Entertainment

કાર્તિક આર્યનની ફિલ્મની સફળતાથી અક્ષયકુમારને આંચકો લાગ્યો!

અક્ષયકુમારની ફિલ્મોની વાર્તા દર્શકોને પસંદ આવી રહી નથી કે સમજમાં આવી રહી નથી? આ સવાલ સતત 4 ફિલ્મોની નિષ્ફળતા પછી થઇ રહ્યો છે. સમીક્ષકો માને છે કે અક્ષયકુમાર એક સાથે અનેક ફિલ્મો કરી રહ્યો હોવાથી પોતાના પાત્ર કે સ્ક્રિપ્ટ પર પૂરતું ધ્યાન આપી રહ્યો નથી. એનું ખરાબ પરિણામ આવી રહ્યું છે. ફિલ્મ ‘લક્ષ્મી’ માં અક્ષયકુમારે એક હીજડાની ભૂમિકા ભજવી હતી. તેનું આ પાત્ર યોગ્ય રીતે રચવામાં આવ્યું ન હતું અને સ્ક્રિપ્ટ નબળી હોવાથી દર્શકોની પસંદ પર ખરું ઊતર્યું ન હતું. ‘બેલ બોટમ’ માં દર્શકોને કંઇ જ નવું જોવા મળ્યું ન હતું.

અક્ષયકુમારના પાત્રમાં કે વાર્તામાં કોઇ નવીનતા ન હોવાથી દર્શકો નિરાશ થયા હતા. અગાઉ અનેક વખત કોમેડી કરનાર અક્ષયકુમારનું ‘બચ્ચન પાંડે’ નું પાત્ર એવું રચવામાં આવ્યું હતું કે દર્શકને હસવાનું મન જ થતું ન હતું. છેલ્લે રજૂ થયેલી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ માં પણ પૃથ્વીરાજની આખી જીવન કથાને બદલે અમુક કિસ્સા જ હતા અને એક ઐતિહાસિક ફિલ્મ જેવો અનુભવ આપી શકી ન હતી. એટલું જ નહીં અક્ષયકુમાર પાત્રમાં ઘૂસવાને બદલે હવે ફિલ્મને પૂરી કરવાના ધ્યેય સાથે વધારે કામ કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

તે હવે ફિલ્મો સાથે કારણ વગર રાજકારણીઓને જોડી રહ્યો છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પહેલાં ફિલ્મ ‘રામસેતુ’ નું નિર્માણ શરૂ થયું ત્યારે રાજકારણીઓનો સાથ લીધો હતો. અક્ષયકુમારની છેલ્લી 4 ફિલ્મોની નિષ્ફળતામાં લોકપ્રિય સંગીતનો અભાવ હતો. તેની ફિલ્મોના ગીતો જાણીતા થતા રહ્યા છે. હવે તેની ફિલ્મોના ગીત-સંગીત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તે એક સારો ડાંસર રહ્યો છે પણ એની એ વિશેષતનો નિર્દેશકો બહુ ઉપયોગ કરી રહ્યા નથી. તેથી ઘણા સમયથી તેની ફિલ્મોનું કોઇ ગીત ચાર્ટ બસ્ટર બની શક્યું નથી. કાર્તિક આર્યનની ‘ભુલ ભુલૈયા 2’ ની સફળતાએ પણ અક્ષયકુમારને મોટો આંચકો આપ્યો છે. અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને તેની જ ‘ભુલ ભુલૈયા’ ની સીક્વલથી ઓછી કમાણી થઇ છે. કાર્તિકે પોતાના અભિનયથી અક્ષયકુમાર સિવાય ‘ભુલ ભુલૈયા’ ની સીકવલમાં કોઇ જચી નહીં શકે એવી વાતને ખોટી પાડી છે. અને હવે ફિલ્મના ત્રીજા ભાગને કાર્તિક સાથે જ બનાવવામાં આવી શકે છે. મતલબ કે આ ફ્રેન્ચાઇઝી અક્ષયકુમારના હાથમાંથી નીકળી ગઇ છે.

Most Popular

To Top