Columns

ભૂમંડળના નવમા નક્ષત્ર આશ્લેષાનો જાતક નકારાત્મક ઊર્જાને સકારાત્મક તરફ લઈ જઈ શકે એવા નિપુણ હોય છે

મઘા નક્ષત્ર(૧)

ભૂમંડળનું 10 મું નક્ષત્ર મઘા છે. મઘા નક્ષત્રના દેવ પિતૃ છે. નક્ષત્રપતિ કેતુ છે અને રાશિ પતિ સૂર્ય છે. મઘા નક્ષત્રનું ઝાડ વડ છે. યોનિ ઉંદર છે. આયુર્વેદિક દોષ કફ છે. નક્ષત્રનું ચિહ્ન પાલખી છે. આ નક્ષત્ર માટે ભાગવત પુરાણમાં એક કથા કહી છે તે જોઈશું. વેદવ્યાસના પુત્ર શુકદેવજી બહુ જ્ઞાની હતા. એમને નાનપણથી વેદ પુરાણોની વાતો જાણવામાં જિજ્ઞાસા હતી. શુકદેવજી થોડા મોટા થયા ત્યારે વેદવ્યાસે એમને જ્ઞાન મેળવવા માટે જનક રાજા પાસે જવાનું કહ્યું. શુકદેવજીને પોતાના જ્ઞાનનો અહંકાર હતો એટલે એમણે એમના પિતાની વાત ધ્યાનમાં લીધી નહીં. જ્યારે પિતાશ્રીએ વારંવાર કહ્યું ત્યારે એમનું માન રાખવા માટે જનક રાજા પાસે જ્ઞાન લેવા જવા નીકળ્યા.

એમણે સાથે બે જોડ કપડાં અને દંડ કમંડળ લીધાં હતાં. શુકદેવજી જનક રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે દરવાને કહ્યું કે તમારી વસ્તુઓ અહીં મૂકી જાવ અને તમે અંદર જઈ શકો છો. શુકદેવજીએ પોતાની વસ્તુઓ બહાર મૂકી અંદર ગયા. જનક રાજા તો ઉંમરમાં પણ મોટા હતા અને રાજા પણ હતા, છતાં શુકદેવજી આવ્યા તો એમણે ઊભા થઈ આવકાર આપ્યો. જનક રાજા જાણતા હતા કે શુકદેવજીના મગજમાં અહંકાર છે. પોતાને બધું જ ખબર છે તો આ જનક રાજા મને શું નવું કહેશે. છતાં જનક રાજાએ પરામર્શ શરૂ કર્યો. જનક રાજા અને શુકદેવજી જ્ઞાનની વાતો કરતા હતા ત્યાં અચાનક એમના દરવાને આવીને કહ્યું, “ રાજાજી, રાજાજી, આપણા શહેરની આગળ જે જંગલ છે એમાં મોટી આગ લાગી છે.” જનક રાજાએ કહ્યું,”જેવી ઈશ્વરની ઈચ્છા!” ફરીથી રાજા તો જ્ઞાનની વાતોમાં મશગુલ થઈ ગયા.

થોડા સમય પછી ફરીથી દરવાને આવીને કહ્યું,”આગ તો શહેરમાં આવી ગઈ છે.” ફરી જનક રાજાએ એ જ જવાબ આપ્યો કે, “ જેવી પ્રભુની ઈચ્છા!” એમણે પોતાની વાત શુકદેવજી સાથે ચાલુ રાખી. શુકદેવજી મનમાં વિચારવા લાગ્યા કે રાજા તો બહુ બેજવાબદાર છે. પ્રજાના બચાવ માટે કંઈ કરતાં પણ નથી. આ યોગ્ય તો ના જ કહેવાય. છતાં શુકદેવજી મહારાજ કશું બોલ્યા નહીં અને જનક રાજા સાથે વાતો કરવા લાગ્યા.

થોડા સમય બાદ ફરી દરવાને આવીને કહ્યું,” રાજાજી, આગ તો આપણા રાજમહેલના દરવાજા બહાર સુધી આવી ગઈ છે.” છતાં પણ જનક રાજા જરા પણ ચિંતા વગર જેવી પ્રભુની ઈચ્છા એમ કહી પોતાની વાતો ચાલુ રાખી. આ સાંભળી શુકદેવજી મહારાજને પોતાની વસ્તુઓ યાદ આવી અને જલ્દી જલ્દી ઊભા થઈ પોતાની વસ્તુઓ લેવા બારણા પાસે ગયા. ત્યાં જઈને જોયું તો બારણા આગળ જ આગ બુઝાઈ ગઈ હતી. જ્યારે શુકદેવજી જનક રાજા પાસે આવ્યા ત્યારે બહુ ક્ષોભિત હતા. શુકદેવજી મહારાજે જનક રાજાની માફી માગી અને એમની મહત્તાનાં વખાણ કર્યાં. જનક રાજાએ જણાવ્યું કે,”મને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા છે. આ રાજ અને એના વૈભવમાં મને કોઈ રસ નથી. હું તો ઈશ્વરનો ચાકર છું.”

શુકદેવજી મહારાજ જનક રાજાથી પ્રભાવિત થયા અને પોતાને એમનો શિષ્ય બનાવવા વિનંતી કરી. જનક રાજાએ જણાવ્યું કે,” તારે મારા શિષ્ય થવું હોય તો મારી એક પરીક્ષામાંથી પાસ થવું પડશે.” શુકદેવજી મહારાજ આ માટે તૈયાર થયા. જનક રાજાએ કાલે પરીક્ષા થશે આજે તમે આરામ કરો. ત્યાર બાદ રાજ સેવકોને હુકમ કર્યો કે કાલે સવાર સુધીમાં આખો રાજમાર્ગ રંગબેરંગી ફૂલોથી સજાવી દો. રાજમાર્ગ પર થોડા થોડા અંતરે સુંદર અપ્સરા જેવી સ્ત્રીઓને ડાન્સ કરવાનું સૂચન કરો. વચ્ચે વચ્ચે જાદુગર પોતાના ખેલ કરતાં હોય એવી ગોઠવણ કરો. બીજા દિવસે સવારે શુકદેવજી મહારાજ જનક રાજા પાસે આવ્યા. રાજાએ પોતાના સેવકને એક તેલથી છલોછલ ભરેલો દીવો લાવવા કહ્યું.

આ દીવો પ્રગટ કરી જનક રાજાએ કહ્યું કે આ દીવો લઈને તમારે આખા રાજમાર્ગ પર ચાલવાનું છે. તમારી પાછળ મારા સેવક ચાલતા હશે. તમારે ધ્યાન રાખવાનું છે કે દીવામાંથી એક પણ તેલનું ટીપું નીચે પડવું જોઈએ નહીં. જો કોઈ એક ટીપું પણ પડશે તો મારા સેવક તમારા પર તલવાર ચલાવી દેશે. શુકદેવજી મહારાજને આશ્ચર્ય થયું કે આ તે કઈ પરીક્ષા થઈ! આમાં તો કંઈ જ્ઞાનની વાત પણ આવતી નથી. છતાં પરીક્ષા માટે તૈયાર થયા. શુકદેવજી દીવા પર ધ્યાન રાખી રાજમાર્ગ પર ચાલતા હતા. આખો રાજમાર્ગ ચાલી પાછા જનક રાજા પાસે આવ્યા ત્યારે જનક રાજાએ પૂછ્યું,” રાજમાર્ગ પર જે સુશોભન કર્યું હતું તે તમને ગમ્યું? બધા નર્તકીના ડાન્સ કેવા લાગ્યા અને જાદુગર ના જાદુ!” શુકદેવજી બોલ્યા કે, “મારું ધ્યાન તો ફક્ત દીવા પર જ હતું એટલે રાજમાર્ગ પર શું હતું તે જોયું નથી.” ત્યારે જનક રાજાએ કહ્યું કે આવું જ ધ્યાન ધૈર્યથી ઈશ્વર સાથે રાખવું જોઈએ.” શુકદેવ મહારાજ જનક રાજાથી પ્રભાવિત થયા અને એમના શિષ્ય બન્યા.
(વધુ આવતા અંકમાં)

Most Popular

To Top