Gujarat

બાયોડિઝલના નામે ભળતા પદાર્થ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ

રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા તેમજ આવા ગેરકાયદે વેચાણ કરતાં તત્વો સામે કડક પગલાં લેવાનો રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયો હતો.

રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

આ કમિટિ નિયમીત ધોરણે આ બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ બેઠકમાં આપી હતી, એટલું જ નહિ, બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકસાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારત સરકારની બાયોડિઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું તે સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top