Dakshin Gujarat

તેમની આધુનિક ખેતી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે છે: નર્સરી પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બન્યા

વાલિયા: પ્રગતિશીલ ખેડૂતો (farmer) પોતાની કોઠાસૂઝ તથા વૈજ્ઞાનિક (scientific) અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. તેમની આધુનિક ખેતી અન્ય ખેડૂતોને પ્રેરણા (inspiration) પૂરી પાડે છે. વાલિયા તાલુકાના ભરાડિયા ગામના ખેડૂત જયેશભાઇ નાથુભાઇ પટેલ અને તુષારભાઇ નાથુભાઇ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત ખેતી અને નર્સરી (nursery) પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર (Self-reliant) બન્યા છે.

વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ પટેલ છેલ્લાં 14 વર્ષથી ભરાડીયા ગામે 60 એકર જમીનમાં ખેતી અને નર્સરી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ જારવી નર્સરી અને જારવી સિડ્સ પ્રા.લિ. નામથી કંપની ચલાવે છે, જેમાં દેશભરના 7 રાજ્યના 15 હજારથી વધુ ખેડૂત ગ્રુપમાં સંકળાયેલા છે. જયેશભાઇનાં પત્ની હીનાબેન પતિને ઉત્સાહભેર સાથ સહકાર આપી રહ્યાં છે નર્સરી પ્રવૃત્તિ થકી તેઓ આજુબાજુનાં ગામોના 400થી પણ વધારે મહિલા અને પુરુષોને રોજીરોટી પૂરી પાડી રહ્યાં છે. જયેશભાઇ વેજિટેબલ ગ્રાફ્ટિંગ ટેક્નિક દ્વારા કોળાના રૂટ સ્ટોક ઉપર તરબૂચના રોપણ કરી તરબૂચના ગ્રાફ્ટેડ રોપાઓ પ્લગ ટ્રેમાં તૈયાર કરે છે. આ કળાના કારણે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમને રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મળી ચૂક્યો છે. બજારમાં માંગ હોય તેવા શાકભાજીના રોપાઓ પ્લગ ટ્રેમાં ઉછેરી વેચાણ કરી રહ્યા છે.

ખેડૂતોને પોતાની પસંદગીના બિયારણ મળી રહે એ માટે ટામેટાં, મરચી, રીંગણી, ફ્લાવર વગેરેનું ધરૂ પણ તૈયાર કરી આપે છે. આ માટે ખાસ ઓટોમેટિક ટ્રે ફિલર એન્ડ સિડિંગ યુનિટ જેવા અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. લાલ, સફેદ અને પીળા એમ ત્રણ કલરના કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની વિવિધ જાતોની ખેતી છેલ્લાં પાંચ વર્ષથી કરે છે. એનએચબી ડ્રેગન ફ્રૂટમાં નોંધણી કરાવનાર નર્સરી દેશમાં સૌ પ્રથમ છે. જે સિડલિંગ મશીનરીથી ભરપૂર હાઇટેક નર્સરી છે. જયેશભાઇ દેશના વિવિધ વિસ્તારોમાં થતા અને ગુજરાતમાં દુર્લભ હોય એવા પી-નટ બટર ફ્રૂટ, લોંગાન, લિચી, ફિંગર લેમન, એવોકાડો જેવાં વૃક્ષોનો ઉછેર કરે છે. પપૈયાના રોપા તૈયાર કરી ભારતભરમાં વેચાણ કરી રહ્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક મુખ્ય છે. જમરૂખના રોપા તેમજ કલમો ઉછેરી વેચાણ કરે છે. જમરૂખની જારવી રેડ નામે વેરાયટી પણ રજિસ્ટર કરાવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની વિવિધ જાતોની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે. તેના કટિંગથી રોપા ઉછેરીને વેચાણ પણ કરે છે. જામફળ, કેરી તથા અન્ય ફળોની વિદેશમાં નિકાસ પણ કરે છે. તેમણે તરબૂચ, ટેટી, રીંગણ, જેવા છોડમાં કલમ વેજિટેબલ ગ્રાફ્ટિંગ કરી પણ સ્વકુશળતાનો પરચો આપ્યો છે.

તાજેતરમાં જ ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, નાયબ બાગાયત નિયામક જે.એચ.પારેખ, નાયબ ખેતી નિયામક (આત્મા પ્રોજેક્ટ) પી.એસ.રાંકે વાલિયા તાલુકાના ભરાડિયા ગામની જારવી નર્સરીની મુલાકાત લીધી હતી. ત્યાંની ખેતી અને નર્સરી અને તેમની મહેનત જોઇ પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અને તેમના પરિવારને બિરદાવ્યા હતા. આ મુલાકાત વેળાએ જયેશભાઇનાં પત્ની હિનાબેને ખેતી અને નર્સરીની પ્રવૃતિથી સૌને વાકેફ કર્યા હતા.

Most Popular

To Top