Dakshin Gujarat

ચોર્યાસી ટોલનાકા નજીક અજાણ્યા વાહન અડફેટે કામરેજ પોલીસના GRDનું મોત

કામરેજ: (Kamrej) ચોર્યાસી ગામની હદમાં ટોલ નાકા પાસે બાઈક (Bike) લઈને હાઈવે ક્રોસ કરતા કામરેજ પોલીસ મથકના જીઆરડીનું (GRD) અજાણ્યા વાહનની અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું. કામરેજ તાલુકાના વાવ ગામે શ્રમજીવી વસાહતમાં રહેતા અને કામરેજ પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા જતીન ઉર્ફે પીન્ટુ ભીખુભાઈ પટેલ (ઉ.વ.44), રવિવારના રોજ સવારે 6.45 કલાકે ચોર્યાસી ગામની હદમાં વિજય હોટલની સામે કટ પર ટોલનાકા પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર હાઈવે ક્રોસ કરવા બાઈક નંબર જીજે 05 ડીસી 7920 લઈને જતી વેળા અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં માથા તથા શરીરે ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. કામરેજ પોલીસે વાવ ગામના ડે. સરપંચ પ્રકાશ ભાલિયાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ મનુબર ચોકડી પાસે ટ્રકે અડફેટે લેતાં બાઈકસવાર આધેડનું મોત
ભરૂચ: ભરૂચની મનુબર ચોકડી પાસે બાઇક સવારને ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા ૫૫ વર્ષીય આધેડને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. ભરૂચના કુકરવાડા રોડ ઉપર ગોકુલ નગર પાસે નવી નગરીમાં રહેતા રામચંદ્ર ગોપાલ વસાવા, પોતાની બાઇક નંબર-GJ-૧૬,AH-૨૬૯૩ પર ભરુચ આવ્યા હતા. જતી વેળા ભાથીજી મંદિર પાસે તેઓના મિત્ર મહેબૂબ નાશિરખાન પઠાણ(ઉ.વ.૫૫)ને મળ્યા હતા. મિત્રએ મનુબર ચોકડી ઉપર મૂકી જવાનું કહેતા તેઓ મનુબર ચોકડી તરફ જવા રવાના થયા હતા. મનુબર ચોકડી નજીક પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-HR-38 AN-5314ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકના આગળના ટાયર નીચે આવી જતાં મહેબૂબ નાશિરખાન પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માંડવીના અમલસાડી નજીક રોડના ખાડામાં બાઈક ખાબકી
માંડવી: માંડવી તાલુકાના કરવલી ગામના બાવડી ફળિયામાં રહેતા કૌશિક રાયસિંગ ચૌધરી, ઘરેથી પોતાની પેશન પ્રો. નં- GJ-19-S-3224 લઈ રામેશ્વર મંદિરે ભજન કાર્યક્રમમાં જવા નીકળ્યો હતો. પરંતુ અમલસાડી ગામ નજીક નાળાની કામગીરી ચાલતા ખોદકામ થયું હોવાથી બાઈક સાથે ખાડામાં પડી જવાના કારણે મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થાનિકોએ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે, કે માંડવી- કીમ રોડ રાજ્યધોરી માર્ગ-65 પર રાજ્ય સરકાર દ્વારા ઠેરઠેર ગરનાળાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ માર્ગ પર કામગીરીમાં ચેતવણી માટેના કોઈ સંકેતો ન હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top