Charchapatra

ખૂબ લડી મર્દાની વો તો હિન્દુસ્તાન કી નારી

હાલ ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે તો ચાલો, એવી સમરાંગિણીઓને પણ યાદ કરી લઇએ કે જેમણે આઝાદ ભારત માટે શહીદી વહોરી હતી. આસામમાં જન્મેલી કનકલતા બરુઆ નામની મહિલા અનાથ આશ્રમમાં ઉછરી રહી હતી. આઝાદીની ઉગ્ર લડતનો સમય હતો. તેણે નાની ઉંમરમાં જ જંગમાં ઝંપલાવ્યું ને મૃત્યુ વાહિની નામની સંસ્થામાં જોડાઇ. 20મી સપ્ટેમ્બર 1942ના રોજ કનકલતા હાથમાં ત્રિરંગા સાથે 500 ગ્રામવાસીઓને સાથી રાખી કોઇ પણ પ્રકારની હિંસા નહીં થાય એની કાળજી લઇ અહિંસક લડત ઉપાડી.

વંદે માતરમના નારા સાથે સરઘસ આગળ વધી રહ્યું હતું ત્યારે અચાનક પોલીસે હલ્લો બોલાવી ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ગોળીબારમાં કનકલતા શહીદ થઇ. તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. પ્રીતિલતા વાદેદાર નામની એક ક્રાંતિકારી મહિલા હતી. બંગાળના ચંદ્રગાંવમાં એક ગરીબ પરિવારમાં જન્મેલી આ યોધ્ધા બીજી ક્રાંતિકારી મહિલાઓની સાથે એક સૂર્યસેન નામના સ્વાતંત્ર્યસેનાનીનો સાથ લઇ પહરતાલી નામના ગામમાં યુરોપિયન કલબ નામની અંગ્રેજ સરકારની ચોકી પર હુમલો કરવાનો પ્લાન બનાવી 24મી સપ્ટેમ્બર 1932ની મધ્ય રાત્રીએ તેમણે આ ચોકી પર જોરદાર હલ્લો બોલાવ્યો. તે સમયે સામસામા ગોળીબારમાં ગોળી વાગતાં પ્રીતિલતા ઘાયલ અવસ્થામાં જ પોલીસ ધરપકડ કરે એ પહેલાં ઘસડાતાં ઘસડાતાં ભાગી છૂટી.

પરંતુ પોલીસે પીછો કરતા પોટેશિયમ સાઇનાઇડ ખાઇને આત્મહત્યા કરી લીધી.પણ શરણાગતિ ન જ સ્વીકારી. મૃત્યુ સમયે તેની ઉંમર ફકત 21 વર્ષની જ હતી. કેપ્ટન લક્ષમીસ હગલ નામની મહિલા સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજની એક મહત્ત્વપૂર્ણ અધિકારી હતી. મેડિકલનું શિક્ષણ પૂરું કરી બીજા વિશ્વયુધ્ધના સમયે તે ઘાયલ સૈનિકોની સેવામાં જોડાઇ હતી. જેનાથી પ્રેરાઇને સુભાષચંદ્ર બોઝે રાની ઓફ ઝાંસી રેજિમેંટ નામની મહિલાઓનું એક સંગઠન બનાવ્યું. તેમાં કમાંડર કેપ્ટન તરીકે લક્ષ્મી સહગલની નિમણૂક કરી. પણ આઝાદ હિન્દ ફૌજની હાર થયા બાદ જ માર્ચ 1946માં તેની ધરપકડ કરી. કારાવાસમાં લઇ જવામાં આવી. પણ અંત સુધી તેમણે શરણાગતિ સ્વીકારી ન હતી. આવી તો અનેકાનેક સ્વાતંત્ર્ય લડતમાં શહીદી વહોરી લીધી છે. આ પ્રજાસત્તાક દિવસે આપણે તેમને વંદન કરીએ.
સુરત              – રેખા એમ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top