SURAT

સુરતમાં મોટા વરાછામાં બજાજ ફાયનાન્સના કલેક્શન મેનેજરે લોન સેટલમેન્ટના બહાને કરી નાંખ્યું આ કાવતરું

સુરત : મોટા વરાછા ખાતે રહેતા યુવકે બજાજ ફાયનાન્સમાંથી (Bajaj Finance) 6.67 લાખની પર્સનલ લોન (Personal Loan) અને એક 46.44 લાખની મોર્ગેજ લોન લીધી હતી. કોરોના બાદ લોનના હપ્તા નહીં ભરી શકતા બજાજ ફાયનાન્સ બેંકના કલેક્શન મેનેજર (Collection Manager) ભદ્રેશ પરમારે સેટલમેન્ટના નામે તેમની પાસેથી બંને લોનના મળીને કુલ 16.20 લાખ લીધા હતા. અને તેની બોગસ રસીદો બનાવી આપી આ પૈસા બેંકમાં જમા કરવાને બદલે પોતાના વેસુ ખાતે નવા ફ્લેટમાં ઇન્સ્ટોલમેન્ટ પેટે આપી દીધા હતા. આ પૈસા પરત નહી આપી 16.20 લાખની છેતરપિંડી કરતા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મોટા વરાછા ખાતે ગોપીનાથ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય મહેશભાઇ રમેશભાઇ સાવલીયા પીપોદરા વિધિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મહાકાલી ટેક્ષટાઈલ્સની ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભદ્રેશ લીલાધર પરમાર (રહે.કે/૧૪૪, રાજહંસ સીમફોનીયા, વી.આઇ.પી.રોડ, વેસુ, સુરત.) ની સામે ફરિયાદ નોંધાવી છે. ચારેક વર્ષ પહેલા અજાણ્યાનો ફોન આવ્યો હતો. અને પોતે બજાજ ફાયનાન્સમાંથી બોલતો હોવાનું અને તેમના મકાન પર ઓછા વ્યાજે લોન આપવાનું કહ્યું હતું. ત્રણેક દિવસ પછી મહેશભાઈ મકાનની ફાઈલ લઈને અડાજણ મધુવન સર્કલ પાસે તેમની ઓફિસે ગયા હતા. જ્યાં તેમના કાગળો જોઈને 6.67 લાખની લોન મંજુર થઈ હતી. અને મહિને 4831 નો હપ્તો નક્કી થયો હતો. અને તે જ દિવસે મોર્ગેજ લોન જોતા 46.44 લાખની મંજુર થઈ હતી. જેનો મહિને 38,462 હપ્તો નક્કી કરાયો હતો. બંને લોનના હપ્તા મહેશભાઈએ એકાદ વર્ષ સુધી રેગ્યુલર ભર્યા હતા. બાદમાં કોરોનામાં સમયમાં ધંધામાં નુકશાન જતા હપ્તા રેગ્યુલર ભરાયા નહોતા.

દોઢેક વર્ષ પહેલા બજાજ ફાયનાન્સ કલેક્શન મેનેજર ભદ્રેશ લીલાધર પરમાર ઘરે આવીને હપ્તા કેમ નથી ભરતા તેમ પુછ્યું હતું. મહેશભાઈએ હાલ ધંધો ચાલતો નહીં હોવાથી તકલીફ છે તેમ કહેતા ભદ્રેશે તેની કંપનીના સાહેબો સાથે ઓળખાણ છે, લોનનું સેટલમેન્ટ કરાવી આપશે અને પાંચેક લાખનો ફાયદો કરાવશે તેમ કહ્યું હતું. તથા લોનના 30 ટકા રોકડેથી ભરવા પડશે અને બીજા બોલાવું ત્યારે વેસુ ખાતે કોરર્પોરેટ કેપિટલમાં આવેલી ઓફિસમાં લઈ આવજો તેમ કહ્યું હતું. ત્રણેક દિવસ પછી ભદ્રેશે ફોન કરીને રૂપિયાની વ્યવસ્થા બાબતે પુછ્યું હતું. મહેશભાઈએ 16.20 લાખ લઈને બેંકમાં આવું છુ તેમ કહેતા ભદ્રેશે તેમને બેંકમાં આવવાની ના પાડી હતી. અને ઘરે આવીને રસીદ આપી રૂપિયા લઈ જાઉ તેમ કહ્યું હતું. ઘરે આવીને એક 11 લાખની અને બીજી 5.20 લાખની રસીદ બનાવી આપી હતી.

એકાદ મહિનામાં બંને લોનનું સેટલમેન્ટ થઈ જશે તેમ કહીને જતો રહ્યો હતો. મહિના પછી મહેશભાઈએ ફોન કરીને પુછતા હજી થોડો સમય લાગશે તેમ કહ્યું હતું. આઠેક મહિના વીતતા મહેશભાઈને કઈ ખોટું થયાની આશંકા ગઈ હતી. જેથી તેની ઓફિસ જઈને તપાસ કરતા આ રૂપિયા ભદ્રેશે પોતાના ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટ પેટે ભરી દીધા હોવાનું અને તેણે આપેલી રસીદો ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. ભદ્રેશે તેની કબૂલાત કરી બે મહિનામાં પૈસા આપી દેશે તેવો વાયદો કર્યો હતો. જેથી અમરોલી પોલીસમાં અરજી કરતા તેણે પોલીસમાં ચાર મહિનામાં પોતાનો ફ્લેટ વેચીને પૈસા પરત આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ ત્યારપછી પણ પૈસા નહી આપતા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top