Dakshin Gujarat

કેનેડામાં પુત્રને મળી ભારત પરત ફરી રહેલા બારડોલીના વૃદ્ધનું જર્મની એરપોર્ટ પર હાર્ટ એટેકથી મોત

બારડોલી: બારડોલીના (Bardoli) વૃદ્ધ તેમનાં પત્ની સાથે પુત્રને મળવા કેનેડા (Canada) ગયા હતા. ત્યાંથી પરત ભારત (India) ફરતી વખતે જર્મનીના (Germany) ફ્રેન્કફર્ટ (Frankfort Airport) એરપોર્ટ ખાતે વિમાનમાં બેસતી વખતે હૃદયરોગનો (Heart Attack) હુમલો આવતાં વિમાનમાં જ મોત (Death) થયું હતું. ઘટનાની જાણ થતાં જ તેમનો પુત્ર કેનેડાથી જર્મની પહોંચ્યો હતો અને બોડીને વતન ભારત લાવવાની તજવીજ હાથ ધરી છે.

  • બારડોલીની સેન્સેરીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પૂર્વ ક્લાર્ક જયેશભાઈ આચાર્યના મોતથી પરિવારમાં શોકની કાલીમા
  • કેનેડામાં પી.આર. માટેની કામગીરી પૂર્ણ કરી ત્રણ માસ બાદ તેઓ પરત ભારત આવવા માટે ગત 7મી નવેમ્બરના રોજ કેનેડાથી નીકળ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને વર્ષોથી બારડોલીમાં સ્થાયી થયેલા જયેશભાઇ ધીરજલાલ આચાર્ય બારડોલીની સેન્સેરીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલાં જ તેઓ નિવૃત્ત થયા હતા. તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર સાગર આચાર્ય કમ્પ્યૂટર એન્જિનિયરનો અભ્યાસ કર્યા બાદ પત્ની સાથે કેનેડામાં સ્થાયી હોવાથી જયેશભાઈ અને તેમનાં પત્ની નીતાબેન પણ પુત્રને મળવા તેમજ પી.આર.(પરમેનન્ટ રેસિડેન્સ) માટે કેનેડા ગયાં હતાં. કેનેડામાં પી.આર. માટેની કામગીરી પૂર્ણ કરી ત્રણ માસ બાદ તેઓ પરત ભારત આવવા માટે ગત 7મી નવેમ્બરના રોજ કેનેડાથી નીકળ્યા હતા. તેમની ફ્લાઇટ વાયા જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ થઈ ભારત આવવાની હોય 8મીએ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ઊતર્યા હતા. ત્યાંથી ભારત આવવા માટેની બીજી ફ્લાઇટ બદલવાની હતી.

ભારત આવવા માટેનું તેમનું વિમાન એરપોર્ટ પર આવતા જ જયેશભાઇ તેમજ તેમનાં પત્ની નિતાબેન વિમાનમાં બેઠા હતા. તે જ સમયે 62 વર્ષીય જયેશભાઈને અચાનક ગભરામણ થવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. એરપોર્ટના કર્મચારીઓએ તેમને તાત્કાલિક નીચે ઉતારી પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા અને એરપોર્ટ પર જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ કેનાડા રહેતો તેમનો પુત્ર તાત્કાલિક જર્મની પહોંચી ગયો હતો અને પિતાના મૃતદેહને પરત માદરે વતન લઈ જવા માટેની કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.
બારડોલીની સેન્સેરીતે સ્કૂલના આચાર્ય પ્રણવભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, હાલ તેમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યો છે અને ત્યાંથી તેમના મૂળ વતન વઢવાણ ખાતે લઈ જવામાં આવશે. તેમના મોતના સમાચાર જાણી શાળા પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

Most Popular

To Top