Sports

તોફાની બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને કહ્યું- મને હજુ પણ લાગે છે કે 300 રન…

ચિત્તગોંગ: બાંગ્લાદેશ (Bangladesh) સામેની ત્રીજી વન-ડે મેચમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માના (Rohit Sharma) સ્થાને લેફ્ટ હેન્ડેડ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને (Ishan Kishan) તક મળી હતી. શિખર ધવન (ShikharDhavan) સાથે ઓપનિંગ માટે મેદાનમાં ઉતરેલા 24 વર્ષીય બેટ્સમેન ઈશાન કિશને આ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. ઈશાન કિશને મેદાનની ચારેતરફ બાંગ્લાદેશના બોલરોને ફટકાર્યા હતા. 24 ચોગ્ગા અને 10 સિક્સની મદદથી ઈશાન કિશને 132 બોલમાં 210 રન ફટકાર્યા હતા. આ સાથે જ ઈશાન કિશન બેવડી સદી (Ishan Kishan Double Century) ફટકારનાર વિશ્વનો છઠ્ઠો અને ભારતનો ચોથો બેટ્સમેન બની ગયો છે. ઈશાન કિશને સૌથી ઝડપી બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. જોકે, આટલો મોટો સ્કોર કર્યા બાદ ઈશાન કિશને જે પ્રતિક્રિયા આપી તે લાજવાબ હતી.

મેચ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ઈશાન કિશને કહ્યું, ‘વિકેટ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ હતી. મારો ઈરાદો બહુ સ્પષ્ટ હતો. જો બોલ મારા ઝોનમાં આવશે તો હું મોટા શોટ રમીશ. સિનીયર ખેલાડીઓમાં મારું નામ જોઈને મને સારું લાગે છે. તેમ છતાં, મને લાગે છે કે જો હું આઉટ ન થયો હોત તો હું 300 રન બનાવી શક્યો હોત. હું આઉટ થયો ત્યારે રમતની 15 ઓવર બાકી હતી.”

વિરાટ કોહલીની (Virat Kohli) પ્રશંસા કરતા ઈશાને કહ્યું, ‘વિરાટ ભાઈ સાથે બેટિંગ કરવાની મજા આવી. તેમને રમતની સારી સમજ છે. જ્યારે હું 90 રન પર રમી રહ્યો હતો ત્યારે હું સિક્સર સાથે સદી પૂરી કરવા માંગતો હતો, પરંતુ તેમણે મને કહ્યું કે સિંગલ વડે સદી કરવી વધુ સારું રહેશે, કારણ કે તે મારી પ્રથમ સદી હતી.’

આ દરમિયાન ઈશાન કિશને સૂર્યકુમાર યાદવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, ‘મેં સૂર્યા ભાઈ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મને કહ્યું કે જ્યારે પણ હું બેટિંગ કરવા જાઉં તો બોલ પર નજર રાખું. મેં મારી જાત પર વધારે દબાણ નથી કર્યું. માત્ર તકનો લાભ લેવા માંગતો હતો.’

તમને જણાવી દઈએ કે ચિત્તગોંગમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ટોસ જીતીને બાંગ્લાદેશે પહેલી બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જે બાંગ્લાદેશના બોલરોને ભારે પડ્યું હતું. ભારતીય ટીમે શરૂઆતની 5 ઓવરમાં ખૂબ જ ધીમી રમત બતાવી હતી, પરંતુ ત્યાર બાદ ઈશાન કિશને તોફાની બેટિંગ કરી હતી. ઈશાન કિશન અને વિરાટ કોહલી વચ્ચે 290 રનની પાર્ટનરશીપ થઈ હતી. વિરાટ કોહલીએ પણ ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ સદી ફટકારી હતી. ઈશાનની ડબલ સેન્ચુરી અને કોહલીની સદીની મદદથી ભારતે 409 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે 410 રનનો ટાર્ગેટ સોંપ્યો હતો.

Most Popular

To Top