Dakshin Gujarat Main

મીંઢોળા નદીમાં આવતા પૂરથી થતું નુકસાન અટકાવવા 20 કરોડના ખર્ચે કનસાડમાં પાળા બનાવાશે

સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMC) વોર્ડ નં.30 સચિન-ઉન-આભવા-કનસાડ વિસ્તારમાં આવતા કનસાડ (Kansad) ગામમાં દર વર્ષે ચોમાસામાં (Monsoon) આવતા મીંઢોળા (Mindhola) નદીના પૂરથી (Flood) થતાં ધોવાણ અને ખેતીને થતું નુકસાન અટકાવવા રાજ્યના સિંચાઇ વિભાગે 20 કરોડના માતબર ખર્ચે કનસાડ ગામમાં 3 કિલોમીટર લાંબી પાળા યોજના બનાવવાનો નિર્ણય લીધો છે.

  • ધારાસભ્ય સંદીપ દેસાઈએ સી.આર.પાટીલ, મંત્રી કુંવરજી બાવળિયા અને મુકેશ પટેલને કરેલી રજૂઆત ફળી
  • કનસાડ ગામે મીંઢોળા નદી ઉપર 3 કિ.મી. પાળા બનવાથી ચોમાસામાં ખેતીને થતું નુકસાન અટકશે

કનસાડ ગામના વતની અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પોતાના જ ગામમાં દર વર્ષે મીંઢોળા નદીમાં આવતા પૂરથી ખેતીની જમીનનું ધોવાણ અને ખેતીના પાકને થતું નુકસાન અટકાવવા કાયમી ઉકેલ તરીકે પાળા બનાવવા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયા, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી હતી. જેના પગલે ગુજરાત સરકારે શુક્રવારે કનસાડ ગામે મીંઢોળા નદીના કાંઠે ત્રણ કિ.મી. લાંબી 20 કરોડના ખર્ચવાળી પાળા યોજના જાહેર કરી છે.

કનસાડના વતની એવા ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ગામ લોકો અને ખેડૂતો મીંઢોળા નદીમાં ચોમાસામાં આવતા પૂરથી થતું જમીનનું ધોવાણ અને ખેતીનું નુકસાન અટકાવવા રજૂઆત કરી હતી. અમે સરવે કરાવ્યા પછી સરકારમાં ત્રણ કિ.મી. સુધી ઊંચા પાળા બનાવવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ કુંવરજી બાવળિયા અને મુકેશ પટેલને રજૂઆત કરી હતી. એ પછી સરકારે 20 કરોડની પાળા યોજનાને મંજૂરી આપી છે. એના લીધે ખેડૂતો, ગ્રામીણોમાં આનંદ છવાયો છે.

Most Popular

To Top