Madhya Gujarat

સાપલા ગામના ગૌચરમાંથી માટી ઉપાડી વેચવાનું કૌભાંડ

નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને બિલોદરાના બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી વેચી દેવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિકોએ કલેક્ટરને રજુઆત કરી છે. સુજલામ-સુફલામ યોજના હેઠળ હાલ, રાજ્યભરમાં તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મહુધા તાલુકાના સાપલા ગામમાં તળાવો ઉંડા કરવાને બદલે ગૌચર જમીનમાં ખોદકામ કરી, માટી વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.

માટી ચોરીના આ કૌભાંડ મામલે સાપલા ગામના લક્ષ્મણભાઈ ભોજાણી સહિતના જાગૃત નાગરિકો અને તેમના સાગરિતોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મહુધા તાલુકાના સાપલા ગામમાં ત્રણ તળાવો ઉંડા કરવાની સરકારમાંથી મંજુરી આપવામાં આવી હતી. જોકે, ગામના સરપંચ ગૌતમભાઈ અમરસિંહ ચૌહાણ અને તલાટી કમ મંત્રીએ પોતાના આર્થિક ફાયદા માટે ઠરાવ કર્યા વગર ગામના ત્રણ તળાવોમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ નડિયાદ તાલુકાના બિલોદરામાં રહેતાં મનુ ભરવાડ અને કરણ ભરવાડને આપ્યો હતો.

જે બાદ સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરોએ ભેગા મળી તળાવ ઉંડા કરવાનો બદલે નજીકની ગૌચર જમીનમાં ખોદકામ કરી, લાખો રૂપિયાની માટી વેચી મસમોટું કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડ બાબતે મામલતદાર, ટી.ડી.ઓ તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવાછતાં, ભુમાફિયાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ મામલાની ત્વરિત અને સચોટ તપાસ કરવામાં આવે તો, ઘણું મોટુ કૌભાંડ પકડી શકાય તેમ છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરી, કૌભાંડી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

ઉપવાસ પર બેસવાની ગ્રામજનોની ચિમકી
મહુધા તાલુકાના સાપલા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગામમાં આવેલ ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી લાખો રૂપિયાની માટીની ચોરી કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની અંગે જાગૃત નાગરિકોએ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. તેમછતાં માટીનું ખોદકામ ચાલું હોવાથી, રોષે ભરાયેલાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી માટી ચોરીનું કૌભાંડ આચરનાર સરપંચ, તલાટીકમ મંત્રી અને બંને સરપંચો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો તેમની સામે ૧૦ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો, કલેક્ટર કચેરી બહાર ગ્રામજનો દ્વારા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

અરજદાર અને તેના સમર્થકોને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી
સાપલા ગામમાં સરપંચ અને તેના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતાં માટી ચોરીના કૌભાંડ મામલે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવી, ઉચ્ચ કક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો છે. જેથી રોષે ભરાયેલાં સરપંચ ગૌતમભાઈ ચૌહાણે અરજદાર અને તેના સમર્થકોને બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરો મનુ ભરવાડ અને કરણ ભરવાડે જે.સી.બી મશીન ચઢાવી દઈ, મારી નાંખવાની ધમકીઓ આપતાં ગામમાં ડરનો માહોલ ફેલાયો છે.

Most Popular

To Top