Gujarat

જૈન સમાજનાં વિરોધ વચ્ચે શેત્રુંજય પર્વત માટે લેવાયો મોટો નિર્ણય

ભાવનગર: હાલમાં ગુજરાતમાં જૈન સમાજ પડતર માંગણીઓને લઇને અનેક શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માગ સાથે જૈન સમાજની ઠેર ઠેર રેલી યોજાઈ રહી છે. જો કે આ વિરોધ વચ્ચે શેત્રુંજય પર્વત મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ ખડેપગે
શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે હવે પોલીસ એક્શનમાં આવી છે. જૈન સમાજના વિરોધ વચ્ચે હવે પોલીસે મોટો નિર્ણય લીધો છે. પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનાવવામાં આવશે. આ પોલીસ ચોકીમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ ફરજ પર રહેશે. હાલમાં જૂની પોલીસ ચોકી બંધ પડેલી છે. જેને ફરી શરુ કરવામાં આવશે. તો સાથે જ પર્વત ઉપર પણ ચોકી બનાવવા પોલીસની વિચારણા ચાલી રહી છે. પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. પર્વત પર ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડસ તૈનાત રહેશે. તો 8 TRBના જવાનો તહેનાત રહેશે. સ્પેશિયલ ટીમ DySP કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમ કરશે.

જૈન સમાજ કેમ કરી રહ્યો છે વિરોધ?
પાલિતાણામાં સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું તેમજ શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને લઈને જૈન સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. તેઓએ આ દબાણો દુર કરવામાં આવે, જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે, શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુકસાનને રોકવા, ગેરકાયદેસર ખનન બંધ કરાવવા તેમજ જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સુરતમાં આજે જૈન સમાજની મૌન રેલી
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું . જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, કેમકે આ તિર્થ સ્થળ પર જૈન સમુદાયના 20 સંતોએ મોક્ષ લીધો છે તેથી અતિ પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજ ની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે. જેથી સુરતના જૈન સમાજ દ્વારા આજે મંગળવારે તા. 3 જાન્યુઆરી 2023ના રોજ મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 9:00 વાગે સરગમ શોપિંગ સેન્ટર થી શરૂ કરવામાં આવી હતી. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો ભેગા થયા હતા. સરગમ શોપિંગ સેન્ટરના રોડ પર હકડેઠઠ ભીડ ઉમટી હતી. આ મૌન રેલી સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ સુરત કલેકટર કચેરીએ પહોંચી હતી.

Most Popular

To Top