Dakshin Gujarat

ચોરી કરતા પકડાયેલો ચોર લોકોની મારથી બચવા રસ્તામાં સૂઈ ગયો અને પછી કર્યું આવું કામ

બારડોલી: (Bardoli) બારડોલીના ગાંધી રોડ પર આવેલી કેનેરા બેન્કની (Bank) મહિલા કર્મચારીએ પાર્ક કરેલી મોપેડની ડીકી તોડી અંદરથી રૂપિયા ભરેલી બેગ ચોરી કરતાં એક શખ્સને લોકોએ રંગેહાથ પકડી બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.

  • ચોરી કરતા પકડાયેલા ચોરે વધુ મારથી બચવા રસ્તામાં સૂઈ ખેંચ આવ્યાનું નાટક કર્યુ
  • બારડોલીમાં મોપેડની ડીકીમાંથી રૂપિયા ભરેલી થેલી ચોરી કરતાં શખ્સને પકડી લોકોએ મેથીપાક આપ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ ઉપર કેનેરા બેન્કની શાખા આવેલી છે. આ બેન્કમાં કામ કરતી અનુશા રાજપુરોહિતે બેન્કમાંથી રૂ.35 હજાર રોકડા ઉપાડ્યા હતા અને એક થેલીમાં મૂકી પોતાની મોપેડની ડીકીમાં એ થેલી મૂકી હતી. થોડીવાર પછી એક ઈસમ મોપેડ નજીક ગયો હતો અને ડીકી તોડી અંદરથી પૈસા ભરેલી થેલી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યારે આજુબાજુમાં ઉપસ્થિત લોકો પૈકી એક ચાની દુકાનવાળાએ તેને જોઈ લીધો હતો અને ચોર ચોરની બૂમો પડતાં જોતજોતામાં લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને ઈસમને ચોરી કરતાં રંગે હાથ પકડી લઈ બરાબરનો મેથી પાક આપ્યો હતો. પૂછપરછમાં તેણે તેનું નામ સંજુ રાજુ બંટુ જણાવ્યું હતું. જો કે, લોકોના મારથી બચવા માટે તે રસ્તામાં જ સૂઈ ગયો હતો અને ખેંચનું નાટક કરવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ઈસમનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top