Editorial

માલ્દીવ પછી હવે બાંગ્લાદેશમાં ‘બોયકોટ ઇન્ડિયા’: ભારત માટે ચિંતાનો વિષય

આપણા થોડા દૂરના, હિંદ મહાસાગરમાંના પાડોશી દેશ માલ્દીવમાં તો લાંબા સમયથી ‘બોયકોટ ઇન્ડિયા’ એટલે કે ભારતનો બહિષ્કાર કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું હતું અને ત્યાં તો છેવટે ભારત વિરોધી સરકાર પણ સત્તારૂઢ થઇ ગઇ છે તે જ રીતે હવે આપણા એક મિત્ર પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ ‘બોયકોટ ઇન્ડિયા’ અભિયાન શરૂ થયું છે જેમાં લોકોને ભારતની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે. આને કારણે ભારત માટે મુશ્કેલી સર્જાઇ શકે છે કારણ કે બાંગ્લાદેશમાં ભારતની નોંધપાત્ર વસ્તુઓની નિકાસ થાય છે, વળી આ અભિયાન ભારતને બીજી રીતે પણ નુકસાન પહોંચાડી શકે છે. બાંગ્લાદેશમાં હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ભારત વિરોધી અભિયાન શરૂ થયું છે અને તેને નોંધપાત્ર ટેકો મળી રહ્યો હોવાનું જણાય છે. જો કે આ અભિયાનની અસરો હજી દેખાઇ રહી નથી પરંતુ જો તે વધુ ઉગ્ર બને અને તેની અસરો ભારતની નિકાસ પર પડે તો ભારતને તેનાથી નુકસાન થઇ શકે છે.

બાંગ્લાદેશમાં આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક કટ્ટરતામાં વધારો થયો છે. બાંગ્લાદેશની મોટા ભાગની પ્રજા જો કે ઉદારમતવાદી છે પરંતુ કટ્ટરવાદીઓએ પ્રજાના એક વર્ગમાં કટ્ટરવાદનું આરોપણ તો કરી જ દીધું છે. છેલ્લા કેટલાક સમયમાં બાંગ્લાદેશમાં બનેલી કેટલીક ઘટનાઓ, હિન્દુ વિરોધી તોફાનો આ વાતનો પુરાવો છે. આ કટ્ટરવાદીઓ ભારતના સખત વિરોધી છે અને તેઓ આ બોયકોટ ઇન્ડિયા અભિયાનને ખુલ્લો ટેકો આપી શકે છે. જો કે અત્યાર સુધીના પ્રવાહ પરથી લાગે છે કે આ બોયકોટ ઇન્ડિયા અભિયાન ધાર્મિકને બદલે રાજકીય પરિબળથી વધુ પ્રેરિત છે. બાંગ્લાદેશની હાલની સરકાર ભારતની સાથે ખાસ મિત્રતા રાખે છે.

પરંતુ વિપક્ષની આગેવાની હેઠળ પ્રજાનો એક નોંધપાત્ર વર્ગ આ ભારત વિરોધી અભિયાન સાથે જોડાઇ રહ્યો હોવાનું માનવામાં આવે છે. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં પણ માલ્દીવ્ઝથી પ્રેરિત થઇને જ ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનનું એક બીજુ઼ં પણ ખાસ કારણ છે. આ અભિયાનમાં બાંગ્લાદેશના વિપક્ષો ખાસ રસ લઇ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં ત્યાં એવી માન્યતાને બળ મળ્યું છે કે ભારતના ટેકાને અને મદદને કારણે જ શેખ હસીનાની અવામી લીગની સરકાર બાંગ્લાદેશમાં લાંબા સમયથી સત્તા પર ચોંટી રહી છે.

બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના એક નેતાએ તાજેતરની ચૂંટણીમાં પરાજય પછી કહ્યું કે ભારતના કારણે જ બાંગ્લાદેશની માત્ર દેખાડાની ચૂંટણીને કાયદેસરતા મળી ગઇ. એમ જાણવા મળે છે કે આ વર્ષના ૧૭ જાન્યુઆરીથી બોયકોટ ઇન્ડિયા અભિયાન શરૂ થયું હતું. કેટલાક એક્ટિવિસ્ટ ગ્રુપો અને નાના રાજકીય પક્ષોએ આની શરૂઆત કરી હતી. સોશ્લય મીડિયા પ્લેટફોર્મ્સ મારફતે દેશના લોકોને ભારતીય સામાન અને સેવાઓનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ લોકોને સ્વદેશમાં બનેલા ઉત્પાદનો ખરીદવા અને તેમને પ્રોત્સાહન આપવા હાકલ કરવામાં આવી હતી.

જો ભારત વિરોધી અભિયાનને બાંગ્લાદેશમાં વ્યાપક ટેકો મળે તો ભારતને મોટું નુકસાન થઇ શકે છે. ચીન પછી ભારત બાંગ્લાદેશનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. ભારતથી શાકભાજીઓ, તેલ, કપડા, મોબાઇલ, વાહનો વગેરે અનેક વસ્તુઓ બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતથી બાંગ્લાદેશમાં લગભગ રૂ. ૧.૧૫ લાખ કરોડનો માલસામાન નિકાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેના પછીના વર્ષે આ આંકડો વધીને રૂ. ૧.૩૨ લાખ કરોડ થઇ ગયો. વળી, બાંગ્લાદેશથી ભારત ફરવા આવતા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે, આનાથી પણ સારી એવી કમાણી થાય છે. જો બોયકોટ ઇન્ડિયા સફળ રહે તો ભારતને મોટુ નુકસાન થઇ શકે છે.

માલ્દીવ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ભારત વિરોધી અભિયન બળવત્તર બને તેમાં એક બીજું પણ મોટું ભયસ્થાન છે અને તે કે આ દેશોમાં ચીનનો પગપેસારો વધી શકે છે અને ચીન સાથે આ દેશોની નિકટતા વધે તેમાં ભારતનું અહિત થઇ શકે છે. માલ્દીવ્ઝમાં હાલમાં જે સરકાર છે તે ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ ધરાવતી સરકાર છે જ્યારે કે અગાઉની સરકાર ભારતની મિત્ર સરકાર હતી. બાંગ્લાદેશમાં હાલ તુરંત તો તખ્તાપલટની કોઇ શક્યતા જણાતી નથી પરંતુ દૂરના ભવિષ્યમાં આવુ કઇક બને તો ભારતે સાચવવું પડે. ભારતે તેના આવા કેટલાક પાડોશી દેશોની બાબતમાં સાવધાનીથી પગલા ભરવાની જરૂર છે.

Most Popular

To Top