Dakshin Gujarat

RBIની માન્યતાવાળી આ કંપનીમાં અંકલેશ્વરની વિધવા મહિલાએ લાખો રૂપિયા ગૂમાવ્યા

અંકલેશ્વર,ભરૂચ: RBIની માન્યતા મેળવી યુવા નિધિ કંપની (Yuva Nidhi Company) ખોલી “નઈ સોચ નઈ રાહ”ના નામે ગુજરાતભરમાં હજારો લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોનું રોકાણ કરાવી નવડાવી દેનાર કંપનીના સંચાલકો સામે અંકલેશ્વર (Ankleshwar) શહેર પોલીસમથકે રૂ.૨૯ લાખની છેતરપિંડીની (Fraud) ફરિયાદ 3 સંતાનની માતા એવી વિધવા મહિલાએ નોંધાવી હતી.

  • કામરેજમાં રૂ.૫૦ લાખમાં જમીન વેચાતાં મહિલાએ નાણાં રોક્યાં હતાં

ગુજરાતમાં RBIની મંજૂરી લઈ યુવાનિધિ કંપની એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપૂત તથા ડેપ્યુટી એમ.ડી. સુશીલ શ્રીવાસ્તે ખોલી હતી. આ ભેજાબાજોએ “નઈ સોચ, નઈ રાહ” હેઠળ સેવિંગ, ડેઇલી, મંથલી તથા ફિક્સ ડિપોઝિટ ૧થી ૫ વર્ષ સુધીના બેંકર તરીકે સમગ્ર ગુજરાતમાં ઓથોરિટી મેળવી હતી.

અમદાવાદ ખાતે હેડ ઓફિસ ખોલી તથા ગુજરાતના અનેક શહેરોમાં બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. જે પૈકી અંકલેશ્વર શહેર ખાતે ONGC ત્રણ રસ્તા સર્કલ કુબેર પ્લાઝમા બીજા માળે યુવાનિધિ કંપની લિમિટેડની બ્રાન્ચ ઓફિસ કાર્યરત કરી હતી. અંકલેશ્વર ખાતે જનરલ મેનેજર તરીકે રફીક અબ્દુલ મજીદ મલેક તથા મેનેજર તરીકે તેનો પુત્ર જાવીદ રફીક મલેકને નિમણૂક આપી હતી.

આ રફીક અબ્દુલ મલેક અને જાવીદ રફીક મલેકે હવેલી ફળિયામાં રહેતા ફરિયાદી સુરૈયા હનીફ શેખ તથા અન્ય રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી તથા રોકેલ રૂપિયાને કાંઇ પણ નહીં થાય તેની જવાબદારી લઇ ફરિયાદી પાસે ટૂકડે ટૂકડે કુલ રૂ.૨૯ લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી.

જે પાકતી મુદતે મૂળ રકમ તથા વ્યાજ પરત નહીં આપી અને અંકલેશ્વરની ઓફિસ બંધ કરી દઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી કંપનીના એમ.ડી. અતુલકુમાર સિંઘ રાજપૂત તથા ડેપ્યુટી એમ.ડી. સુશીલ શ્રીવાસ્તવ, અંકલેશ્વર બ્રાન્ચના જનરલ મેનેજર રફીક અબ્દુલ મજીદ મલેક તથા મેનેજર જાવીદ રફીક મલેક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસમથકે નોંધાવી છે. વિધવા મહિલાને વર્ષ-૨૦૧૭માં કામરેજની જમીન વેચાતા રૂ.૫૦ લાખ આવ્યા હતા. જેમાંથી તેઓએ આ રોકાણ કર્યું હતું.

Most Popular

To Top