Entertainment

80માં બર્થ ડે પર બિગ બીએ ચાહકોને આપી સરપ્રાઈઝ, જુઓ વીડિયો

મુંબઈ: મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. બિગ બીના (Big B) ચાહકો (Fans) માટે આ દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. અમિતાભ બચ્ચને પણ તેમના ચાહકોનું ધ્યાન રાખીને સરપ્રાઈઝ આપી હતી. બિગ બી મધ્યરાત્રિએ જલસાની બહાર ઉભેલા તેમના ચાહકોને મળવા પહોંચ્યા હતા. બિગ બીએ ચાહકોની શુભેચ્છાઓ લીધી અને તેમનો આભાર માન્યો હતો.

બિગ બીના બર્થ ડેની આગલી રાતે તેમના સેંકડો ચાહકો જલસા બંગલાની બહાર ભેગા થયા હતા. કેટલાક ચાહકોના હાથમાં કેક હતી તો કેટલાકના હાથમાં બેનર હતું. લોકો અમિતાભ બચ્ચનના ડાયલોગ બોલતા હતા. કેટલાક ચાહકો તેમના ગીતો ગાઈ રહ્યા હતા. જોકે, કોઈને અંદાજ નહોતો કે સુપરહીરો પોતાના ઘરની બહાર નીકળીને લોકોને મળશે. ચાહકોએ જલસાની બહાર કેક કાપીને સુપરહીરોના જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાના ચાહકોના આનંદમાં સામેલ થવા માટે અમિતાભ બચ્ચન પોતે બંગલાની બહાર આવ્યા હતા અને તેમના ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

જલસાની બહાર ફેન્સને મળવાનો બિગ બીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચન સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ હતી. ચાહકોનો તેના પિતા પ્રત્યેનો આ પ્રેમ જોઈને શ્વેતાના ચહેરા પર મોટું સ્મિત આવી ગયું હતું. અમિતાભ બચ્ચનને જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા. દરેક વ્યક્તિ બિગ બીને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતી હતી. અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. શું સેલેબ્સ અને શું ચાહકો, દરેક જણ તેમના પ્રિય બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમિતાભ બચ્ચનના ખાસ ચાહક
હકીકતમાં, દુનિયામાં બિગ બીના કરોડો ચાહકો છે. પરંતુ તેમનો એક ચાહક વિશેષ છે. આ ચાહકનું નામ સત્યવાન ગીતે છે. સત્યવાન ઓટો ડ્રાઈવર છે. દર વર્ષે બિગ બીના જન્મદિવસના અવસર પર સત્યવાન તેની ઓટો રિક્ષાને ફૂલોથી સજાવે છે. ઓટો પર ચારે બાજુ અમિતાભ બચ્ચનનો ફોટો મૂકે છે અને તેમના માટે અભિનંદન સંદેશ લખે છે. સત્યવાનના કહેવા પ્રમાણે, 3 વર્ષ પહેલા બચ્ચન સાહેબ પણ તેમની ઓટો રિક્ષામાં મુસાફરી કરી ચૂક્યા છે. 11 ઓક્ટોબરે પણ સત્યવાન ઓટો લઈને જુહુમાં બિગ બીના જલસા બંગલાની બહાર પહોંચ્યો હતો. ત્યાં તેમણે બચ્ચન સાહેબની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી અને લોકોને કેકનું વિતરણ કર્યું. આજે 80 વર્ષની ઉંમરે પણ અમિતાભ સુપર એક્ટિવ છે. અમિતાભની સફર દરેક નવા કલાકાર માટે પ્રેરણારૂપ છે. અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Most Popular

To Top