Editorial

નોટા અંગેની એડીઆરની ભલામણ વિચારવા જેવી છે

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યોની અને સામાન્ય ચૂંટણીઓમાં ૧.૨૯ કરોડ જેટલા મત નોટાના વિકલ્પને મળ્યા હતા, એમ ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆર દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે  તે સાથે નોટા(નન ઓફ ધ એબવ એટલે કે ઉપરમાંથી  કોઇ નહીં)નો વિકલ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આમાં મતદારને ચૂંટણીમાં ઉભેલા તમામ મતદારોને નકારવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આમ તો ભારતમાં ૨૦૧૩થી ચૂંટણીઓમાં આ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે અને તેની  લોકપ્રિયતા પણ વધી રહી છે.

ભારતમાં જો કે હજી સુધી એક પણ એવો બનાવ બન્યો નથી કે જેમાં નોટાને બહુમતિ મળી હોય, પરંતુ કેટલીક ચૂંટણીઓમાં નોટાને ઘણા બધા મત મળ્યા હોય અને નોટાને મળેલા મતોની સંખ્યા વિજેતા  ઉમેદવારના માર્જીન કરતા વધી ગઇ હોય તેવું બન્યું છે ખરું. નોટાનો વિકલ્પ મતદારને તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ આપે છે અને કોઇ મતદારને પોતાના મતવિસ્તારમાંથી ઉભેલા તમામ ઉમેદવારો નકામા લાગતા હોય તો તે આ  વિકલ્પ પસંદ કરી શકે છે. તમામ ઉમેદવારોને નકારવાનો આ વિકલ્પ મતદારોને અન્ય પણ અનેક દેશોમાં આપવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયામાં  તે એમ્પ્ટી બોક્ષ તરીકે ઓળખાય છે. બેલારૂસ, સ્પેન જેવા દેશોમાં વ્હાઇટ વોટ તરીકે ઓળખાય  છે, રશિયામાં અગેઇન્સ્ટ ઓલ તરીકે ઓળખાય છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) અને નેશનલ ઇલેકશન વૉચ(એનઇડબલ્યુ)એ નોટા(નન ઓફ ધ એબવ – ઉપરમાંથી કોઇ નહીં)ના વિકલ્પને ૨૦૧૮થી ૨૦૨૨ દરમ્યાન મળેલા મતોનું વિશ્લેષણ કર્યું હતું. અહેવાલના જણાવ્યા  મુજબ, રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં સરેરાશ ૬૪પ૩૬પ૨ મતો(૬૪.૫૨ લાખ) નોટાને મળ્યા હતા. આ અહેવાલ જણાવે છે કે કુલ મળીને નોટાને ૧.૦૬ ટકા મત મળ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં નોટાને સૌથી વધુ મત બિહારની  ગોપાલગંજ બેઠક(એસસી) પર મળ્યા હતા જે ૫૧૬૬૦ હતા, જ્યારે નોટાને સૌથી ઓછા મત લક્ષદ્વીપમાં મળ્યા હતા, જે ૧૦૦ હતા. રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં નોટાને મળેલા મતોની સૌથી ઉંચી ટકાવારી ૨૦૨૦માં હતી.

જે આંકડો  ૧.૪૬ ટકા(૭૪૯૩૬૦ મતો)નો હતો, જે બે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં મળ્યા હતા જેમાં બિહારમાં (૭૦૬૨૫૨ મતો) અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં (૪૩૧૦૮ મતો) મળ્યા હતા. નોટાને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં  મળેલી સૌથી ઓછી ટકાવારી ૨૦૨૨માં હતી જે પાંચ રાજ્યો ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની હાલ છેલ્લે યોજાઇ ગયેલ ચૂંટણીઓમાં મળ્યા હતા. આ વિશ્લેષણ પરથી સમજાય છે કે જુદા જુદા સ્થળે અને જુદા જુદા સમયે  નોટાના ઉપયોગનું પ્રમાણ જુદુ જુદુ રહ્યું છે. તેમાં સ્થાનિક પ્રવાહો અને જે તે સમયના પ્રવાહો પણ અસર કરતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર પોતાના મતવિસ્તારમાંથી ઉભેલા કોઇ પણ ઉમેદવારને મત આપવા માગતો ન હોય તો તે માટે છેલ્લા કેટલાક વર્ષથી ચૂંટણી પંચે નોટાનો વિકલ્પ ઉમેર્યો છે તેમાં સુપ્રીમ કોર્ટના આદેશની પણ ભૂમિકા છે.   ઇવીએમમાં નોટાનું બટન રાખવામાં આવે છે અને મતદાર બધા જ ઉમેદવારોને નકારવા માગતો હોય તો તે નોટાનું બટન દબાવી શકે છે. પરંતુ આ નોટાના વિકલ્પનો બહુ અર્થ સરતો નથી કારણ કે જો કોઇ મતવિસ્તારમાં બહુમતિ મત  નોટાને મળે તો પણ તે બાબતને અવગણીને ઉમેદવારોમાંથી સૌથી વધુ મત જેને મળ્યા હોય તે ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી ભારતમાં જોગવાઇ છે.

હવે એડીઆર દ્વારા ભલામણ કરવામાં આવી છે કે જો કોઇ મતવિસ્તારમાં  ઉભેલા તમામ મતદારો કરતા નોટાને વધુ મત મળી જાય તો કોઇ પણ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરવામાં નહીં આવે અને ત્યાં નવેસરથી ચૂંટણી યોજવામાં આવે અને અગાઉ ઉભેલા ઉમેદવારોમાંથી કોઇને આ નવી ચૂંટણી લડવા નહીં  દેવાય. એડીઆરની આ ભલામણ વિચારવા જેવી છે ખરી. જો કે આપણે અગાઉ જોઇ ગયા તેમ ભારતમાં હજી સુધી એક પણ બનાવ બન્યો નથી કે જેમાં નોટાને બહુમતિ મળી હોય, પરંતુ જો નોટાને વિજેતા જાહેર કરવાની અને નવેસરથી  ચૂંટણી સંલગ્ન મતવિસ્તારમાં યોજવાની જોગવાઇ કરવામાં આવે તો મતદારો નોટાને જીતાડે પણ ખરા!

Most Popular

To Top