Editorial

આ રક્ષાબંધને બહેનને સરકારી યોજનાની ગિફ્ટ પણ આપી શકાય

આ શ્રાવણ મહિનાની પૂનમ બે દિવસ રહેશે. પંચાંગ ભેદને કારણે કેટલાંક લોકો 11 ઓગસ્ટે તો થોડાંક લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ ઉજવશે. રક્ષાબંધન ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. બહેન ભાઈના કાંડા પર રક્ષારૂપી સૂત્ર બાંધશે તો ભાઈ પોતાની બહેનને યથા શક્તિ ભેંટ આપશે. પણ દર વખતે વસ્તુ રૂપી ભેટ આપવી તેના કરતાં ભાઈ બહેનને કાંઈક કાયમી રૂપે મદદગાર નીવડી શકે તેવી ભેટ જેમકે મહિલાઓ માટેની સરકારી યોજના સંદર્ભની ભેટ પણ આપી શકે છે. ખાસ કરીને બહેન આર્થિક રૂપે સશક્ત ના હોય ત્યારે ભાઈ બહેનને આવી સરકારી યોજનાઓની ભેટ આપી શકે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીયે યોજનાઓ માત્ર મહિલાઓ માટેની છે.

મોદી સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં પગલાં લીધા છે. જેનો લાભ દેશની મહિલાઓને મળી જ રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી છે. દરેક ભાઈ ઇચ્છતો જ હોય છે કે તેની બહેન પણ કોઈની નિરાશ્રિત ના રહેતાં સ્વાવલંબી બને. બહેન જો વિધવા હોય તો વિધવા સહાય યોજનાનો લાભ બહેનને મળતો થાય તે માટેના તમામ પ્રયત્નો ભાઈ કરે અને બહેનને વિધવા સહાયરૂપી યોજના રક્ષાબંધનના સમયથી જ મળતી થાય તે થી રૂડો અવસર કયો હોઈ શકે. જો બહેન સિલાઈમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હોય તો ફ્રી સિલાઈ મશીન યોજના, બહેનની દીકરી મારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળતો થાય તે દિશામાં પ્રયત્ન કરી શકે છે. આ યોજના 10 વર્ષથી નાની બાળકીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વિષયક એટલે કે છોકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટેની બચત યોજના છે.

મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજનામાં મહિલાઓ સ્વરોજગાર સ્થાપિત કરી શકે છે. તેમાં એક લાખ રૂપિયા સુધીની રકમ વ્યાજ મુક્ત મળે છે. આવી અન્ય યોજનાઓ પણ છે જે આજે મહિલાઓની આર્થિક ઉન્નતિ માટેની છે. ભાઈઓએ રક્ષાબંધન પર આવી ભેટ આપવાનો ચીલો પણ પાડવો જોઈએ. બહેનને વસ્તુ રૂપી કે ભેટમાં રૂપિયા આપશો તો તે કેટલાં સમય સુધી બહેનને કામ માં આવશે તે વિચારો. આજે સમય બદલાતો જાય છે આજે લોકો આર્થિક ઉન્નતિ માટે સતત મહેનત કરે છે. આવી સરકારી યોજનાઓની ભેટ બહેનને આપી તેની સરકારી ઓફિસોના ધક્કા ખાવાની મહેનત પણ બચશે. આ તો એક વિચાર છે કે ભાઈ બહેનને રક્ષાબંધનમાં કાંઈક અનોખી ભેટ તરીકે આ યોજનાઓ સબંધિત ભેટ આપી શકે છે. અને જમાનો પણ કાંઈક હટકે કરવાનો છે એટલે આ એક વિચાર ભાઈઓ માટે મુક્યો છે. બાકી દરેક ભાઈ બહેનને શું ભેટ આપવી તે વિચારવા માટે સ્વતંત્ર છે જ.

Most Popular

To Top