Gujarat

સમગ્ર ગુજરાતમાં રામલહેર, મંદિર અને દરગાહમાં દીપ પ્રગટાવી ઉજવણી

ગાંધીનગર: (Gandhinagar) અયોધ્યા ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા વિધી હાથ ધરાઈ હતી, જેને પગલે હર્ષોલ્લાસ સાથે ગુજરાતભરમાં (Gujarat) વિવિધ મંદિરોમાં (Temple) પૂજા, ભજન, રામધૂન, સાંજે મહાઆરતી તથા ઉજવણી અને યજ્ઞોનું આયોજન કરાયું હતું. અમદાવાદની શાહ-એ-આલમ દરગાહ પર 101 માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ દરગાહ પર દીપ પ્રગટાવીને રામલલ્લાને આવકાર્યા હતા અને આ ક્ષણને અદભૂત બનાવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મુસ્લિમ બિરાદરોએ બિરદાવ્યો છે.

ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પણ વિવિધ રામજી મંદિરમાં આરતી, પૂજા, રામધૂન પણ કરવામાં આવી હતી. સંખ્યાંબધ લોકોએ પોતાની સોસાયટી તથા ઘરો અને ફલેટો પર રામ ધ્વજા ફરકાવી હતી. આજે સાંજે તો દિવાળી જેવા માહોલ વચ્ચે રાજ્યભરમાં મહાઆરતીનું આયોજન તથા ઘરે ઘરે દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જ્યાં હનુમાનજી મંદિર આવેલા છે ત્યાં અખંડ રામધૂન બોલાવવામાં આવી હતી.
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પણ આજે રામમય બન્યું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ અને હનુમાનજી પર ખાસ અભિષેક કરાયો હતો. સરયુ નદી સહિત 9 પવિત્ર તીર્થજળથી અભિષેક કરાયો હતો.

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે શ્રીરામ પૂજન સાથે અનેકવિધ ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં 1008 બાળકોની રામના પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર યાત્રા નીકળી હતી. અક્ષર મંદિરે વિશાળ રંગોળી રચવામાં આવી છે અને મંદિરને ધજા પતાકા દ્વારા શણગારવામાં આવ્યું છે. સાવરકુંડલાના રિદ્ધિસિધ્ધિ ચોકમાં 21 હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. જય શ્રીરામ, મહાદેવ અને અયોધ્યા મંદિર દીવડા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

રાજકોટમાં શ્રીરામ શોભાયાત્રામાં મુસ્લિમ યુવકોએ પાણી-શરબતની સેવા આપી
રાજકોટના વીરપુરમાં હિન્દુ-મુસ્લિમની કોમી એકતાનું ઉત્તમ ઉદાહણ જોવા મળ્યું હતું. અહીં મુસ્લિમ બિરાદરોએ દિલ જીતનારું કામ કરતા શોભાયાત્રા દરમિયાન પાણી-શરબતના સ્ટોલ લગાવ્યા હતા. વીરપુરમાં મુસ્લિમ સમાજના યુવાનોએ શોભાયાત્રામાં પાણી અને શરબતની સેવા આપી હતી. આ કાર્યથી મુસ્લિમ સમાજના યુવાનોએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના મંત્રીના નિવાસસ્થાન ફૂલ-દીપથી શણગારાયા
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના સભ્યો પૈકી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની ઉજવણી કરવામાં આવી હતી.

BAPSના 1550 સ્વામીનારાયણ મંદિરમાં શ્રીરામોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ વિદેશના 1550થી વધુ મંદિર પરિસરમાં દિવાળીના તહેવારની જેમ દીવાઓ અને લાઇટિંગની રોશની તેમજ પ્રવેશદ્વાર ઉપર રંગોળી કરીને રામચંદ્રજીની મૂર્તિ પધરાવી ભવ્ય પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સુરતમાં પણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાયો હતો. અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું, અને પ્રવેશ દ્વાર ઉપર આસોપાલવના તોરણ તેમજ પુષ્પના તોરણથી મંદિરને સુશોભિત કરાયો હતો. ભગવાન રામચંદ્રની મૂર્તિને પધરાવી આરતી, થાળ તથા પૂજન કર્યું હતું.

રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું, રાજ્યપાલે યજ્ઞ-હવન કરી અને રામજ્યોતિ પ્રગટાવ્યો
ગાંધીનગર: અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રામજ્યોતિ પ્રગટાવી હતી. આચાર્ય દેવવ્રતએ આ અવસરે કહ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતાનું પ્રતીક છે. આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. આજે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે. આચાર્ય દેવવ્રતએ આજના શુભ દિવસની શરૂઆત રાજભવન પરિસરમાં યજ્ઞ-હવનથી કરી હતી. ચોમેર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને રાજ્યપાલએ રામજ્યોતિ પ્રગટાવીને આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top