Gujarat

ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વિશ્વની અગ્રણી હરોળની ‘ફોક્સફોન’ ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના (Focuscon) ચેરમેન યંગ લિયુએ (Young Liu) વચ્ચે મહત્વની બેઠક (meeting) યોજાઈ હતી.

ગાંધીનગરના આંગણે યોજાઇ રહેલી સેમિકોન ઇન્ડિયા 2023માં (Semicon India 2023) સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ તેમને ગુજરાતે જાહેર કરેલી ‘સેમિ કન્ડક્ટર પોલીસી 2022-27’ માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી. ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેન યંગ લિયુએ કહ્યું હતું કે ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું.

દરમ્યાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU કર્યા હતા. ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયા છે.

ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને માર્ગદર્શન પૂરાં પાડશે. એટલું જ નહીં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે. રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે. ક્રિષ્નામૂર્થિએ કરાર પર હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે IESA ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે.

Most Popular

To Top