Gujarat

ગુજરાત યુનિ. હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના કેસમાં વધુ 3 સહિત કુલ 5 આરોપીની ધરપકડ

અમદાવાદમાં ગુજરાત યુનિ.ના (Gujarat University) બ્લોક – Aમાં ગઈ મોડી રાત્રે રમઝાન મહિનો હોવાથી નમાઝ પઢવાના મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો (Assault on Foreign Students) કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અંગે અમદાવાદમાં સિનિયર પોલીસ અધિકારીઓની મહત્વની બેઠક બોલાવીને જવાબદારો સામે પગલા ભરવા આદેશ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા સાત આરોપીઓની ઓળખ કરી લેવાઈ હતી. જે પૈકી બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરાયા બાદ આજે સોમવારે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ બે આરોપીઓને શોધખોળ બાબતે પોલીસ કામગીરી કરી રહી છે. આ મામલે 20 થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે અમદાવાદ સોલાના નિવાસી હિતેશ રાખુભાઈ મેવાડા અને વસ્ત્રાનગર અમદાવાના રહેવાસી ભરત દામોદરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે પોલીસે મૂળ ગાંધીધામ કચ્છના અને અમદાવાદ નારણપુરામાં રહેતા 22 વર્ષીય ક્ષિતીજ કમલેશભાઈ પાંડે, મૂળ કલોલ અને હાલ અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા 31 વર્ષીય જીતેન્દ્ર ઘનશ્યામભાઈ રામાભાઈ તેમજ મેમનગર અમદાવાદના 21 વર્ષીય સાહિલ અરૂણભાઈ દૂધતીઉઆની ધરપકડ કરી છે. પોલીસની અલગ-અલગ 9 ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં બહારની વ્યક્તિનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા લોખંડી સલામતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. નાયબ પોલીસ કમિશ્નર તરુણ દુગ્ગલે ગુજરાતમિત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના બ્લોક નં-એ માં બનેલી ઘટના એ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ અને સ્થાનિક સ્ટુડન્ટ્સ વચ્ચે બનેલી ઘટના છે. આ ઘટનામાં હોસ્ટેલની બહારથી આવેલા કોઈ તત્વો સંડોવાયેલા નથી. એવી હકીકત પ્રાથમિક તપાસમાં બહારમાં આવી છે.

આ છે મામલો
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનામાં ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં નમાઝ અદા કરી રહ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓએ નમાઝ પઢવાનો વિરોધ કર્યો હતો, બાદ બંને વિદ્યાર્થીના જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો ગરમાતા મારામારી પર વિદ્યાર્થીઓ ઉતરી આવ્યાં હતા. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બંને જુથના વિદ્યાર્થીઓની નમાજ મુદ્દે થયેલી બોલા ચાલી બાદ મામલો વધુ ગરમાયો હતો અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કેમ્પલમાં પણ તોડફોડ કરી હતી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના બ્લોક Aમાં અફધાની વિદ્યાર્થી પર હુમલો કરતી વખતે શ્રી રામના નારા લાગ્યા હતા. એક વાત તપાસમાં એવી બહાર આવી રહી છે કે જે લોકોએ વિદેશના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, તે ટોળું હોસ્ટેલની બહારનું હતું. તોડફોડ કરવા આવેલ ટોળું ક્યાંથી આવ્યું હતું? યુનિ. પોલીસ સ્ટેશનનો કયો કયો સ્ટાફ ફરજ પર હતો? હોસ્ટેલમાં ઘૂસીને તોડફોડ કરનાર તત્વો કોણ હતા? વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા માટે ગૃહમંત્રીએ આદેશ કર્યો છે. સમગ્ર ઘટનાના સંદર્ભમાં આઈબી પણ તપાસમાં જોડાઈ છે. ઘટનાના જે વીડિયો ક્લિપિંગ્સ પણ બહાર આવ્યા છે, તેમાં અફધાની વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે. આ વિદેશના વિદ્યાર્થીને માર મારવામા આવતા, મામલો બીચકયો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ સામ-સામે આવી ગયા હતા.

Most Popular

To Top