SURAT

કોની પર વિશ્વાસ કરવો?, રોજ ઘરે મુકવા આવતા રિક્ષા ચાલકે ઈચ્છાપોરની 14 વર્ષની કિશોરીનું જીવન બરબાદ કર્યું

સુરત(Surat): શહેરના ઈચ્છાપોર (Ichchapore) વિસ્તારમાં કામ કરતી ગરીબ પરિવારની 14 વર્ષીય કિશોરી સાથે ઓળખીતા રિક્ષા ચાલકે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. કંપની દ્વારા કર્મચારીઓને ઘરેથી લાવવા મુકવા માટે રિક્ષાની વ્યવસ્થા કરાઈ હતી, તે જ રિક્ષાના ચાલકે કિશોરી પર દાનત બગાડી તેનું જીવન બરબાદ કર્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

  • ઈચ્છાપોરમાં 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, રિક્ષા ચાલકે ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો
  • એક મહિનાથી નરાધમ માસૂમને પીંખી રહ્યો હતો, લગ્નની લાલચ આપી માસૂમને ભોળવી ઈજ્જત લૂંટી
  • કિશોરીએ પરિવારને જાણ કરતા મામલો બહાર આવ્યો, પરિવારે ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • કવાસ ગામના રિક્ષાચાલક રાહુલ વાઘની ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર ઈચ્છાપોરમાં રહેતા ગરીબ પરિવારની 14 વર્ષીય દીકરી ઈચ્છાપોરની એક કંપનીમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાવવા મુકવા માટે કંપની દ્વારા એક ઓટો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કવાસ ગામમાં રહેતા રાહુલ સંજય વાઘને રિક્ષા ચાલક તરીકે કર્મચારીઓને ઘરેથી કંપનીમાં લઈ જતો અને કંપનીથી ઘરે મુકી જતો હતો.

રોજ 14 વર્ષીય કિશોરી રાહુલની રિક્ષામાં અવરજવર કરતી હતી. દરમિયાન રાહુલે કિશોરી પર દાનત બગાડી હતી. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન રાહુલે રિક્ષામાં સવાર અન્ય તમામ કર્મચારીઓને ઉતારી દીધા બાદ કિશોરી સાથે વાતો કરી તેને લગ્નની લાલચ આપી ઝાડી ઝાંખરામાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આખરે ભોગ બનનાર કિશોરીએ પરિવારને સઘળી હકીકત જણાવતા તેઓએ ઇચ્છાપોર પોલીસ મથકમાં રાહુલ વાઘ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિશોરીની બહેનની ફરિયાદ લઈ રાહુલ વાઘ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top