Dakshin Gujarat

લો બોલો… બારડોલીમાં લોકોનું ભવિષ્ય જોનાર જ્યોતિષ આ રીતે છેતરાઈ ગયા

બારડોલી: બારડોલીના (Bardoli) ગાંધી રોડ પર આવેલા તુલસી ટાવરમાં રહેતા એક જ્યોતિષને એક ઇસમે પોલીસની (Police) ઓળખ આપી અંકલેશ્વર (Ankleshwar) પોલીસમથકમાં (Police Station) તમારી વિરુદ્ધ ફરિયાદ (Complaint) નોંધાઈ છે એમ કહી પતાવટ પેટે રૂ.9000 ઓનલાઈન ટ્રાન્સફર (Online Transfer) કરાવી દીધા હતા. બારડોલી ટાઉન પોલીસે જ્યોતિષની ફરિયાદના આધારે પોલીસની ઓળખ આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • ‘હું અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી વિક્રમસિંહ વાઘેલા બોલું છું’ કહી પતાવટ માટે રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા
  • ‘તમારી વિરુદ્ધ ફરિયાદ છે’ કહી બારડોલીના જ્યોતિષને પોલીસના નામે ગઠિયાએ 9 હજાર ખંખેર્યા
  • વિવેકે ફરિયાદ બાબતે પૂછતાં વિક્રમસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર ગાળાગાળી કરવા લાગ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર આવેલા તુલસી ટાવરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના નાગોરના વતની વિવેક પદમચંદ સુરાના જ્યોતિષીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે તેઓ કેમિકલનો પણ વેપાર કરે છે. ગત 16મી મેના રોજ સવારે 11 વાગ્યાના સુમારે તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમે વિવેક સુરાના બોલો છો? અને તમે જ્યોતિષીનું કામકાજ કરો છો? આથી વિવેકે હા પાડી હતી. સામેથી ઇસમે પોતાની ઓળખ આપતાં જણાવ્યુ હતું કે, હું અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી વિક્રમસિંહ વાઘેલા બોલું છું. તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવેલી છે. વિવેકે ફરિયાદ બાબતે પૂછતાં વિક્રમસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ફોન પર ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદ તેણે મેટરમાં સમાધાન કરવું હોય તો પહેલા ખાતામાં ચાર હજાર રૂપિયા ગૂગલ પેથી જમા કરવા જણાવ્યું હતું. આથી વિવેકે વિક્રમસિંહે આપેલા નંબર પર 4 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વિક્રમસિંહે મારું શું? એમ કહી બીજા દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. પરંતુ એટલા રૂપિયા નહીં હોવાથી વિવેકે તેના ખાતામાં બીજા 2500–2500 હજાર બે વખત એમ પાંચ હજાર મળી કુલ 9000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદ સમગ્ર ઘટના અંગે પોતાની સાથે દગો થયો હોવાની જાણ થતાં આ અંગે તેણે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી. બારડોલી પોલીસે વિક્રમસિંહ વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top