National

રાજસ્થાનમાં કોંગ્રેસની હાર, અશોક ગેહલોતે રાજીનામું આપ્યું, CM પદ માટે ચર્ચાઈ રહ્યું છે આ નામ

વિધાનસભાના પરિણામોમાં (Assembly Results) ભાજપની બહુમતિ જોતા રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસે (Congress) લગભગ પોતાની હાર સ્વીકારી લીધી છે. અહીં ભાજપની (BJP) જીત બાદ હવે રાજસ્થાન માટે મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે? આ વાતને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. વસુંધરા રાજે, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજેન્દ્ર રાઠોડથી લઈને દિયાકુમારી સુધીના નામો મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને ચર્ચાઈ રહ્યા છે. હવે આ રેસમાં દિલ્હીથી ઓમ બિરલાના નામની એન્ટ્રી પણ થઈ ગઈ છે. બીજી તરફ ચૂંટણી પરિણામો પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું કે રાજસ્થાનની શાનદાર જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીની જીત છે. 

ઓમ બિરલા રાજસ્થાનના હાડોટીથી ભાજપના સૌથી અગ્રણી ચહેરાઓમાંના એક છે. હાલમાં તેઓ લોકસભાના સ્પીકર છે. તેમનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની આગામી ભૂમિકા રાજસ્થાનમાં જ હશે કે કેમ તે અંગે અત્યારે કશું કહેવું મુશ્કેલ છે. જો કે આ વખતે ટિકિટ વિતરણમાં તેમણે જે ભૂમિકા ભજવી છે તે જોતા એવું માનવામાં આવે છે કે તેઓ રાજસ્થાનના રાજકારણમાં પોતાના માટે મહત્વની ભૂમિકા શોધી રહ્યા છે. કારણ એ છે કે ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પણ ભાજપની કોઈ છાવણી ખુલ્લેઆમ સક્રિય દેખાતી નથી. વસુંધરા રાજે પણ ચૂપચાપ બેઠા છે.

દરમિયાન રાજસ્થાનમાં કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે સાંજે રાજભવનમાં જઈ રાજ્યાલને રાજીનામું આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી.જોશીની પણ હાર થઈ છે. બીજી બાજુ ટોંક વિસ્તારમાંથી સચિન પાયલટ જીતી ગયા છે પરંતુ જીત બાદ પણ તેમણે મોઢું મીઠું કરવાનું ટાળ્યું હતું. ભાજપના બહુમતને લઈ સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમે રાજસ્થાનના લોકોએ આપેલા આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ દરેક માટે અણધાર્યું પરિણામ છે. આ હાર દર્શાવે છે કે અમે અમારી યોજનાઓ, કાયદાઓ અને નવીનતાઓને લોકો સુધી પહોંચાડવામાં સંપૂર્ણ રીતે સફળ નથી થયા.

Most Popular

To Top