SURAT

કરફ્યૂમાં સચિન GIDC પોલીસની દાદાગીરી: હોસ્પિટલમાં દાખલ સ્વજન માટે લોહી શોધવા નીકળેલા યુવકની બળજબરીથી અટકાયત

સુરત: (surat) શહેરના સચિન જીઆઈડીસી ( sachin gidc) પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઉન પોલીસ ચોકી પાસે પોલીસે કરફ્યૂ ( curfew) માં લોહી શોધવા નીકળેલા યુવકને બળજબરી પકડી અટકાયત કરાઈ હતી. યુવક હોસ્પિટલમાં દાખલ થયેલા તેના સ્વજન માટે લોહી શોધવા નીકળ્યો હતો. ત્યારે પોલીસના આ અમાનવીય કૃત્યથી સ્વજનનું સમયસર લોહી નહીં મળતાં મોત થયું હોવાનો આક્ષેપ યુવકે કર્યો હતો.સચિન જીઆઈડીસી વિસ્તારમાં રવિવારે રાત્રે કોરોના દર્દી માટે લોકડાઉન ( lock down) દરમિયાન લોહીની વ્યવસ્થા કરવા નીકળેલા પરિવારના યુવકને પોલીસે માર મારી અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે ભોગ બનનાર યુવક મોહમદ જાવેદ શેખે જણાવ્યું હતું કે, 52 વર્ષીય નજીર મહોમ્મદ મલેક તેમના કાકા સસરા છે.

ગત 19મીએ તેમને ઉનની અમન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરે લોહીની તાત્કાલિક સગવડ કરવા જણાવ્યું હતું. અમે લોહી લેવા માટે અમારા વિસ્તારના સામાજિક કાર્યકર્તા જાફરભાઈ દેશમુખ સાથે નીકળ્યા હતા. ત્યારે રાત્રે 10 વાગે પોલીસના સિવિલ ડ્રેસમાં આવેલા માણસોએ પકડી લોકડાઉનમાં રખડવા નીકળ્યા છો કહી અટકાયત કરી હતી. યુવકે તબીબે લખીને આપેલા કાગળો બતાવતાં ડી-સ્ટાફના માણસોએ કાગળો પણ ફાડી નાંખ્યા હતા. અને બળજબરી તેમને ઊંચકી લઈ ગઈ હતી. બાદ હકીકત જાણી છોડી મૂક્યા હતા. પોલીસના આ વર્તનને લીધે કલાકો પછી હોસ્પિટલમાં જેમ તેમ લોહી લઈને પહોંચ્યા ત્યાં તબીબે દર્દીનું મોત થયું હોવાનું કહી દીધું હતું. જાવેદ શેખે પોલીસની બર્બરતાને કારણે તેના કાકા સસરાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ પોલીસકર્મીઓની સામે કાર્યવાહી કરવાની સાથે ન્યાયની માંગણી કરી છે.

પોલીસ કમિશનર પાસે આવેદન આપી ન્યાયની માંગ કરી

આક્ષેપ કરનાર યુવક મોહંમદ જાવેદ શેખે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી લોહી લેવા નીકળતાની સાથે ઉન પોલીસ ચોકીની નજીક જ પોલીસ ખેંચીને રોડ ઉપર લઈ ગઈ હતી. થોડા સમય પકડી બળજબરી કરી ટી-શર્ટ પણ ફાડી નાંખી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં આજે વિડીયો વાયરલ થયો હતો. રક્તદાન કરવા આવેલા મિત્રો પણ પોલીસની દાદાગીરી જોઈ ભાગી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. મંગળવારે સવારે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરાઈ છે.

ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છેઃ એસીપી

એસીપી જે.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉન પોલીસ ચોકી ઉપર એક વ્યક્તિએ આવીને નજીકમાં મારામારી થઈ રહી હોવાનું કહ્યું હતું. જેથી પીએસઆઈ સહિતનો હાજર સ્ટાફ ચોકીથી માંડ 50 મીટર દૂર પહોંચી અને આ યુવકને લઈને આવ્યા હતા . તે બાદ તેને હોસ્પિટલના કાગળ બતાવતાં તેને ત્વરિત જવા દેવાયો હતો. પોલીસે તેને એક તમાચો પણ માર્યો નથી. છતાં આજે આ વિવાદને પગલે યુવક પાસે અરજી લઈ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top