Gujarat Main

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરને કારમાંથી કાઢી ટોળાએ જાહેરમાં માર માર્યો

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજે શુક્રવારે બપોરે એક કોર્પોરેટરને પ્રજાએ જાહેરમાં ઢોર માર માર્યો છે. નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને (BJP Corporator Baldev Patel Beaten by Mob) લોકોએ કારમાંથી બહાર ખેંચીને ફટકાર્યો છે. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલ મામલે રોષે ભરાયેલા લોકોએ ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને માર્યા: ઈજાગ્રસ્ત બળદેવ પટેલને કાકરિયા હોસ્પિટલમાં ખસેડાયા: ટીપીના લીધે લોકોને મકાન કપાતમાં જવાનો ડર: પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલ મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે પ્રજા સાથે ચર્ચા કરવા બળદેવ પટેલ ગયા ત્યારે તેમને લોકો ઘેરી વળ્યા હતા. ટીપી સ્કીમના લીધે કપાતમાં ઘરોનું ડિમોલીશન થતું હોય લોકો રોષે ભરાયા હતા. પાંચથી વધુના ટોળાએ પોતાનો ગુસ્સો કોર્પોરેટર બળદેવ પટેલ પર ઉતાર્યો હતો. જીભાજોડી કર્યા બાદ બળદેવ પટેલને તેમની કારમાંથી બહાર ખેંચી જાહેર રોડ પર ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત કોર્પોરેટરને નજીકની કાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ હોસ્પિટલ અને બીજી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કોર્પોરેટરની કેફિયત જાણી પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને બળદેવ પટેલના ખબર અંતર પૂછ્યા હતા.

ભાસ્કર ભટ્ટે મીડિયાને જણાવ્યું કે, ટીપી સ્કીમના અમલ મામલે સવારે બળદેવ પટેલ દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલની ઓફિસે ગયા હતા. ત્યાં સમજાવટ બાદ તેઓ ઘરે પરત ગયા હતા પરંતુ ત્યાર બાદ ઘર પાસે લોકોએ તેઓને ફરી બોલાવ્યા હતા અને માર માર્યો હતો. બળદેવ પટેલે આમામલે કહ્યું કે, ટીપી સ્કીમના લીધે લોકોને તેમના મકાન તૂટવાનો ડર છે. સવારે સમજાવ્યા હતા કે ફાયનલ ટીપી થાય ત્યાર બાદ ચર્ચા કરીશું. મકાન નહીં તૂટે તેનું ધ્યાન રાખીશું. પરંતુ મારા ઘરની બહાર જ ટોળું ભેગું થયું અને મને માર માર્યો હતો.

Most Popular

To Top