SURAT

સુરતમાં 50 ટકા ઉદ્યોગને સબસિડીનો લાભ, બાકીના માટે પીએમઇજીપી યોજના ચાલુ કરો : સ્કોબા

surat : બેરોજગારીનું પ્રમાણ ઓછું કરવાના હેતુથી નવા ઉદ્યોગ સાહસિકો અને નવા ઉત્પાદન એકમો શરૂ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાઈ હતી, જેનો સૌથી વધુ લાભ સુરતના ઉદ્યોગકારોએ લીધો છે, પરંતુ સુરતનો અને રાજ્યોનો મર્યાદિત ક્વોટા આ યોજનામાં હોવાથી સુરતના 50 ટકા ઉદ્યોગ સાહસિકોને જ સબસીડી વાળી આ યોજનાનો લાભ મળ્યો હતો. સપ્ટેમ્બર 2020માં યોજના બંધ થઈ જતાં 50 ટકા અરજદારોને આ યોજનાનો લાભ મળ્યો નહતો. તેને લઇને સાઉથ ગુજરાત કો.ઓપ.બેંક એસોસિયેશનના પ્રમુખ મુકેશ ગજ્જરે રાજ્યના ઉદ્યોગ વિભાગને આ મામલે રજૂઆત કરી હતી.

જેમાં આ યોજના ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે ઉદ્યોગ અને ખાણ વિભાગે યોજના ફરી શરૂ કરવા અંગે કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરને પત્ર લખી પુન: વિચારણા કરવા જણાવ્યું છે તથા મુખ્યમંત્રી કાર્યાલય ને પણ રજૂઆત મોકલી દીધી છે. બેરોજગારોને રોજગારી મળવા સાથે નાના અને મધ્યમકક્ષાના ઉત્પાદન એકમોને પ્રોત્સાહન મળે તે હેતુથી PMEGP યોજના હેઠળ સબસીડી જાહેર કરવામાં આવી હતી, આ પ્રોજેક્ટની સામે 25 ટકા અર્બન અને 35 ટકા રૂરલ વિસ્તારમાં સબસીડી આપવામાં આવતી હતી.

મહિલાઓના નામે પ્રોજ્કટ શરૂ કરવાના સંજોગોમાં પણ 35 ટકા સબસીડી મળતી હતી. આ યોજનાની 25થી 35 લાખ સુધીની કેપ હતી. જેનો મોટા પ્રમાણમાં સુરતના ઉદ્યોગકારોએ લાભ લીધો છે. દેશભરમાં 60 ટકા અરજી સુરતની હતી. મોટા ભાગે કાપડના એકમો શરૂ કરવા અરજીઓ થઈ હતી. જોકે, સુરતને લિમીટેડ ક્વોટા ફાળવાયો હતો, જે સપ્ટેમ્બરમાં જ પૂરો થઈ ગયો છે. તેથી અરજીકર્તાઓ પૈકી માંડ 50 ટકાને જ સબસીડીનો લાભ મળ્યો છે.


આ યોજનાનો કાપડ ઉદ્યોગે સારો લાભ લીધો હતો: પીપલ્સ બેંકના જીએમ ડો.જતિન નાયક

સુરત પીપલ્સ કો.ઓ. બેન્કના જનરલ મેનેજર ડો. જતીન નાયકે જણાવ્યું હતુ કે, આ યોજનાનો કાપડ ઉદ્યોગે સારો લાભ લીધો હતો. આ યોજના ફરી શરૂ થાય તે માટે સરકારને રજૂઆત કરાઈ છે. કેટલીક ફાઈલો સરનામાની ભૂલના લીધે અટકી પડી છે, તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સુધારા સ્વીકારવા માંગણી પણ કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ખાતે કરવામાં આવી છે. આ મુદ્દે સ્કોબા દ્વારા પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top