Trending

એક વર્ષની બાળકીનું મગજ ગર્ભની જેમ ફૂલવા લાગ્યું, સિટીસ્કેન કર્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી

નવી દિલ્હી: મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જે સમગ્ર મેડિકલ જગતને ચોંકાવી દેનારો છે. વાસ્તવમાં આ મામલો ચીનનો છે. અહીં ડોક્ટરોએ એક વર્ષની બાળકીના મગજમાંથી ભ્રૂણ બહાર કાઢ્યું છે. ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

આ બાળકીનો જન્મ એક વર્ષ પહેલા થયો હતો, જન્મથી જ બાળકીના માથાની સાઈઝ સતત વધવા લાગી હતી. આવી સ્થિતિમાં બાળકીના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું. તપાસ બાદ ડોકટરોને જાણવા મળ્યું કે બાળકીના મગજની અંદર ગર્ભ છે.

ડૉક્ટરોએ જણાવ્યું કે આ અજાત ભ્રૂણ બાળકના મગજમાં 4 ઈંચ જેટલો મોટો થઈ ગયો હતો અને તેની કમર, હાડકાં અને આંગળીના નખ પણ વિકસિત થઈ રહ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારથી જ આ અજાત ભ્રૂણનો વિકાસ બાળકના મગજની અંદર થઈ રહ્યો હતો. બાળકીના મગજમાંથી કાઢવામાં આવેલા આ ગર્ભના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું કે આ ગર્ભ આ બાળકીનો જુડવા છે. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને ગર્ભમાં ગર્ભ કહેવાય છે. આ સ્થિતિમાં, માતાના ગર્ભાશયમાં ઉગતા બે ભ્રૂણમાંથી, એક ગર્ભ બીજા ગર્ભની અંદર વિકાસ કરવાનું શરૂ કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે બે ભ્રૂણ યોગ્ય રીતે અલગ થતા નથી.

અત્યાર સુધીમાં, મેડિકલ હિસ્ટ્રીમાં ગર્ભમાં ભ્રૂણના લગભગ 200 કેસ નોંધાયા છે. તેમાંથી મગજની અંદર ગર્ભના વિકાસના માત્ર 18 કેસ નોંધાયા છે. ઘણા કિસ્સાઓમાં, ગર્ભમાં ગર્ભ પેટ, આંતરડા, મોં અને અંડકોશમાં પણ જોવા મળે છે. આ સિવાય ડોક્ટરોએ એ પણ જણાવ્યું કે છોકરીને હાઈડ્રોસેફાલસ નામની સમસ્યા હતી. આ એવી સ્થિતિ છે જેમાં મગજમાં પ્રવાહી એકઠું થવા લાગે છે. વધારે પાણી જમા થવાને કારણે તે મગજને અસર કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે બાળકો અને વૃદ્ધોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

Most Popular

To Top