Columns

સ્વાર્થની કહાની

રાજીવ-રોમા અને શીના-સોહેલ પાડોશી હતા અને સારા મિત્રો પણ બની ગયા હતા. આજના મોર્ડન જમાનામાં ઈન્ટરનેટ વગર તો ચાલે જ નહિ અને રાજીવ અને રોમાને ત્યાં અનલિમિટેડ વાઈફાઈ કનેક્શન હતું.એક દિવસ શીનાએ વાત વાતમાં કહ્યું, ‘અમારું નેટ નથી ચાલતું,રોમાં તમારા વાઈફાઈ કનેકશનનો પાસવર્ડ આપને.’ રોમાએ મિત્રભાવે તરત પાસવર્ડ આપી દીધો.તે દિવસથી સીમા અને સોહેલ;પાડોશી મિત્રનું જ વાઈફાઈ વાપરવા લાગ્યા.અને રોમાં અને રાજીવને તેમાં કઈ ખોટું લાગતું ન હતું કારણ કે તેઓ મિત્ર હતા અને તેઓ જે પણ ડેટા વાપરે તેનો કોઈ વધારાનો ખર્ચ થતો ન હતો.

થોડા દિવસ પછી રાજીવ લિફ્ટમાંથી બહાર આવ્યો અને પેસેજમાં જ સોહેલ મળ્યો.સોહેલ અને શીના બહાર જઈ રહ્યા હતા.સોહેલ લિફ્ટ બોલાવવા બહાર આવ્યો અને ફલેટનો દરવાજો ખુલ્લો હતો શીના અંદર હતી.સોહેલે ખુશીથી રાજીવને જણાવ્યું કે મેં હમણાજ નેટફ્લીક્સની મેમ્બરશીપ લીધી. રાજીવ હસ્યો અને મજાકમાં ને મજાકમાં કહ્યું, ‘દોસ્ત મને પણ તારું લોગ ઇન આઈ ડી અને પાસવર્ડ આપજેને મને બહુ ટાઈમ તો નથી મળતો પણ રાત્રે ટાઈમ હશે તો હું પણ કોઈ શો જોઈ શકું.’

સોહેલે આ વાત સાંભળી અને તેને કહ્યું, ‘હા ચોક્કસ.’આ વાત શીનાએ પણ સાંભળી અને તરત અંદરથી બોલી, ‘મેમ્બરશીપના પૈસા મેં ભર્યા છે અને મારે તે બીજા કોઈની સાથે તે વહેંચવી નથી.સોહેલ તું પાસવર્ડ આપતો નહિ.’ શીનાનું વાક્ય સાંભળી સોહેલ શરમનો માર્યો ચુપ થઈ ગયો અને માત્ર સામે ઉભેલા રાજીવને સોરી કહી શક્યો.રાજીવ કઈ વાંધો નહિ કહી પોતાના ફ્લેટ તરફ ચાલ્યો ગયો.તેનું મન ખાટુ થઇ ગયું.તેણે ચા પીતાં પીતાં રોમાને વાત કરી.રોમા બોલી ઉઠી, ‘અરે, જ્યારથી પાસવર્ડ લીધો છે ત્યારથી આપણું જ વાઈફાઈ તેઓ વાપરે છે અને તમને આવો જવાબ આપ્યો.’

રાજીવ હસ્યો. બીજા દિવસે સામેના ફ્લેટમાં શીના પરેશાન દેખાય ઘડી ઘડી બારી ખોલતી,ગેલેરીમાં જતી,ફોનમાં કઇંક ચેક કરતી.સાંજે સોહેલ અને શીના,રાજીવના ઘરે આવ્યા અને સોહેલે કોઈ શરમ વિના પૂછ્યું, ‘દોસ્ત તારા વાઈફાઈ પાસવર્ડમાં કૈંક તકલીફ છે.અમારે ત્યાં કનેક્શન આવતું નથી.’રાજીવ ઉભો થયો અને બોલ્યો, ‘વાઈફાઈ પાસવર્ડમાં તકલીફ નથી.આપણા સંબંધોમાં તકલીફ છે. મેં પાસવર્ડ બદલી નાખ્યો છે અને મારી જાતને પણ શીખવાડી રહ્યો છું કે બધાને આંખમીંચીને પોતાના ન ગણવા’.’સોહેલને શરમ આવી અને સ્વાર્થી શીનાને ગુસ્સો આવ્યો,બંને ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રસંગ સ્વાર્થની મોર્ડન કહાની છે પણ સમજાવે છે કે દરેક સાચો સબંધ બને પક્ષે હોવો જોઈએ. મિત્રતા, લાગણી, પ્રેમ બંને પક્ષે બરાબર હોવા જોઈએ.આજના જમાનામાં જે મેળવો તે સામે આપો અને એકપક્ષી સબંધમાં ક્યારેય ખુશી મળતી નથી અને તે લાંબો ટકતો પણ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top