Dakshin Gujarat

ભરૂચના તવરામાં વૃદ્ધ દંપતિના ગળે ચપ્પુ મૂકી સનસનીખેજ લૂંટ

ભરૂચ: (Bharuch) ભરૂચ હાઇવેને (Highway) અડીને આવેલા તવરા ખાતે ઇસ્કોન ગ્રીન સિટીમાં મળસ્કે લૂંટની (Loot) ઘટના બની હતી. અહીં ત્રાટકેલા ૬ જેટલા લુંટારાએ બંગલામાં રહેતા વૃદ્ધ દંપતિના ગળે ચપ્પુ મૂકી ૮ તોલા સોનું, ચાંદી, વિદેશી ચલણ, રોકડા રૂપિયા મળી રૂ.૮ લાખથી વધુ મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ જતાં તેના ફૂટેજ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • ભરૂચના તવરામાં વૃદ્ધ દંપતિના ગળે ચપ્પુ મૂકી રૂ. ૮ લાખની સનસનીખેજ લૂંટ
  • લૂંટને અંજામ આપનારા ૬ લૂંટારા સીસીટીવી કેમેરામાં કેદ
  • ઇસ્કોનગ્રીન સિટીમાંથી રોકડા રૂપિયા, વિદેશી ચલણ અને દાગીના લૂંટાયા

લૂંટની આ ઘટનાની મળતી માહિતી અનુસાર ભરૂચની ઝાડેશ્વર ચોકડી સ્થિત તવરા નજીક આવેલી ઇસ્કોન ગ્રીન સિટી સોસાયટીમાં હસમુખભાઇ સોમાભાઇ પટેલ તેમના પત્ની શર્મિષ્ઠા બહેન સાથે રહે છે. દરમિયાન તેઓ તેમના બંગલામાં ઊંઘી રહ્યાં હતા ત્યારે આજે રવિવારે મળસ્કે લુંટારાઓ તેમના મકાનના પાછળના ભાગેથી ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં શોધખોળ શરૂ કરી હતી. જો કે, તેમના હાથે કંઇ જ નહીં લાગતા તેમણે આ દંપતિને ઉઠાડ્યું હતું અને બંનેના ગળા ઉપર ચપ્પુ મૂકી માલ ક્યાં છે તેમ કહી ધમકાવ્યા હતાં. આ દંપતિ ગભરાઇ જતાં બેડના ગાદલાની નીચે દાગીના હોવાનું કહી દીધું હતું.

ત્યારબાદ તેમણે બેડના ગાદલા નીચે બેગમાં રાખેલા ૮ તોલા સોનુ, ચાંદીના દાગીના, વિદેશી ચલણ, રોકડા રૂ.૭૫ હજાર મળી લૂંટારુંઓ ૮ લાખથી વધુ મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારાએ શર્મિષ્ઠા બેને પહેરેલી ચેઇન પણ આંચકી લેતા તેમના ગળામાં ઇજા પહોંચી હતી. લૂંટારા ફરાર થઇ ગયા બાદ આ દંપતિએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં ભરૂચ સી-ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ સહિતનો સ્ટાફ ડોગ સ્કવોડ સાથે ત્યાં પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે તેના ફૂટેજ મેળવીને લૂંટમાં સંડોવાયેલા આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

વાગરાના બદલપુરામાં માત્ર 100 રૂપિયાની બાબતે મામાએ ભાણેજને રહેંસી નાંખ્યો
ભરૂચ : ભરૂચના વાગરા તાલુકાના બદલપુરા ગામે મામાએ સો રૂપિયાની લેતી-દેતીમાં ખુદ ભાણેજની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના વાગરા તાલુકાના બદલપુરા ગામમાં રહેતા મહેશભાઈ દીપકભાઈ વસાવા પાસે તેમના મામાએ 100 રૂપિયાની માંગણી કરી હતી. જે આપવાની તેમણે ના પાડતા તેમના મામા લાલજીભાઇ ખોડા ઉશ્કેરાઇ ગયા હતાં. તેમણે તેના ભાણાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. આ હિંસક હુમલામાં તેમના ભાણેજનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. હત્યાને અંજામ આપ્યા પછી મામો ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી.

Most Popular

To Top