Columns

આત્મવંચના નહીં રાષ્ટ્રવંચના કરતા શાસકો

અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા, ત્યારે તેમણે 2013ની સાલમાં ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું, જેનું શીર્ષક હતું – ‘સેલ્ફ – ડીસેપ્શન : ઇન્ડિયાઝ ચાઈના પોલીસી.’ એ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર તેમણે તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીનના પ્રમુખ હુ જિન્તાઓને ઝૂકીને અભિવાદન કરતા બતાવ્યા છે. પુસ્તકનું શીર્ષક – ‘સેલ્ફ – ડીસેપ્શન’ તો બોલકું છે જ પણ મુખપૃષ્ઠ પરની તસવીર વધારે બોલકી છે. તેમણે પોતે ‘મંથન’ નામના થીંક – ટેંક પ્લેટફોર્મ પરથી બોલતા કહ્યું હતું કે તેમણે મનમોહન સિંહની ચીનના નેતાને ઝૂકીને અભિવાદન કરતી તસવીર ચાહી કરીને મૂકી હતી કે જેથી વાચકને ખબર પડે કે ભારતના શાસકો (કોંગ્રેસ વાંચો) કેટલા બુઝદિલ છે. લળીલળીને ચીનના નેતાઓના ઓવારણા લેવામાં આવે છે અને ચીનના નેતા જુઓ એક Cm પણ ઝુકતા નથી. તેમનું કહેવાનું એમ હતું કે દેશને એવા નેતાની જરૂર છે, જે ચીનના નેતાઓ સામે ટટ્ટાર ઊભા રહે અને આંખમાં આંખ મેળવીને વાત કરી શકે માટે નરેન્દ્ર મોદીએ ત્યારે એવો દાવો પણ કર્યો હતો.

એ સમયે ચારેકોરથી ડૉ. મનમોહન સિંહ ઉપર બાણવર્ષા થતી હતી. દેશને સિંહની જરૂર છે, ત્યારે સસલું શાસન કરે એ કેમ ચલાવી લેવાય! દેશને મોટા સપના જોઈ શકનારા અને બુલંદ ઈરાદો ધરાવનારા, કૃતનિશ્ચયી, સ્વચ્છતાની મૂર્તિ સમાન નેતાની જરૂર છે, ત્યારે ડૉ. મનમોહન સિંહ નામના શિયાળવાને કેમ ચલાવી લેવાય જે પડકારો ઝીલી શકતા નથી! ઔર તો ઔર જેની રાજકીય સમજ ગામડાના સરપંચ જેટલી પણ નથી અને સવારે પૂર્વ દિશામાં જાય અને સાંજે પશ્ચિમ દિશામાંથી નીકળે એ અણ્ણા હજારેએ ડૉ. મનમોહન સિંહ જેવા આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવનારા અર્થશાસ્ત્રી ઉપર બાણવર્ષા કરી હતી. ત્યારે ડૉ. મનમોહન સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મને ભરોસો છે કે સમય મને ન્યાય આપશે.

અરુણ શૌરીના પુસ્તક ઉપરનું કવર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારું છે કારણ કે ડૉ. મનમોહન સિંહે ચીનના ડરથી દલાઈ લામાને મળવાનું ટાળ્યું નથી. ખરું પૂછો તો ભારતનો 2014 સુધીનો એક પણ વડા પ્રધાન એવો નથી જેણે ચીનના ડરથી દલાઈ લામાને મુલાકાત ન આપી હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા અને એક માત્ર વડા પ્રધાન છે, જે ચીનના ડરથી દલાઈ લામાને મળતા નથી. દલાઈ લામાને 8 વર્ષમાં એક પણ મુલાકાત આપી નથી. દલાઈ લામા માત્ર તિબેટી નેતા નથી, આખા જગતમાં આદરણીય પુરુષ છે.

ખેર, અરુણ શૌરીના ચીન વિશેના પુસ્તક ઉપરની તસવીર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારી છે, એમાં ના નહીં પણ શીર્ષક સાચું છે અને અત્યારના શાસકો માટે તે વધારે સાચું છે. સેલ્ફ – ડીસેપ્શનનો અર્થ થાય છે – આત્મવંચના. પોતાની જાતને છેતરવી અથવા ખોટા ભ્રમમાં રહેવું. જવાહરલાલ નેહરુ ચીન વિષે ખોટા ભ્રમમાં રહ્યા હતા અને ચીન ઉપર ભરોસો કરવાની ભૂલ કરી હતી એ એક હકીકત છે. અત્યારના શાસકો તો તેમનાથી એક ડગલું આગળ ગયા છે. તેઓ માત્ર આત્મવંચના નથી કરતા, રાષ્ટ્રવંચના પણ કરે છે. નહીં બોલીને, આંખ આડા કાન કરીને, મોઢું ફેરવી લઈને પ્રજાને પણ ભ્રમમાં રાખે છે કે ચીનની સરહદે બધું સમુસૂતરું છે, જ્યારે કે સ્થિતિ બિલકુલ ઊલટી છે.

ચીનની સરહદે શું ચાલી રહ્યું છે, એના સમાચાર આપણને અમેરિકા આપે, યુરોપિયન યુનિયન આપે, સેટેલાઈટ તસ્વીરો આપે, ‘ઈકોનોમિસ્ટ’ અને એવા બીજા જાગતિક પ્રતિષ્ઠા ધરાવનારા સામાયિકો આપે, BBC અને અલ ઝઝીરા જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો આપે, વિશ્વની પ્રતિષ્ઠિત થીંક – ટેન્કો આપે, સ્વતંત્ર રાજકીય નિરીક્ષકો આપે અને આપણા શાસકો? આપણા શાસકો મૂંગા રહે અને રાફેલ વિમાનને કોઈની નજર ન લાગે એ માટે તેના પૈડાંને લીંબુ – મરચાં બાંધે. વાહ રે, ચીન વિશેની નીતિ. અરુણ શૌરી અત્યારે મરવા જેવી લાજ અનુભવી રહ્યા છે એનું કારણ આ છે.

બુધવારે અમેરિકન લશ્કરના કમાન્ડીંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લીને દિલ્હીમાં (આય રીપીટ દિલ્હીમાં) કહ્યું છે કે ચીન ભારતની સરહદે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. એ જોતા સરહદે સ્થિતિ ચિંતાજનક છે. આવું અમેરિકાએ પહેલી વાર નથી કહ્યું. સૌથી પહેલાં આપણા વડાપ્રધાનના નાદાન અમેરિકન મિત્ર અને એ સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને તેને કારણે મારા મિત્ર નરેન્દ્ર મોદી હતપ્રભ અને દુઃખી છે. દોસ્ત હો તો ઐસા. એ પછી વખતોવખત અમેરિકા ચીનની લશ્કરી તૈયારીઓ વિષે નિવેદન કરતું રહ્યું છે અને ભારતને ચેતવણી આપતું રહ્યું છે.

વચ્ચે અહેવાલ આવ્યા હતા કે ચીનની સરહદે પહેલાં 8,000 ચીની સૈનિકો હતા, જે હવે 50,000 છે. આ વખતે પહેલી પંક્તિના લશ્કરી અધિકારીએ દિલ્હીમાં આવીને કહ્યું એ ઓછી ગંભીર તાકીદ નથી પણ ભારતના શાસકો ચૂપ છે. મોઢું ખોલે એ બીજા. અમંગળ વાસ્તવિકતાઓ જોવાની જ નહીં ને! હજુ હમણાં પખવાડિયા પહેલાં યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત રશિયાની યુક્રેન ઉપરની ચડાઈની બાબતે ચૂપ એટલા માટે છે કે તેને ચીનનો ડર છે. રશિયા રશિયન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને જેમ યુક્રેન ઉપર દાવો કરે છે એમ ચીન પણ ભારતના કબજા હેઠળની ભૂમિ ઉપર દાવો કરી રહ્યું છે. રશિયાની જેમ ચીન જો એ ભૂમિ કબજે કરવા આક્રમણ કરે તો રશિયા ભારતને મદદ કરશે એવી ભારતની અપેક્ષા છે.

ચીન ભારત સાથેની સરહદે જે રીતે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે એ જોતા આવી શક્યતા ઘણી મોટી છે. ટૂંકમાં ચારે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચીન લશ્કરી જમાવટ કરી રહ્યું છે અને ભારત સામે ખતરો છે. રાહુલ ગાંધીએ પણ આમ કહ્યું હતું, ત્યારે ગોદી મીડિયાએ અને BJPના સાયબર સેલે તેમને ચીનના પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા. પણ ભારતના શાસકો ચીનની દિશામાં નજર સુદ્ધાં કરતા નથી. આ આત્મવંચના નથી રાષ્ટ્રવંચના છે. ડૉ. મનમોહન સિંહ ઝુકીને અભિવાદન કરતા હતા, એ તેમની ખાનદાની હતી. અદના માણસને પણ ડૉ. મનમોહન સિંહ આદર આપે છે અને પૂરા આદર સાથે ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે, એમ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેમના સંસ્મરણો વાગોળતાં કહ્યું છે. એમાં આત્મવંચના નહોતી અને રાષ્ટ્રવંચના તો જરાય નહોતી.

Most Popular

To Top