Gujarat

ગુજરાતમાં મહેસૂલી નિયમોમાં સુધારા, ખેડૂત માતા-પિતાના મૃત્યુ બાદ દીકરીના સંતાનોને સ્ટેમ્પ ડ્યૂટીમાં મળશે રાહત

અમદાવાદ: ગુજરાત (Gujarat) સરકારે મહેસૂલી નિયમોમાં (Revenue Rules) ફેરફારો કર્યો છે. સખાવતી હેતુસર જમીન તબદીલી સ્ટેમ્પ ડ્યૂટીમાં (Stamp duty) રાહત મળશે. આ સિવાય જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.ડે.સમયે પુન: અભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈ વખતે વારસદારને પડતી મુશ્કેલીનું નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે.

આ સુધારા અંતર્ગત સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓનું ભારણ ઓછું થશે. ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈપણ સરકારી, અર્ધસરકારી અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. સ્ટેમ્પ ડ્યૂટી એટલે કે જ્યારે તમે મિલકત ખરીદો છો ત્યારે જે કર લેવામાં આવે છેે તેને સ્ટેમ્પ ડ્યૂટી કહેવામાં આવે છે. જે અલગ અલગ રાજ્યોમાં 5થી7 ટકા હોય છે. સાદી ભાષામાં આપણે તેને એક ફી તરીકે પણ કહી શકીએ છે. જે મિલકતના દસ્તાવેજો પર વસૂલવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીના સંતાનોને પણ જમીનના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યૂટીના બદલે ફકત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે. તેમજ માતા-પિતાન દ્વારા મળેલી અથવા તો વારસાઈ હક્કથી મેળવેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય જો તેમનું પણ અવસાન થાય તો તેમની પછીના આવતા ભાઈ-બહેનોના નામ મહેસૂલી રેકોર્ડમાં દાખલ કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ સિવાય તલાટી દ્વારા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા રહે તે માટે નિયમોમાં ફેરફાર કવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિનું મૃત્યુ તેના કાયમી રહેઠાણના બદલે કોઈ અન્ય સ્થળ પર થાય તો જયાં તે વ્યક્તિનું વતન હોય તો ત્યાનાં તલાટીએ તે વ્યક્તિનું પેઢીનામું બનાવવી આપવું પડશે.

ખેતીની જમીનના હક્ક દાવા વિવાદીત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિલકત અંગે કોઈ સ્ટે-ઓર્ડર ન હોય ત્યારે પડતર દાવા(લીસ પેન્ડેન્સી)ની નોંધ ગામ નમૂના-૭માં નોંધ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ, હક્કચોક્કસી, પ્રમોલગેશન ક્ષતિ ભૂલસૂધારણાની સમયમર્યાદામાં વઘારો કરીને 31 ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવી છે.  આ ઉપરાંત ગણોતની ખરીદ સમયમર્યાદા વધારીને 31-12-2024 સુધી કરવામાં આવી છે. બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Most Popular

To Top