Sports

BCCIની નવી પહેલ : રણજી ટ્રોફીમાં 88 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ કામ થશે

નવી દિલ્હી : રણજી ટ્રોફી (Ranji Trophy) દરમિયાન ભારતીય ક્રિકેટમાં (Cricket) એક નવી શરૂઆત થવા જઇ રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટની નવી સિઝન શરૂ થશે ત્યારે તેમાં ત્રણ મહિલા અમ્પાયરો (Women umpires) વૃંદા રાઠી, જનની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલન અમ્પાયરિંગ કરતી જોવા મળશે. 13 ડિસેમ્બરથી શરૂ થતીં રણજી ટ્રોફીના 88 વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બનશે જ્યારે મહિલા અમ્પાયર પુરૂષોની ક્રિકેટ મેચમાં મેદાન પર અમ્પાયર તરીકે કાર્ય કરશે. ગાયત્રીએ અગાઉ રણજી ટ્રોફીમાં રિઝર્વ એટલે કે ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવી છે.

ચેન્નાઈની જનની નારાયણ અને મુંબઈની વૃંદા અનુભવી અમ્પાયર છે અને 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ડેવલપમેન્ટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સામેલ થઇ હતી. જ્યારે દિલ્હીની ગાયત્રી બીસીસીઆઇની પેનલની ત્રણ રજિસ્ટર્ડ મહિલા અમ્પાયરમાં સામેલ છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે આ ત્રણ મહિલા અમ્પાયરો માટે પુરૂષ ખેલાડીઓ સાથે વ્યવહાર કરવો એક મોટો પડકાર હશે. એક અમ્પાયર તરીકે તમે મેદાન પર નરમ વલણ અપનાવી શકતા નથી, નહીં તો ખેલાડીઓ તમને ડરાવવાનો પ્રયાસ કરશે.

મુંબઇમાં સ્કોરર તરીકે કામ કરતી વૃંદા રાઠી અમ્પાયર બની
મુંબઈની રહેવાસી વૃંદા રાઠી મેચ દરમિયાન સ્કોરર તરીકે કામ કરતી હતી. એકવાર તે ન્યૂઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય અમ્પાયર કેથી ક્રોસને મળી. તેને મળ્યા પછી, વૃંદાએ અમ્પાયરિંગમાં પોતાનો હાથ અજમાવવાનું નક્કી કર્યું અને બીસીસીઆઇની અમ્પાયરિંગ ટેસ્ટ પાસ કરી.

આઇટી કંપનીની જોબ છોડી જનની નારાયણ અમ્પાયર બની
ચેન્નાઈની જનની નારાયણ પહેલા આઇટી કંપનીમાં નોકરી કરતી હતી. તેણે 2009 અને 2012માં તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન સમક્ષ અમ્પાયર બનવાની ઇચ્છા દર્શાવી હતી અને તે પછી 2018માં તે બીસીસીઆઇની લેવલ-2 ટેસ્ટ પાસ કરીને અમ્પાયર બની હતી.

ક્રિકેટર ન બની શકી તો ગાયત્રી વેણુગોપાલ અમ્પાયર બની
દિલ્હીની ગાયત્રી પ્રોફેશનલ ક્રિકેટર બનવા માંગતી હતી, પરંતુ ખભાની ઈજાએ તેનું સપનું છીનવી લીધું. જો કે તેણે ક્રિકેટને તેનાથી દૂર ન જવા દીધું અને કોર્પોરેટ કેરિયરને છોડીને તેણે બીસીસીઆઇની અમ્પાયરિંગ ટેસ્ટ પાસ કરીને 2019થી અમ્પાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top