Dakshin Gujarat

મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં મોટો છબરડો: મોટા અધિકારીઓના જ નામ ગાયબ થતા…

બીલીમોરા : આગામી 15મીએ મુખ્યમંત્રી(CM) રેલવે(Railway) ઓવરબ્રિજનું લોકાર્પણ અને વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત કરવા બીલીમોરા(bilimora) આવી રહ્યા છે. તે માટે નગરપાલિકાએ છપાવેલી આમંત્રણ પત્રિકામાં ચેરમેન અને સમિતિઓના સભ્યોનાં નામો નહીં છપાતાં વિવાદ થયો છે. વિવાદ થાળે પાડવા પાલિકાએ નવી આમંત્રણ પત્રિકા છપાવવી પડી છે.

  • આગામી 15મીએ મુખ્યમંત્રી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત કરવા બીલીમોરા આવી રહ્યા છે
  • વિવાદ થાળે પાડવા પાલિકાએ નવી આમંત્રણ પત્રિકા છપાવવી પડી
  • શહેર સંગઠનના નામો છાપ્યા પણ ચીફ ઓફિસરનું નામ છપાયું નહી, બીલીમોરમાં નડતા અને નહીં ગમતા ચેરમેનને કાપવાની પરંપરા

બીલીમોરાનો પ્રાણ પ્રશ્ન એવો રેલવે ઓવરબ્રિજ કે જેને લીધે વર્ષોથી લોકો પરેશાની ભોગવતા હતા હવે 15મીએ તેનું વિધિસર ઉદ્ઘાટન થશે. રૂ 55.17 કરોડના ખર્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી બની રહેલા ઓવરબ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનાર છે અને તે સાથે 250 કરોડના ખર્ચે બનનાર વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત પણ તેઓના હસ્તે થનાર છે. આ માટે નગરપાલિકાએ છપાયેલી આમંત્રણ પત્રિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા નામોં છાપ્યા હતા. તેઓ સાથે શહેર ભાજપ પ્રમુખ અને બે મહામંત્રીઓના નામો છપાતા શાસક પક્ષના અન્ય સમિતિના ચેરમેન અને સભ્યોમાં ભારે નારાજગી સાથે રોષ વ્યાપી ગયો હતો.

વિવાદ અને વિરોધ બાદ છપાવી નવી પત્રિકા
ખુદ ચીફ ઓફિસરનું પણ નામ છપાયું ન હતું અને શહેર સંગઠનના નામો છાપ્યા હતા. જેથી વિવાદ અને વિરોધ વધતા પાલિકા પછી ડેમેજ કંટ્રોલ કરવા નીકળી હતી અને નવી આમંત્રણ પત્રિકા છપાવીને બધાને સમાવી લઇ સોશિયલ મીડિયાના ગ્રુપ પર મૂકી મામલો થાળે પાડ્યો હતો. કહે છે કે બીલીમોરા નગરપાલિકામાં સત્તા પક્ષ ભાજપમાં વર્ચસ્વની લડાઈ ચાલે છે. તમને નડતા અને નહીં ગમતા ચેરમેનોને કાપવાની પરંપરા હાલમાં જ શરૂ થઈ છે. જે સામે હવે તો ખુદ સત્તા પક્ષમાં નારાજગી જોવા મળે છે. જો સમય જતાં આ વાતને સંભાળી નહીં લેવાશે તો પરિણામ આગળ જતાં સારા નહીં આવે.

Most Popular

To Top