Dakshin Gujarat

બારડોલી નજીક બાઇકસવાર દંપતીને કાર સાથે અકસ્માત, મહિલાનું મોત

બારડોલી: (Bardoli) બારડોલીના હિંડોલિયા ગામની સીમમાં નેશનલ હાઇવે (National Highway) નં.53 પર પૂરઝડપે આવતી કારે (Car) રસ્તો ક્રોસ કરી રહેલા મોટરસાઇકલ સવાર દંપતીને અડફેટે લીધું હતું. જે પૈકી ગંભીર ઇજા થતાં પત્નીનું સારવાર દરમિયાન મોત થતાં બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

  • બારડોલીના હિંડોલિયા નજીક બાઇકસવાર દંપતીને કાર સાથે અકસ્માત, મહિલાનું મોત
  • જૂની કીકવાડમાં સેન્ટિંગનું કામ કરતું ચૌધરી દંપતી કાપલિયા જઈ રહ્યું હતું
  • પૂરઝડપે આવતી કારના ચાલકે તેમની મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર નીતિનભાઈ અને હિનાબેન નીચે ફંગોળાઈ ગયા
  • કીકવાડ સહિતનાં ગામો પાસે સર્વિસ રોડ અને કટનો અભાવ હોવાથી વારંવાર અકસ્માત સર્જાતા હોય છે, ગ્રામજનોમાં રોષ

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના જૂની કીકવાડના નવા ફળિયામાં રહેતા નીતિન નવીન ચૌધરી સેન્ટિંગની મજૂરીકામ કરે છે. તેઓ પોતાની પત્ની હિનાબેન (ઉં.વ.29) અને પુત્રી નિયતિ સાથે રહે છે. સોમવારે સવારે ઉવા ગયા હતા. ત્યાંથી મોટરસાઇકલ પર કાપલિયા જવા માટે હિંડોલિયા ગામ પાસે નેશનલ હાઇવે નં.53નો રસ્તો ક્રોસ કરતા હતા. ત્યારે વ્યારા તરફથી પૂરઝડપે આવતી કારના ચાલકે તેમની મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર નીતિનભાઈ અને હિનાબેન નીચે ફંગોળાઈ ગયા હતા. નીતિનભાઈને કપાળના ભાગે તેમજ હિનાબેનને ડાબા પગના ઘૂંટણમાં અને નાકમાં ઇજા થતાં બંનેને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિનાબેનની હાલત ગંભીર હોવાથી તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યાં સારવાર દરમિયાન રાત્રિના આઠ વાગ્યે તેણીનું મોત થયું હતું. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મહિલાએ જાન ગુમાવતાં ગ્રામજનોમાં રોષ
નેશનલ હાઇવે નં.53 ઉપર સેજવાડ, ઉવા, નવી કીકવાડ સહિતનાં ગામો પાસે સર્વિસ રોડ અને કટનો અભાવ હોવાથી વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. અનેક નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. સ્થાનિક નેતાઓએ અનેક વખત હાઇવે ઓથોરિટીને સર્વિસ રોડ અને કટ બનાવવા માટે રજૂઆત કરી હતી. પરંતુ હજી સુધી કોઈ કામગીરી થઈ શકી નથી. સ્થાનિક સાંસદ અને નેતાઓનું હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કઈ સાંભળતા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે ફરી વખત અકસ્માતમાં એક નિર્દોષ મહિલાએ જાન ગુમાવતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે

Most Popular

To Top