Dakshin Gujarat

તંત્રની બેદરકારીના કારણે ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં 100 વર્ષના દુર્લભ કાચબાનું મોત

ભરૂચ: ભરૂચનો (Bharuch) ઐતિહાસિક રતન તળાવ (Ratan Talav) એટલે કે માતરીયા તળાવને સાતેક મહિના પહેલા જ નગર પાલિકાએ પર્યટન અને પીકનીક પોઈન્ટ બનાવવા માટે કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન સાથે ખાતમુહૂર્ત કર્યુ હતું. સાથે જ ભરૂચ નગર પાલિકાએ (Bharuch Nagar Palika) ઐતિહાસિક ધરોહરની જાળવણી અને જીવસૃષ્ટીના જતન માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરી હતી.

  • ઐતિહાસિક ધરોહર અને અલભ્ય કચબાઓના સંરક્ષણની જવાબદારીમાં તંત્ર બેદરકાર
  • કરોડોનો ખર્ચ છતાં અત્યાર સુધી રતન તળાવના વિકાસનો કોઈ રોડમેપ અમલી નહીં

ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, પરંતુ ભરૂચમાં આવેલા રતન તળાવમાં અત્યંત દુર્લભ પ્રજાતિના કાચબાઓ જોવા મળે છે. જો કે, તાજેતરની ઘટનામાં તંત્રની બેદરકારીના કારણે ભરૂચના અનેક જીવપ્રેમીઓનું મન દુ:ખ થયું છે.

હાલમાં રતન તળાવમાં 250 થી 300 વર્ષના કાચબા વસવાટ કરે છે. તળાવ દૂષિત થતાં અનેક કાચબાઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની બેદરકારીના કારણે રતન તળાવમાં 100 વર્ષના એક દુર્લભ કાચબાનું મોત થતાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. કાચબાનો મૃતદેહ મળી આવતા લોકોમાં તંત્રની બેદરકારી પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકો 14 વર્ષથી રતન તળાવના શુદ્ધિકરણ અને અલભ્ય કાચબાઓના સંરક્ષણની માંગ સાથે લડત ચલાવી રહ્યાં છે. તંત્રે અત્યાર સુધી કરોડો રૂપિયાની જોગવાઈ રતન તળાવ અને તેના કાચબા માટે જોગવાઈ કરી છે.

તેમ છતાં અત્યાર સુધી કેટલાય કાચબાઓના મોત થયા છે અને રતન તળાવનો વિકાસ કે તેમાં રહેલા કાચબાઓના રક્ષણ અંગે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ભરૂચ પાલિકાએ આ વખતના બજેટમાં પણ ઐતિહાસિક રતન તળાવ માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે પણ વર્ષોથી કરોડોની જોગવાઈ અને જાહેરાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને બીજી તરફ કાચબા મોતને ભેટી રહ્યાં છે.

અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજનના મશીન મુકવામાં આવ્યા હતા. આ ઓક્સિજનના મશીન હાલમાં ધૂળ ખાઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. એક સમયે કાચબાઓના ઘર ગણાતા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા. પરંતુ આજે તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

એવું કહેવાય છે કે, કાચબાની પીઠ ઉપર સવાર થઈને ભૃગુઋષિએ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચની સ્થાપના કરી હતી. તેવી સ્થિતિમાં કાચબાની માવજત કરવી ખૂબ જ જરૂરી બને છે.

Most Popular

To Top