Comments

યુક્રેનમાં રશિયાએ કર્યું એવું તાઇવાનમાં ચીન કરી શકે?

યુક્રેનમાં રશિયાના આક્રમણે વિશ્વને હચમચાવી દીધું છે તેવામાં અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો. શું તાઇવાન આગામી યુક્રેન બની શકે છે? ચીન વિષે અભ્યાસ કરતાં અમેરિકી અધિકારીઓ માને છે કે બેઇજિંગના નેતાઓ યુક્રેન-યુદ્ધ તેમજ રશિયા અને યુક્રેનની વ્યૂહરચનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તાજેતરમાં જુલાઈમાં, બિલ બર્ન્સ, C.I.A. ડિરેક્ટરે જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાને જે મુશ્કેલીઓ આવી છે તેનાથી ચીન કદાચ અચંબામાં પડી ગયું હશે અને આ પરથી ચીનનું તારણ અત્યારે એવું હોઈ શકે છે કે જો તેણે તાઈવાન પર આક્રમણ કરવું હોય તો પહેલાં વિશાળ સૈન્ય બળ જોઈશે એટલે કે તેણે પોતાની લશ્કરી ક્ષમતાઓને સુધારવી પડશે. ચીન પોતાના સૈન્ય, ખાસ કરીને નૌકાદળ અને હવાઈ દળને આધુનિક બનાવવા માંગે છે, અને જો આમ કરવું હોય તો એમાં થોડો સમય લાગશે. જો કે આ એક મોટો ‘જો અને તો’નો સવાલ છે. કોઈ નથી જાણતું કે ચીન તાઈવાનને બળજબરીથી લેવાનો કોઈ ઈરાદો રાખે છે કે કેમ.

અન્ય અમેરિકન વિશ્લેષકો એમ પણ માને કે કદાચ ચીન તાઈવાન મુદ્દે મોડું કરવાને બદલે વહેલાં પગલાં લેવાનું વિચારશે. કદાચ ચીન એવું વિચારે કે અત્યારે તાઈવાન આગામી વર્ષોમાં હોઈ શકે તેના કરતાં ઓછાં શસ્ત્રો ધરાવે છે અને યુએસ સૈન્ય હજુ એશિયા-પેસિફિક ક્ષેત્ર તરફ અને તાઈવાનના બચાવ માટે સંપૂર્ણપણે સજ્જ નથી એવામાં ચીન આ તકનો લાભ લેવાનું વિચારી શકે છે. તાજેતરનાં વર્ષોમાં ચીને તાઈવાન વિરુદ્ધ સતત લડાયક પગલાં લીધાં છે. તાઇવાનની સામુદ્રધુનીના બફર ઝોન પર ચીનના ફાઇટર જેટ ઉડાન ભરતાં રહે છે.

તાઇવાનને માન્યતા આપતા દેશો પર ચીન દ્વારા દબાણ કરવામાં આવે છે.
યુક્રેન અને તાઇવાન વચ્ચે કેટલીક સમાનતાઓ જોઈએ તો બંનેના પડોશમાં મહાસત્તાઓ છે. પુતિન લાંબા સમયથી યુક્રેનને મોસ્કોના શાસન હેઠળ જોવા માંગતા હતા. એ જ રીતે ૧૯૪૯ થી ચીન તાઈવાનને પોતાના શાસન હેઠળ જોવા માંગે છે. રશિયા અને ચીન બંને પાસે ઘણું મોટું સૈન્ય છે. બંને પરમાણુ શક્તિઓ છે. યુક્રેન કે તાઇવાન બેમાંથી એક પણ અમેરિકાના સંપૂર્ણ સંધિ સાથી નથી. અમેરિકા પોતાના સૈન્ય સાથે તેમનો બચાવ કરવા માટે બંધાયેલા નથી. બંને દેશો અમેરિકી ભાગીદાર છે. તાઇવાન અમેરિકી પ્રતિબંધો અને શસ્ત્રો સાથે યુક્રેનને સમર્થન આપી રહ્યું છે.

જો કે લશ્કરી રીતે મોટો તફાવત એ છે કે યુક્રેન પર રશિયાનું આક્રમણ જમીની આક્રમણ છે. રશિયા તેનાં ભૂમિ દળોને તૈનાત કરવામાં સક્ષમ હતું. તાઈવાનમાં જો ચીનીઓએ આક્રમણ કરવું હોય તો મુખ્યત્વે હવાઈ સમર્થન સાથે દરિયાઈ આક્રમણ કરવું પડે અને તે ખેંચવું ખૂબ જ જટિલ હશે. આવું યુદ્ધ ઘણું આયોજન, સંસાધનો અને તાલીમ માંગી લે છે. બીજી બાજુ તાઇવાન ટાપુ હોવાથી અમેરિકા અને તેના સાથીઓ માટે જેમ યુક્રેનને પોલેન્ડની સરહદથી શસ્ત્રો પૂરાં પાડવામાં આવે છે તે રીતે તાઇવાનને સપ્લાય કરવું મુશ્કેલ બનશે.

જો તાઈવાનને લઈને સંઘર્ષ ફાટી નીકળશે તો આર્થિક રીતે ઘણું વધારે જોખમ હશે કારણ કે વિશ્વના અર્થતંત્રમાં ચીનનું સ્થાન રશિયા કરતાં ઘણું વધારે છે. તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તે અમેરિકા સહિત વિશ્વભરના દેશો સાથે આર્થિક રીતે ખૂબ જ મોટા સંબંધો ધરાવે છે. ચીન તાઇવાન સામે કંઈક કરવાનો પ્રયાસ કરે અને અમેરિકા તેના વિરુદ્ધ પ્રતિબંધનું ગઠબંધન રચે તો ચીનની વૃદ્ધિ અને વિકાસને ઘણું મોટું નુકસાન થશે. તાઇવાન પોતે પણ વૈશ્વિક અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે. તે સેમિકન્ડક્ટર્સનું મોટું ઉત્પાદક છે. તે જોતાં તાઇવાનનો સંઘર્ષ વિશ્વના અર્થતંત્રમાં ખૂબ મોટો વિક્ષેપ પાડે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top