SURAT

પરવત પાટિયા પાસે ટ્રાફિક ASI અને TRB ઉપર કાર ચડાવવાનો પ્રયાસ

surat : શહેરના સૈયદપુરા ખાતે રહેતા યુવકે ગઈકાલે સાંજે પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ ( traffic point) પર કાર ઊભી રાખી બાદમાં અચાનક રેસ કરી ટીઆરબી ( trb) જવાન અને એએસઆઈ ( asi) સહિતના સ્ટાફ ઉપર કાર ચઢાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલે પીછો કરીને કારચાલકને લિંબાયત કમરૂનગર પાસેથી ઝડપી પાડતાં તેમની સાથે પણ ઝપાઝપી અને ગાળાગાળી કરી હતી.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાફિક શાખામાં રિજયન-2માં ફરજ બજાવતા એ.એસ.આઇ. અનુરાગ બાવભાઇએ શેખ અયાઝ શેખ ઇલ્યાસ (ઉં.વ.૩૩)ની સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગઈકાલે સાંજે અનુરાગભાઈ સાથે અન્ય પોલીસ સ્ટાફ અને ટીઆરબી કર્મચારીઓ સહિતનો સ્ટાફ પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ પાસે જાહેર રોડ પર ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હતા. દરમિયાન આઈ માતા તરફથી એક કારચાલક આવતાં ટીઆરબી જવાનોએ હાથ બતાવી કાર ઊભી રાખવા કહ્યું હતું. કારચાલકે કારની વિન્ડો ખોલી ન હતી. કારના બ્લેક કાચ અને પાછળની નંબર પ્લેટ પણ ન હતી. કાર ઊભી હતી ત્યારે ચાલકે પૂરા રેસથી કાર ચલાવી એએસઆઈ અનુરાગ, ટીઆરબી કિરણ તથા અરવિંદને ટક્કર મારી હતી. કારચાલકે કિરણને જોરથી એડફેટે લેતાં તે ફંગોળાઈને કારના બોનેટ ઉપર પટકાયો હતો. કિરણને પગ તથા હાથના ભાગે ઇજા થઈ હતી. અન્ય પોલીસ જવાનોને પણ સાઈડમાં ફંગોળી ભાગી છૂટ્યો હતો. એએસઆઈ અનુરાગ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈએ કારનો પીછો કરી લિંબાયત કમરૂનગર પાસેથી કારચાલક ઊભો રહેતાં ઝડપી પાડ્યો હતો. કારચાલકે ત્યાં બંને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી પણ કરી હતી.

હમણા તમારા સ્ટાફને ઉડાડી આવ્યો છું, તમને પણ ઉડાડી દઈશ

કારચાલકને પકડતાં મને તથા મારી કારને કેમ રોકો છો, તમારા સ્ટાફમાંથી એકને ઉડાડી આવ્યો છું, તમે પણ જતાં રહો. નહીં તો ઉડાડીને અથવા ટક્કર મારીને તમને પણ પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. કાર જોતાં જીજે-5-જેએસ-5512 નંબરની રેનોલ્ટ કંપનીની હતી. કારચાલકે પોતાનું નામ શેખ અયાઝ શેખ ઇલ્યાસ (ઉં.વ.૩૩) (રહે., ૩૦૪,મક્કા પેલેસ, હોડી બંગલા, સૈયદપુરા) હોવાનું જણાવ્યું હતું. પુણા પોલીસે કારચાલકની સામે ખૂનની કોશિશ તથા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. આરોપીનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ બતાવાશે.

Most Popular

To Top