Columns

B-1/B-2 માટે ખુશખબર

ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’પૂર્તિમાં 18મી જાન્યુઆરી, 2023ના તમે જ્યારે આ લેખ વાંચતા હશો ત્યારે અમેરિકન સ્વપ્નું ધરાવતા તમારામાંના જેઓ અમેરિકાના બિઝનેસ અથવા વિઝિટર્સ વિઝા મેળવવા ઈચ્છતા હશો એમને એ ખુશખબરની જાણ થઈ જ ગઈ હશે કે અત્યાર સુધી B-1/B-2 વિઝાના અરજદારોને વિઝા મેળવવા માટે જે લાંબો સમય વાટ જોવાની રહેતી હતી એમને હવે વિઝા મેળવવા માટેના ઈન્ટરવ્યૂની તારીખો ઝડપથી મળી શકશે.

જેઓએ B-1/B-2 વિઝા મેળવવા માટે ફોર્મ DS-160 ભરી દીધું હોય અને ઈન્ટરવ્યૂની 2 વર્ષ પછીની તારીખ મેળવી હોય અથવા તો જેઓ ફોર્મ ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવવા ઈચ્છતા હોય એમણે હવે તુરંતથી ફરી પાછી તારીખ મેળવવાની તેમ જ ફોર્મ સુપરત કરીને તારીખ મેળવવાની કાર્યવાહી તાબડતોબ શરૂ કરી દેવી જોઈએ. હવેથી B-1/B-2 વિઝાના ઈન્ટરવ્યૂ માટે મહિનાઓ સુધી વાટ જોવી નહીં પડે.

વર્ષ 2023ની શરૂઆત આમ સારી થઈ છે.
વર્ષની શરૂઆતમાં જ એટલે કે રવિવાર, 1 જાન્યુઆરી, 2023ના આ કટારના લેખકે અમેરિકાના બધા જ પ્રકારના વિઝા અને ઈમિગ્રેશનના કાયદા વિષે સંપૂર્ણ જાણકારી લાગલગાટ 45 મિનિટ બોલીને આપી છે. અંગ્રેજીમાં અપાયેલી આ જાણકારી યુ-ટ્યુબ ઉપર ‘ઈમિગ્રેશન કી દુનિયા’ આ શીર્ષક હેઠળ જોવા અને સાંભળવા મળશે. આવી જ જાણકારી 8 જાન્યુઆરી, 2023ના હિન્દી તેમ જ ગુજરાતી આ 2 ભાષામાં પણ એમણે આપી છે, એ પણ યુટ્યુબ ઉપર ‘ઈમિગ્રેશન કી દુનિયા’ આ શીર્ષક હેઠળ મુકાઈ છે.

જેમનો જન્મ 22મી મેથી 21 જૂન દરમિયાન થયો છે એમની બર્થ સાઈન ‘જેમિની’છે. જેમિનીની સંજ્ઞા જોડિયાઓની છે. આ સંજ્ઞા ધરાવતી વ્યક્તિઓ વિરોધાભાસ ધરાવતી પર્સનાલિટી ધરાવે છે. તેઓ તમને કોઈક વાર અત્યંત પ્રેમાળ જણાશે. કોઈક વાર ધિક્કારપાત્ર લાગશે. જેમિની સંજ્ઞા ધરાવતી વ્યક્તિ એમનું વસ્ત્ર પરિધાન, નોકરી, કાર્ય, રહેઠાણ કે પ્રેમ અચાનક બદલી શકે છે. આ લોકો પુસ્તકો પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણપણે નથી વાચતા. પહેલું પાનું શરૂ કરે પછી 50મું પાનું વાંચે. પછી બીજું પાનું વાંચે. તેમની વૃત્તિ ચંચળ હોય છે. તેઓ અધીરા હોય છે. વર્ષ 2023માં આ સંજ્ઞા ધરાવતા પુરુષોમાં ગુસ્સાનું પ્રમાણ અધિક રહેશે. વિઝા મેળવવા માટે તેઓ ખૂબ જ આતુરતા દર્શાવશે.

જો ઈન્ટરવ્યૂનો સમય ધાર્યા પ્રમાણેના દિવસોમાં એમને નહીં મળે તો તેઓ અમેરિકાને, અમેરિકાના ઈમિગ્રેશન ખાતાને અને ભારતમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટને જોરશોરથી ભાંડશે. જેમના નિકટના સંબંધીઓ અમેરિકામાં રહેતા હશે એવા જેમિની સંજ્ઞા ધરાવતા લોકો સાધારણ કરતાં થોડી વધુ ઉદાસીનતા દેખાડશે. આ વર્ષમાં આ સંજ્ઞા ધરાવતા લોકોએ એમના ગુસ્સાને વશમાં કરવાના પ્રયત્નો નિયમિતરૂપે કરવા જોઈએ. અધીરાઈ દેખાડવી ન જોઈએ. વિચારો વારંવાર બદલવા ન જોઈએ. જેમણે અમેરિકા જવું હોય તેઓ જો ક્યારે અને શા માટે જવું છે એનો ચોક્કસ નિર્ણય લઈ લે પછી ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટની સલાહ લઈ અરજી કરશે અને ઉતાવળ નહીં કરે તો એમને વિઝા મેળવવામાં સફળતા મળશે.

22મી જૂનથી 23 જુલાઈના સમય દરમિયાન જેમનો જન્મ થયો હોય એવા ‘કેન્સર’ સંજ્ઞા ધરાવતા લોકોનો આ સામાન્ય વિચાર હોય છે. કેન્સર સંજ્ઞા ધરાવતા લોકોને સૂર્યાસ્ત પછી મળવું વધુ ઉચિત છે. એ સમયે તેઓ સજીધજીને એમના વિચારોમાં ખોવાયેલા હોય છે. એમનું વર્તન ચંદ્રમા જોડે સંકળાયેલું હોય છે. આ વર્ષમાં આ સંજ્ઞા ધરાવતા લોકો સામાન્ય રીતે આનંદમાં રહેશે. સગાંસંબંધીઓને તેમ જ મિત્રોને મળવાનો આગ્રહ સેવશે. પ્રવાસ માટે આ વર્ષ એમના માટે સારું છે. જો તેઓ અમેરિકા ફરવા જવાનો વિચાર ધરાવતા હોય અને એમની પાસે B-1/B-2 વિઝા હોય તો એમણે આ વર્ષે અમેરિકા જવું જોઈએ. વિઝા ન હોય તો તુરંત જ એ માટે અરજી કરીને એ મેળવી લેવા જોઈએ અને જૂન – જુલાઈ મહિનામાં અમેરિકા જવાનો પ્લાન કરવો જોઈએ.

‘લિયો’ સંજ્ઞા ધરાવતા 24મી જુલાઈથી 23મી ઓગસ્ટ દરમિયાન જેમનો જન્મ થયો છે એ લોકો સામાન્ય રીતે ગર્વિષ્ઠ હોય છે. ‘મારા પ્રત્યે કોઈ દયા દર્શાવશો નહીં’ એવું જણાવતા હોય છે. લિયો માટે વર્ષ 2023 લાભલાયક નીવડે એવા પૂરેપૂરા સંજોગો છે. એમના પાસપોર્ટ એક્સપાયર થઈ ગયા હોય અથવા ટૂંક સમયમાં જ એક્સપાયર થવાના હોય તો એમણે તાબડતોબ અરજી કરીને એની અવધિ લંબાવી લેવી જોઈએ.

જો એમના અમેરિકાના મલ્ટીએન્ટ્રી 10 વર્ષની મુદતના B-1/B-2 વિઝા પૂરા થવા આવ્યા હોય અથવા તો એમણે વિઝા મેળવ્યા જ ન હોય તો તુરંત અરજી કરીને વિઝા મેળવી લેવા જોઈએ. આ વર્ષે કંઈ ને કંઈ કારણસર અમેરિકા જવાના એમના સંજોગો ઊભા થાય એવી શક્યતા રહેલી છે.  આપણે વર્ગો, લિબ્રા, સ્કોર્પિયો, સેજિટેરીયસ, કેપ્રિકોર્ન, એક્વેરિયસ અને પાઈસીસ આ સર્વે બર્થ સાઈન ધરાવતા લોકોનું વર્ષ 2023 કેવું જશે એ આવતા અઠવાડિયે જોઈશું. વાચકોને એ કહેવું ખૂબ જ જરૂરી છે કે આ કટારના લેખક જ્યોતિષી નથી. એમણે જે જોયેલું છે, જાણેલું છે, અનુભવેલું છે અને વાંચ્યું છે એના આધારે આ સર્વે બર્થ સાઈન ધરાવતાં લોકોનું વર્ષ 2023 કેવું જશે એની અટકળ કરી છે.

Most Popular

To Top