Dakshin Gujarat

ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલે પૈસા લઈ પોલીસની જ જાસૂસી કરાવી અને પછી થયુ આવું..

ભરૂચ: (Bharuch) ગુજરાત પોલીસને (Gujarat Police) હચમચાવી દેનારા ભરૂચના એલસીબીના (Bharuch LCB) 2 કોન્સ્ટેબલના બુટલેગરો (Bootlegger) માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડમાં (Espionage Case) બે બુટલેગર સહિત બંને અપરાધી કોન્સ્ટેબલો (Constable) સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.

  • પોલીસ જાસૂસીકાંડ: ભરૂચના કોન્સ્ટેબલ સહિત બુટલેગરો સામે આજીવન કેદની જોગવાઈની કલમ
  • ભરૂચના LCBના 2 કોન્સ્ટેબલે બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસી કરાવી હતી
  • 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ ભરૂચ એસઓજી પીઆઈ દ્વારા દાખલ કરાઈ ફરિયાદ
  • તપાસ બાદ 2 સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયૂર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ SMCની બુટલેગરો ઉપર રેઇડ નિષ્ફળ જતાં SP નિર્લિપ રાયને શંકા ગઈ હતી. તેમણે DYSP કે.ટી. કામરિયા સાથે તપાસ કરતાં ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયૂર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસનાં જ લોકેશનો બુટલેગરોને પહોંચાડવામાં ભૂમિકા સામે આવી હતી. આથી પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાયાં હતા. DYSP દ્વારા 18 દિવસ કરતાં વધુની સઘન તપાસ બાદ બુધવારે બી ડિવિઝનમાં SOG પીઆઇ આનંદ ચૌધરીએ બંને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી હતી.

બંને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે. જેમાં IPC 409 આજીવન કેદની જોગવાઈ, સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, કલમ 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી, કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ, 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહીં નિભાવી ગુનાહિત કામગીરી, 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ DYSP સી.કે.પટેલને સોંપાઈ છે.

Most Popular

To Top