Business

‘આપ’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી

AAP કોંગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ‘AAP’ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ BJPનો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘AAP’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે? તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશને સશક્ત કોંગ્રેસની જરૂર છે કારણ કે લોકતંત્ર માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે. તેઓ AAPને હજુ BJPના વિકલ્પ તરીકે જોતા હોય એમ લાગતું નથી અથવા એવું પણ બને કે તેમને જેવો વિરોધ પક્ષ અભિપ્રેત છે એવો ‘AAP’ નહીં લાગતો હોય. કદાચ ગડકરીને કોંગ્રેસ જેવા વિરોધ પક્ષની જરૂર છે અને ‘AAP’ એવો પક્ષ નહીં લાગતો હોય.

સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ એક વાત છે અને વિચારધારાઓના વિકલ્પ બીજી વાત છે. BJP એક વિચારધારા છે અને તેના વિકલ્પની જરૂર છે. એક જમાનામાં કોંગ્રેસના વિકલ્પે ઘણા રાજકીય પક્ષો રચાયા, થોડો સમય આશા જગાવી અને આથમી ગયા. સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. સમાજવાદીઓને એમ લાગતું હતું કે કોંગ્રેસ જમણેરી છે, ભદ્ર વર્ગનું એમાં વર્ચસ છે અને વંચિતોને કોંગ્રેસમાં ન્યાય મળી શકે એમ નથી. આનાથી ઊલટું સ્વતંત્ર પક્ષના નેતાઓને લાગતું હતું કે કોંગ્રેસ ડાબેરી છે અને સમાજવાદી સમાજ રચનાને નામે વ્યક્તિકીય પુરુષાર્થને રૂંધે છે. વિકાસ માટે મોકળાશ અનિવાર્ય છે. બન્ને પક્ષના નેતાઓ એક જ સમયે કોંગ્રેસને બે અલગ ચશ્માથી જોતા હતા. એક દિવસ એવું બન્યું કે સમાજવાદી પક્ષને જ્ઞાતિવાદી રાજકારણ કરનારાઓ ભરખી ગયા અને સ્વતંત્ર પક્ષને જમીનદારો અને રાજવીઓ ભરખી ગયા.

સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષ કોંગ્રેસનો રાજકીય વિકલ્પ નહીં બની શક્યા અને વિલય પામ્યા પણ એ જ સમયે સ્થપાયેલો ભારતીય જન સંઘ (અત્યારનો ભારતીય જનતા પક્ષ) પડતા- આખડતા એક દિવસ કોંગ્રેસનો વિકલ્પ બની ગયો. વિકલ્પના આ સ્વરૂપને સમજવાની જરૂર છે. સંઘ પરિવાર એક શિસ્તબદ્ધ પરિવાર છે, તેની પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ (કેડર) છે વગેરે કારણો આપવામાં આવે છે અને એ મોટી શક્તિ પણ છે પણ એનાથી વધારે મોટું કારણ એ છે કે BJPને એક એવું ભારત અભિપ્રેત છે જે કોંગ્રેસની કલ્પનાના ભારત કરતાં અલગ છે. સંઘપરિવારે તેની કલ્પનાના ભારતનું નિર્માણ કરવા શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની કેડર તૈયાર કરી છે. તેમને માટે સત્તા સાધન છે અને સાધ્ય તેમની કલ્પનાના ભારતનું નિર્માણ છે. સમાજવાદીઓને અને સ્વતંત્ર પક્ષના નેતાઓને કોંગ્રેસની કલ્પનાના ભારત સામે કોઈ વિરોધ નહોતો. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ પોતાના પક્ષને કોંગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનાવવા માગતા હતા. કોંગ્રેસ અને અન્ય મધ્યમમાર્ગી પક્ષોની કલ્પનાનું ભારત અને સંઘપરિવારની કલ્પનાના ભારતમાં શો ફરક છે એ વિષે તો હું અનેક વાર લખી ચૂક્યો છું એટલે તેના વિષે વિસ્તારથી લખવાની જરૂર નથી. BJPને હિંદુઓની સરસાઈવાળું ભારત જોઈએ છે અને બીજાઓને ભેદભાવ રહિત સહિયારું. સુખનો રસ્તો સહિયારાપણામાં છે એ સનાતન સત્ય છે. બહુમતી રાષ્ટ્રવાદમાં કોઈનું સુખ તો નથી જ પણ એ બહુમતી કોમને વધારે નુકસાન પહોંચાડે છે. કારણ બહુ સ્પષ્ટ છે. શક્તિ જુદી વસ્તુ છે અને માથાભારેપણું જુદી વસ્તુ છે. માથાભરે લોકો મદ અને મસ્તીમાં તક ગુમાવે અને બીજા આગળ નીકળી જાય. 

જો સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ કોંગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ આપી શક્યા હોત (અને એ સમયે એની જ માત્ર જરૂર હતી) તો આજે દેશનો ઈતિહાસ જુદો હોત. એક જ દિશાના રાજકીય વિકલ્પના અભાવમાં વિપરીત દિશાના રાજકીય વિકલ્પને જગ્યા બનાવવાની તક મળી. જગતના મોટાભાગના વિકસિત લોકશાહી દેશોમાં સશક્ત રાજકીય વિકલ્પો છે અને એ એકંદરે એક જ દિશાના છે. ભારતમાં સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષની નિષ્ફળતાને કારણે વિપરીત દિશાના એટલે કે કોંગ્રેસને અને બીજા રાજકીય પક્ષોને જેવું ભારત અભિપ્રેત છે એનાથી વિપરીત ભારત જેને અભિપ્રેત છે એ લોકોને તક મળી.

આટલી પાર્શ્વભૂમિ પછી સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે દેશને અત્યારે BJPના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર ઓછી છે, દેશને ભારત અંગે સંકલ્પનાકીય વિકલ્પ આપે એવા રાષ્ટ્રીય પક્ષની વધારે જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો સહિયારા ભારતને પ્રતિબદ્ધ હોય એવા વિકલ્પની જરૂર છે. હવે AAPની વાત. ‘AAP’ની પક્ષ સ્થાપાયો એ પહેલાંની અને એ પછીની અત્યાર સુધીની યાત્રા ઉપર નજર નાખશો તો ખાતરી થતી નથી કે તેને BJPની કલ્પનાના ભારત સામે કોઈ વાંધો હોય. એક સમયે સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને જેમ કોંગ્રેસની કલ્પનાના ભારત સામે વાંધો નહોતો અને તેઓ કોંગ્રેસનો કેવળ સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગતા હતા એ જ રીતે એમ લાગે છે કે AAPને BJPની કલ્પનાના ભારત સામે વાંધો નથી.  એ કેવળ BJPનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગે છે.

 AAPએ ક્યારેય સહિયારા-સેક્યુલર ભારત અંગે સ્પષ્ટ ભૂમિકા લીધી નથી. જે લોકો પક્ષની અંદર ભારતની સંકલ્પના વિષે પ્રશ્ન ઉઠાવે છે તેને અરવિંદ કેજરીવાલ સિફતથી દૂર કરી દે છે. દેશને BJPના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર નથી, સહિયારા ભારત અંગેની  સંકલ્પનાત્મક ભૂમિકાએ દેશને લઈ જનારા રાજકીય પક્ષની જરૂર છે અને એ પણ રાષ્ટ્રીય સ્તરે. આ દેશની મૂળભૂત જરૂરિયાત છે જેમાં સત્તા અને સત્તાકીય વિકલ્પ ગૌણ છે. AAPને જો હિંદુ ભારત સામે વાંધો ન હોય અને જો સહિયારા ભારત માટે પ્રતિબદ્ધ ન હોય તો એ પક્ષ માત્ર સત્તાપરિવર્તનો માટે ઉપયોગી નીવડશે. સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને એ સમયે જો સફળતા મળી હોત તો જેમ સહિયારા ભારતને લાભ થયો હોત અને હિંદુ ભારતનો માર્ગ અવરોધાયો હોત એમ જ અત્યારે જો ‘AAP’ને સફળતા મળે તો હિંદુ ભારતને લાભ થશે અને સહિયારા ભારતનો માર્ગ અવરોધાશે માટે સહિયારા ભારતને પ્રતિબદ્ધ ભારતીય નાગરિકોએ ‘AAP’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. સમરકંદ બોખારા ઓવારી જવાની જરૂર નથી.

 એ કદાચ સંઘપરિવારની આયોજનપૂર્વકની ‘B’ ટીમ પણ હોય. ‘A’ ટીમ પણ તેમની અને ‘B’ ટીમ પણ તેમની. તમે એક વાત તો નોંધી જ હશે કે નરેન્દ્ર મોદી અને સઘળો સંઘપરિવાર જેટલી ટીકા નિર્બળ બની રહેલા રાહુલ ગાંધીની કરે છે એટલી સબળ બની રહેલા અરવિંદ કેજરીવાલની નથી કરતા. આપણી પોતાની ‘A’ અને ‘B’ ટીમ ભલે વારાફરતી રમ્યા કરે, પણ બિલકુલ વિરુદ્ધ દિશાની ‘C’ ટીમ ન ઘૂસવી જોઈએ. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓએ આપસ-આપસમાં લડીને અને બિલકુલ વિરુદ્ધ દિશાની ‘C’ ટીમ માટે રસ્તો કરી આપવાની ભૂલ કરી હતી. એ ભૂલ ન થાય તેની યોજનાના ભાગરૂપે ‘AAP’ને એક સમવિચારી વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવતો હોય તો આશ્ચર્ય નહીં.

Most Popular

To Top