Dakshin Gujarat

જાણો આહવા તાલુકાના સૌથી સુંદર ગામ ધવલીદોડ વિશે

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ હર્યાભર્યા જંગલોના ટેકરાવાળી અને સમથલ ભૂમિ ઉપર ધબકતું ધવલીદોડ ગામ જેના નામકરણની એક લોકવાયકા વડીલો પાસેથી સાંભળવા મળે છે. આહવા તાલુકાના ધવલીદોડ ગામનું નામકરણ ‘એક આંબાના સફેદ ફળ’ પરથી પડ્યું હોવાનું વડીલોના લોકમુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ પ્રકૃતિમય વિસ્તારમાં આહવા-સુબીર રાજ્ય ધોરી માર્ગને અડીને ટેકરાળ અને સમથલ ભૂમિ પર ધવલીદોડ નામનું સૌથી મોટું ગામ આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ ધવલીદોડ ગામમાં ભગત ફળિયામાં એક આંબાનું વૃક્ષ હતું. જે આંબાના વૃક્ષ પર દર સિઝનમાં કેરી આવતી હતી. પરંતુ ધવલીદોડ ગામના આ આંબાના વૃક્ષ પર રંગ અને કદમાં અન્ય કેરીઓથી વિપરીત પ્રકારની કેરી લાગતી હતી.

વર્ષો પહેલા ધવલીદોડ ગામના આંબાના વૃક્ષ પર સફેદ રંગની ‘ધવલી’ અને દોડ એટલે કદમાં સૌથી મોટી કેરી જે અન્ય ક્યાંય જોવા ન મળતી એવી લાગતી હોવાના પગલે આ ગામનું નામ વડીલોએ ધવલીદોડ પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડાંગી બોલીમાં સફેદ રંગ એટલે ધવલ+ધવલી અને દોડ એટલે કદમાં સૌથી મોટું વિપરીત ફળ પરથી ધવલીદોડ નામકરણ થયાનું વડીલો જણાવી રહ્યા છે. લોકવાયકાના નામકરણ સાથે જોડાયેલા આંબાના ફળનો ઠળિયો ઊગી નીકળતાં આજે પણ ભગત ફળિયામાં આ આંબાનું વૃક્ષ જોવા મળે છે.

પરંતુ લોકવાયકા મુજબના હાલમાં આંબાનાં ફળ જોવા મળતાં નથી. આ ગામ આહવા-સુબિરને જોડતા ધોરી માર્ગને અડીને હોવાથી દિવસ રાત અહીં નાનાં-મોટાં વાહનોનો ધમધમાટ જોવા મળી રહે છે. ધવલીદોડ ગામને કુદરતી અણમોલ ખજાના સ્વરૂપે ચોતરફ લીલાછમ જંગલોની ભેટ અને બીજી તરફ રળિયામણા ડુંગરો તથા નદીનો પટ તેમજ ખીણની પ્રાકૃતિક દેન છે. ધવલીદોડ ગામ આહવાથી 14 કિલોમીટરના અંતરે આવેલું છે. ધવલીદોડ ગામથી લવચાલી, સુબિર, પીપલદહાડ, ખેરીન્દ્રા, કાકડવિહીર, જુન્નૈર, ચીંચવિહીર, ટાંકલીપાડા, પીપલાઈદેવી, ધુડા, પીપલઘોડી, સેન્દ્રીઆંબા ગામો તરફ જઈ શકાય છે. આ ગામ વસતીને દૃષ્ટિએ સૌથી મોટું ગામ છે. ધવલીદોડ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર કોંકણી, કુનબી, વારલી અને ભીલ જ્ઞાતિના છે.

આ ગામના 90 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 10 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર તથા તુળજા ભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ ગામમાં સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ પણ જોવા મળે છે. ગામમાં ભક્તો હનુમાનજી અને તુળજા ભવાની માતાના મંદિરે વાર તહેવારોમાં પૂજા-અર્ચના કરે છે. ધવલીદોડ ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી 9000થી વધુ છે. આ ગામમાં 700થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 700થી વધુ નાનાં-મોટાં કુટુંબો આવેલાં છે.

ગામમાં ફળિયાંની કુલ સંખ્યા-7 છે. ધવલીદોડ ગામમાં ઠાકરે ફળિયું, નીચલું ફળિયું, ઉપલું ફળિયું, લાઈન ફળિયું, લુહાર ફળિયું, અને બરડા ફળિયાનો સમાવેશ થાય છે. સાતેય ફળિયાંમાં 700થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. આ ગામના 100 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે, સાથે નજીકનાં સ્થળોએ ધંધા-રોજગાર અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની અને શિયાળુ ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ કરી રહ્યા છે. આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે.

સાક્ષરતા દર 75.99 ટકા
ધવલીદોડ ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામનો કુલ સાક્ષરતા દર 75.99 ટકા જોવા મળે છે. ગામના મોટા ભાગના પુરુષો સાક્ષર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ મધ્યમ શિક્ષìત જાણવા મળે છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 86.48 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 64.97 ટકા જેટલો મધ્યમ છે.

ધવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ધવલીદોડ, કોટબા અને ધુડા ગામનો સમાવેશ
ધવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ધવલીદોડ, કોટબા અને ધુડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લાં બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત ધવલીદોડમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી બહુમતીથી ભાજપાની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવે છે. અહીં ત્રણ ગામના સરપંચ તરીકે ભાજપા પેનલના બીજી વખત હર્ષિદાબેન રમેશભાઈ ગાંગુર્ડા ચુંટાઈ આવ્યાં છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાતી જરૂરિયાત
અહીંના ગ્રામજનોને મુખ્યમથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળે છે. આ ગામમાં આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રાથમિક સારવાર માટે દવાખાનું પણ છે. ધવલીદોડ ગામના આયુષ્યમાન ભારત દવાખાનામાં કુલ 7 સ્ટાફમાં રવીનાબેન શ્રાવણ ગાંગુર્ડા, રંજીતા પ્રકાશ ગાયકવાડ, સવિતા મહેશ ચૌધરી, રેખા મધુ મહાલે, લીલાબેન એન.કોંકણી અને અબ્દુલ વી.ફકીર નિયમિત ફરજ બજાવે છે. ધવલીદોડ ગામના આયુષ્યમાન ભારત દવાખાનામાં તાવ, શરદી, ખાંસી તથા હળવી બીમારીઓનો પ્રાથમિક ઈલાજ કરવામાં આવે છે. આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં ગાઢવી પી.એચ.સી. લાગે છે. ધવલીદોડ ગામમાં 9000થી વધુ વસતી હોવાથી અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાતી જરૂરિયાત જણાય છે. જેથી વસતીને આધારે અલાયદું પી.એચ.સી. બને તેવી લોકમાંગ ઊઠી છે.

વરસાદથી સંરક્ષણ દીવાલનું નામોનિશાન ભુંસાઈ ગયું
આ ગામ રાજ્ય ધોરી માર્ગને જોડતો હોવાથી ગામનો ડામર માર્ગ સારો જોવા મળે છે. પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદમાં ધવલીદોડ ગામના આંતરિક માર્ગની સંરક્ષણ દીવાલ ધોવાઈ જતાં તંત્રની નકરી વેઠ સામે આવવા પામી છે. ધવલીદોડ ગામના આંતરિક માર્ગમાં સંરક્ષણ દીવાલનું નામોનિશાન ભુંસાઈ જતાં હાલમાં અકસ્માતના ભય સાથે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.

ધવલીદોડ ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની બોડી
સરપંચ: – હર્ષિદાબેન રમેશભાઈ ગાંગુર્ડા
સભ્યો :- દિલીપભાઈ સોનુભાઈ ગાંગુર્ડા, દીપકભાઈ બયાજીભાઈ ઠાકરે, આશાબેન ઝુલ્યાભાઈ જાદવ, મનીષાબેન પ્રકાશભાઈ ઠાકરે, કપિલાબેન શિવાભાઈ ગાંગુર્ડા
તલાટી કમ મંત્રી :- અનીલભાઈ ગાવીત

ખેતીની જમીન વચ્ચે પિયતની ગંભીર સમસ્યા, આકાશી ખેતી પર દારોમદાર, ત્રણ મહિના સુધીમાં પાણી માટે વલખા મારવાની નોબત
ડાંગ જિલ્લામાં કુદરતે ખોબે ખોબે કુદરતી સૌંદર્ય વેર્યુ છે. પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વનબંધુઓ માટે શહેરોની માફક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ નથી. જો કે, રોજગારલક્ષી સરકારી યોજનાઓ જરૂર સાર્થક થઈ રહી છે. છતાં પણ પૂરતી નથી. વળી, ખેડૂતો પાસે ખેતીલાયક જમીન પણ વધુ ઉપલબ્ધ નથી. જે છે એ એનો આધાર પણ આકાશી ખેતી પર રહેલો છે. કારણ કે, સિંચાઈનાં પૂરતાં સાધનો ઉપલબ્ધ નથી. ઉનાળો આવતાં જ પાણીની ગંભીર તંગી સર્જાય છે.

ધવલીદોડમાં આ જ સ્થિતિ છે.
ધવલીદોડ ગામ રાજ્ય ધોરી માર્ગને અડીને 2 કિલોમીટરની ત્રિજ્યામાં પથરાયેલું ગામ હોવા છતાં આજે પણ અહીં અમુક પાયાની સુવિધાઓ ન જોવા મળતાં છેવાડેના વન બાંધવો વિકાસથી વંચિત જોવા મળે છે.સિંચાઈની દૃષ્ટિએ ગામ નજીક નદીના પટમાં નાના-મોટા ચેકડેમો અને સંગ્રહ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે, પરંતુ આ ચેકડેમોમાં ઉનાળાના માર્ચ-એપ્રિલ મહિના સુધીમાં પાણી સંગ્રહ જોવા મળે છે. બાદ એપ્રિલથી જૂનના આખર સુધીમાં આ ડેમો લીકેજ હોવાના પગલે અથવા પાણી વગર કોરાકટ બની જાય છે. જેથી ઢોરઢાંખરને ત્રણ મહિના સુધીમાં પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. આ ગામમાં ચોમાસાની અને શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે કેટલાક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વ-ખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ ઉનાળાના સમયમાં આ ગામમાં કૂવામાં તથા નજીકનાં કોતરડાં વિસ્તારના નાનકડા ચેકડેમોમાં પણ પાણીનાં સ્તર નીચાં જતાં અથવા કોરાકટ બનતાં ખેડૂતોએ માત્ર ચોમાસાની અને શિયાળાની ઋતુમાં જ મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર થઇ ગુજરાન ચલાવવું પડે છે.

માધ્યમિક શાળાએ જવા માટે યોગ્ય રસ્તાનો અભાવ
ધવલીદોડ ગામમાં સરકારી માધ્યમિક શાળા પણ છે. પરંતુ આ માધ્યમિક શાળાએ જવા માટે યોગ્ય રસ્તો પણ ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ચોમાસાની ઋતુમાં કફોડી હાલત સર્જાય છે. સરકારી માધ્યમિક શાળામાં યોગ્ય શિક્ષણના અભાવે શાળાનું ધોરણ-10નું એસએસસી બોર્ડનું રિઝલ્ટ પણ નીચું આવી રહ્યું છે.

પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં 623 બાળક અભ્યાસ કરે છે
ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1થી 8 ધોરણની શાળા આવેલી છે. ધવલીદોડ ગામે ધોરણ-1થી 8 માટે કુલ 17 ઓરડા છે, જેમાંથી હાલમાં 13 જેટલા ઓરડા કાર્યરત છે. જ્યારે 4 ઓરડા નવનિર્માણ હેઠળ છે, જેમાં 623 બાળક મફત શિક્ષણનો સરકારની યોજનાનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ધોરણ-1થી 8માં 315 કુમાર અને 308 કન્યા અભ્યાસ કરે છે. આ શાળામાં રોજેરોજ શિક્ષકો આવી બાળકોને સુલભ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ધવલીદોડ પ્રાથમિક શાળામાં કુલ 18 શિક્ષક ફરજ બજાવે છે.

શાળાના મુખ્ય શિક્ષક તરીકે સંજયભાઈ એમ.બિરારી, કેન્દ્ર શિક્ષક તરીકે રામુભાઈ એસ.ચૌધરી, શિક્ષકોમાં ફતેહસિંહ સી.પરમાર, મહેશભાઈ સી.પટેલ, શારદાબેન જી.પટેલ, દિનેશભાઇ બી.પવાર, અમિષાબેન એમ.ચાવડા, નીતાબેન કનુભાઈ પટેલ, પ્રજ્ઞાબેન એમ ચૌધરી, નયનાબેન યુ.આહિરે, મહેશભાઈ એસ.પવાર, પ્રિયંકકુમાર કે.પટેલ, નયનાબેન એસ.રાઉત, દિવ્યાબેન જગુભાઈ પટેલ, રીનાબેન ડી.ભોઈર, સંદીપભાઈ જે.પટેલ, ચેતનભાઈ પી.પટેલ, હર્ષિલભાઈ એ.પટેલ ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાનની સુવિધા નથી. આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે.

માસૂમોના જીવ સામે તંત્રની ‘રમત’: જર્જરિત આંગણવાડીની મરામત થતી નથી
ગામમાં 50થી વધુ સખીમંડળો પણ કાર્યરત છે. હાલ આ સખીમંડળો પૈસાની બચત કરી સુખદુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે. ધવલીદોડ ગામે ત્રણ આંગણવાડી કાર્યરત છે. જેમાંથી એક આંગણવાડીનું અસ્તિત્વ જ ન જોવા મળતાં આઇસીડીએસ ડાંગ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગામના બાળકોના વિકાસ માટે 3 જેટલી આંગણવાડી આવેલી છે. આ ગામમાં આંગણવાડી વર્કર તરીકે અંબાબેન અમ્રતભાઈ ગાવીત, શીલાબેન વિજયભાઈ દેશમુખ, અશ્વિનાબેન કાનુભાઈ જાદવ તથા હેલ્પર તરીકે બંગાળ કમલબેન મગનભાઈ, સુનિતા એસ.ગાંગુર્ડા તથા જાગૃતિબેન સતીષભાઈ ઠાકરે ફરજ બજાવે છે. ધવલીદોડની ત્રણેય આંગણવાડીમાં 210 જેટલાં ભૂલકાંને પાયાના શિક્ષણનું સિંચન કરવામાં આવે છે. ધવલીદોડ ગામે આંગણવાડીઓનાં મકાન સહિત ટોઇલેટની સ્થિતિ સારી નથી. ધવલીદોડ ગામમાં આંગણવાડી નં.3નું મકાન જર્જરિત બની ગયું છે. જ્યારે આંગણવાડી નં.2નું તો મકાન જ નથી. જેથી આઇસીડીએસ વિભાગના પાપે 148 નિર્દોષ બાળકનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ગ્રામજનોએ બાળકો માટે નવી આંગણવાડીના મકાન માટે આઈ.સી.ડી.એસ. શાખામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ ધ્યાન અપાતું નથી. ધવલીદોડ ગામે 2 આંગણવાડીમાં સુવિધાના નામે મીંડું છે. જેથી વહેલી તકે આ ગામમાં નવા આંગણવાડીના મકાન બનાવી આપવાની માંગ ઊભી થઈ છે.

ઉનાળાના ત્રણેક મહિના લોકોને પાણીની તંગી સર્જાય છે
ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ગામમાં 7 જેટલા કૂવા આવેલા છે. અને એક ચેકડેમ પણ છે. જ્યારે 70થી વધુ બોરની સુવિધા છે. વધુમાં ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા હેઠળ પાંચ જેટલાં ફળિયાંને આવરી લઈ ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે મોટી ટાંકીઓ પણ બનાવવામાં આવેલી છે. પરંતુ આ ટાંકીઓનું ઘર ઘર નળ કનેક્શન માત્ર ચોમાસા અને શિયાળાની ઋતુમાં લોકો માટે કામ આવે છે. ઉનાળામાં ચેકડેમ, બોર સહિત કૂવામાં પાણીના સ્ત્રોત તળિયે જતાં પાણીની બૂમરેંગો જોવા મળે છે. ધવલીદોડ ગામે ઉનાળામાં છેલ્લા ત્રણેક મહિના માટે લોકોને પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. આ ગામમાં ઉનાળામાં એપ્રિલ મહિનાથી જૂન સુધીમાં પાણીની તંગી વર્તાય છે. જેથી ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પાણીનાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ધવલીદોડ ગામે ચોમાસા અને શિયાળામાં ભરપૂર પાણી રહેતું હોવાથી ખેડૂતોએ ચોમાસુ તથા શિયાળુ પાકોની ખેતી થકી સદ્ધરતા મેળવી છે.

દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા
ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે.
અંતિમક્રિયા માટે સ્મશાનગૃહ પણ બનાવાયું છે
ધવલીદોડ ગામમાં સ્મશાનગૃહ પણ આવેલું છે. જેથી દરેક ઋતુઓમાં અંતિમક્રિયા વખતે લોકોને સરળતાવાળી સગવડ મળી રહે છે.

દીપી ઊઠે છે દરેક ઉત્સવ
ધવલીદોડ ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ગામમાં હિંદુત્વની વિચારધારા તથા હિન્દુ ધર્મને અગ્રીમતા આપવામાં આવે છે.
સમાજસેવકો અને અગ્રણીઓ
કોઈપણ ગામના વિકાસ માટે રાજકીય દુરંદેશી નજર ધરાવનારનો ફાળો અમૂલ્ય હોય છે. ત્યારે માજી સરપંચ ઉલેશભાઈ જાદવ, શાંતારામભાઈ એસ. ચૌધરી, જમશુભાઈ એસ. ચૌધરી, સોનિરાવભાઈ બાગુલનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

દરેક ફળિયાંમાં પેવર બ્લોકના માર્ગોની સુવિધા
ધવલીદોડ ગામના મોટા ભાગનાં ફળિયાંમાં પેવર બ્લોક અને સીસી માર્ગ બનાવવામાં આવેલા છે. સાથે ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયાંમાં પેવર બ્લોકના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. ધવલીદોડ ગામે તમામ ફળિયાંમાં ગટર લાઈન ન હોવાના પગલે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાના બનાવો બને છે. તથા કીચડ માર્ગ પર લથબથ બને છે.

ગરીબોના યોજનાકીય કાર્યો માટે હરહંમેશાં તત્પર છું: સરપંચ હર્ષિદાબેન ગાંગુર્ડા
ધવલીદોડ ગામની યુવાન મહિલા અગ્રણી અને સરપંચ હર્ષિદાબેન ગાંગુર્ડા છેલ્લી બે ટર્મથી સરપંચ તરીકે સુશાસન ચલાવી રહ્યાં છે. ભાજપાની બોડીમાં દબદબાભેર સરપંચ તરીકે બીજી વખત ચુંટાઈ આવેલાં હર્ષિદાબેન ગાંગુર્ડાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું. અને હાલમાં ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ગામલોકોનાં સલાહ-સૂચન મુજબ ગામમાં વિકાસના કામોની ચર્ચા કરી યોજના સફળ બનાવવા માટે તાલુકા, જિલ્લા સહિત વિભાગોમાં હું રજૂઆત કરું છું. અમારું ગામ આહવા તાલુકામાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટું ગામ હોવા છતાં અહીં શાંતિનો માહોલ જોવા મળે છે. તેઓ દ્વારા ધવલીદોડ ગામના ગરીબોને આવાસ સહિત યોજનાકીય લાભોમાં હરહંમેશાં તત્પર હોવાનું જણાવ્યું હતું. અને તેઓ ગામના હિતેચ્છુઓને સારી રીતે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે, વસતીને દૃષ્ટિએ ગામમાં એક લાઇબ્રેરી અને પી.એચ.સી. તથા પશુ દવાખાનાની તાતી જરૂરિયાત છે.

મહિલા સંચાલિત દૂધમંડળી પણ કાર્યરત
પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવાં પાલતું પ્રાણીઓનો ઉછેર કરી સાઈડ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. ધવલીદોડ ગામમાં મહિલાઓની દૂધમંડળી પણ કાર્યરત છે, જેમાં પ્રમુખ તરીકે રામદાસ દગડુ વારડે અને મંત્રી તરીકે મંજુ વસંત ચૌધરી ફરજ બજાવે છે. ધવલીદોડ ગામ મોટું હોવાથી આ ગામમાં પશુઓની સંખ્યા વધુ છે. જેથી અલાયદું પશુ દવાખાનાની માંગ ઊઠી છે.

ગરીબોના યોજનાકીય કાર્યો માટે હરહંમેશાં તત્પર છું: સરપંચ હર્ષિદાબેન ગાંગુર્ડા
ધવલીદોડ ગામની યુવાન મહિલા અગ્રણી અને સરપંચ હર્ષિદાબેન ગાંગુર્ડા છેલ્લી બે ટર્મથી સરપંચ તરીકે સુશાસન ચલાવી રહ્યાં છે. ભાજપાની બોડીમાં દબદબાભેર સરપંચ તરીકે બીજી વખત ચુંટાઈ આવેલાં હર્ષિદાબેન ગાંગુર્ડાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું. અને હાલમાં ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ગામલોકોનાં સલાહ-સૂચન મુજબ ગામમાં વિકાસના કામોની ચર્ચા કરી યોજના સફળ બનાવવા માટે તાલુકા, જિલ્લા સહિત વિભાગોમાં હું રજૂઆત કરું છું. અમારું ગામ આહવા તાલુકામાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટું ગામ હોવા છતાં અહીં શાંતિનો માહોલ જોવા મળે છે. તેઓ દ્વારા ધવલીદોડ ગામના ગરીબોને આવાસ સહિત યોજનાકીય લાભોમાં હરહંમેશાં તત્પર હોવાનું જણાવ્યું હતું. અને તેઓ ગામના હિતેચ્છુઓને સારી રીતે ઓળખે છે. તેમણે જણાવ્યું હતું કે, વસતીને દૃષ્ટિએ ગામમાં એક લાઇબ્રેરી અને પી.એચ.સી. તથા પશુ દવાખાનાની તાતી જરૂરિયાત છે.

ધવલીદોડ અને કોટબા વિસ્તારના વિકાસમાં જિલ્લા સદસ્ય ભરતભાઈ ભોયેનો પણ મુખ્ય ફાળો
ધવલીદોડ અને કોટબા વિસ્તારમાં 18 ગામની ધૂરા સંભાળતા ભરતભાઈ ભોયે હાલમાં ભાજપા પેનલમાંથી કોટબા જિલ્લા પંચાયતની સીટ પરથી દબદબાભેર ચુંટાઈ આવ્યા છે. સામાજિક આગેવાન અને લોકસેવક એવા ભરતભાઈ ભોયેની અદમ્ય સેવાભાવનાના પગલે ગરીબોમાં લોકચાહના વધુ છે. તેઓ હાલમાં સત્તાધારી પક્ષના જિલ્લા સદસ્ય હોવાથી વિકાસકીય યોજનાઓને મંજૂર કરી તેઓની જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામડાંમાં વિવિધ યોજનાઓ થકી વિકાસને વેગ આપી રહ્યા છે.

લોકસેવક રમેશભાઈ ગાંગુર્ડાની લોકચાહના છેલ્લાં 30 વર્ષથી અકબંધ
લોકસેવાની વાત હોય તો સરપંચ હર્ષિદાબેનની જેમ પતિ રમેશભાઈ પણ હંમેશાં આગળ રહે છે. સામાજિક આગેવાન રમેશભાઈ ગાંગુર્ડા છેલ્લાં 30 વર્ષથી ભાજપાના અગ્રણી અને લોકસેવક તરીકે ગામમાં સેવા આપી રહ્યા છે. તથા શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ પણ ચલાવી રહ્યા છે. સામાજિક આગેવાન રમેશભાઈ ગાંગુર્ડા દ્વારા આદિવાસી બાળકો માટે શાળા, છાત્રાલય ચલાવી શિક્ષણનું સિંચન કરવામાં આવે છે. સાથે ડાંગ જિલ્લામાં સમૂહલગ્નોત્સવ થકી ગરીબ આદિવાસી યુગલોને સહાય પણ અર્પણ કરે છે.

ધવલીદોડ ગામના સામાજિક આગેવાન રમેશભાઈ ગાંગુર્ડા દ્વારા આદિવાસી સમાજની બહેનો માટે સ્વાધાર કેન્દ્ર, નિરાધાર/અને છૂટાછેડા પામેલી ગરીબ બહેનો માટે રહેવા જમવા સાથે સગવડ પૂરી પાડી માનવતા મહેકાવાઈ રહી છે. રમેશભાઈ ગાંગુર્ડા અગાઉ ડાંગ જિલ્લા ભાજપાના મહામંત્રી સહિત યુવા મોરચાના વિવિધ પદો પર સેવા બજાવી ચૂક્યા છે. ગામમાં કોઈપણ મુશ્કેલી તથા કોઈ પણ તકરાર હોય તો તેઓ બંને પક્ષોને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપે છે. ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ લોકોનું કામ લઈને અધિકારી પાસે દોડી જતા હોવાના પગલે તેમની લોકચાહના છેલ્લાં 30 વર્ષથી અકબંધ જોવા મળે છે.

પ્રખ્યાત ભગત સ્વ.જાનુભાઈ ઠાકરેના વંશજો જડીબુટ્ટીથી કરે છે નિદાન
ધવલીદોડ ગામના પ્રખ્યાત ભગત સ્વ.જાનુભાઈ ભાયલુભાઈ ઠાકરેના વંશજોમાં સયાજીભાઈ જાનુભાઈ ઠાકરે, દલપતભાઈ રામુભાઈ ઠાકરે આજેપણ વિવિધ રોગોના નિદાન માટે જડીબુટ્ટી આપે છે. અને લોકોની અસાધ્ય બીમારીઓને મટાડે છે. હાલમાં સ્વ.જાનુભાઈ ઠાકરેના વંશજો વારસાગત ભગતોની ધૂણી ધખાવી રહ્યા છે. બીમારી જેવા પ્રસંગે લોકોને આ ભગતો જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

તલાટી અનીલભાઈ ગાવીતને કારણે વહીવટી કામગીરીમાં ગ્રામજનોને સરળતા
ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે અનીલભાઈ ગાવીત કામગીરી કરે છે. તેમના ચાર્જમાં અન્ય ગ્રુપ ગ્રામ પંચાયત પણ આવે છે. તેઓ યુવાન અને ઉત્સાહી અધિકારી હોવાથી ગ્રુપ ગ્રામ પંચાયત ધવલીદોડની નિયમિત કામગીરી કરી રહ્યા છે. તલાટીકમ મંત્રી અનિલભાઈ ગાવીત લોકો જોડે મિલનસાર સ્વભાવના હોવાથી ગ્રુપ ગ્રામ પંચાયત ધવલીદોડની કચેરીમાં ગામના લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે. અને અન્ય જગ્યાએ દોડવું પડતું નથી.

વાઘદેવની પ્રતિમા આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક
ધવલીદોડ ગામે વાઘદેવની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. અહીં વાર તહેવારે આ પ્રકૃતિના દેવી-દેવતાઓમાં વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યદેવ અને ચંદ્રદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને ગામની સમૃદ્ધિ કાયમ માટે જળવાય રહે તથા ગામ પર કોઈ આફત ન આવે એ માટે આ દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી ગ્રામજનો દ્વારા વાર-તહેવારોમાં ભોગ પણ ચઢાવવામાં આવે છે.

Most Popular

To Top