન્સર્સ મળતાં થયા: કમલેશ સેલર
બીચ સોકરના લોકલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકેની સેવા આપનાર કમલેશભાઈ સેલર કહે છે કે, થોડા વર્ષો અગાઉ સુરતમાં હવાઈ સેવા તો સીમિત હતી જ સાથે જ આયોજનમાં અભાવ અને ખેલાડીઓના રહેવા માટે સારી હોટલો ન હોવાના કારણે સ્પોર્ટ્સના મોટા આયોજનો થઈ શકતા ન હતા. હાલની જ વાત કરું તો સુરતના ડુમસમા યોજાયેલી બીચ સોકરમાં 19 રાજયોની ટીમો હાજર હતી અને તેમની સાથે આવેલા રેફરીઓ વગેરે મળીને 350 થી 400 જેટલાં લોકોની રહેવાની અને જમવાની સગવડ કરવાની હતી જે આ અગાઉ શક્ય ન હતું પણ હવે રમવાવાળાના વર્ગ સાથે મદદ કરનાર વર્ગ પણ વધી રહ્યો છે. આજે સ્પોન્સરર્સ આગળ આવતા થયા છે એટલે પણ આવા આયોજનોને વેગ મળ્યો છે.

પેરેન્ટ્સની વિચારસરણી બદલાઈ
પહેલાં સ્પોર્ટસને એક રમતના ભાગરૂપે જ લેવાતું હતું હવે ઘણા પેરેન્ટ્સ સ્પોર્ટ્સને કેરિયર તરીકે સ્વીકારીને પોતાના બાળકને આગળ વધવા માટે પ્રેરણા આપતાં થયા છે અને ટેલેન્ટ હોય તો પોતાનું બાળક પણ એક પ્રોફેશન તરીકે સ્પોર્ટ્સ પર પસંદગી ઉતારે એવું સ્વીકારતાં થયા છે. કારણ કે એક સમયે રમત રૂપે લેવાતાં સ્પોર્ટ્સમાં આજે આગળ વધવાની તકો મળી રહી છે અને અન્ય કસરત ન કરતાં બાળકો સ્પોર્ટ્સના બહાને એક્ટિવ રહે એવું પણ દરેક પેરેન્ટ્સ ઇચ્છતા હોય છે.

સુરતના ડુમસ બીચ પર સોકર ટુર્નામેન્ટનું આયોજન
ભારતમાં પ્રથમવાર બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી કરવામાં આયોજનમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો હતો જેમાં સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવી હતી. જેમાં સુરતીઓએ ઘણો સારો ઉત્સાહ બતાવ્યો હતો. આ આયોજનમાં ફિફા વર્લ્ડ કપ જેવું જ આયોજન કરીને પ્રેક્ષકોને ખેંચી લાવવામાં આયોજકો સફળ રહ્યા હતા.

શાળાઓમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય
આજે તો શાળાઓમાં અભ્યાસ સિવાયની પણ કેટલીક કલ્ચરલ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. કેટલીક સ્કૂલોમાં સ્પોર્ટ્સ માટે ફક્ત PT ટીચર પર આધાર ન રાખીને ક્રિકેટ તથા ફૂટબોલ જેવી એક્ટિવિટી માટે એક્સપર્ટ કોચને રોકવામાં આવે છે જે બાળકની રુચિ અને ટેલેન્ટ અનુસાર તેને ટ્રેનીંગ આપે છે.

Most Popular

To Top